Charchapatra

‘‘પ્રજાની સુરક્ષા એ રાજાની જવાબદારી’’

આપણે ત્યાં કોઈપણ દુર્ઘટના બને પછી જ સરકાર અને તંત્ર હરકતમાં આવતું હોય છે અને તપાસની તામજામ થાય છે. પહેલગામમાં થયેલા હુમલા પછી સરકાર સફાળી જાગી છે અને પરિણામ સ્વરૂપ દેશમાં રહેલા પાકિસ્તાનીઓ અને ઘૂસણખોરોને ખદેડવાની મુહિમ ઉપાડી છે. પહેલગામના હુમલામાં માથે માછલાં ધોવાયા ત્યારે સરકારે દબાતા સૂરે કબૂલ્યું કે સુરક્ષામાં ચૂક થઈ છે‌.

સંઘ પ્રમુખ મોહન ભાગવત કહે છે કે પ્રજાની સુરક્ષાની જવાબદારી ‘રાજા’ની છે પણ રાજા એવું સમજે છે કે મારી સુરક્ષા એ પ્રજાની જવાબદારી છે. પહેલગામમાં જ્યાં ઘટના બની ત્યાંથી loc લાઈન ઓફ કંટ્રોલ લગભગ 250 કિલોમીટર દૂર છે તો શું આતંકવાદીઓ 250 km અંદર સુધી ઘૂસી આવ્યાં ત્યાં સુધી પ્રશાસનને કોઈ ખબર જ ન પડી? અને આતંકવાદીઓ આરામથી ઘટનાને અંજામ આપીને હવામાં ઓગળી ગયાં? પહેલગામની ઘટના પછી ભારત-પાક વચ્ચે ‘પ્રતિબંધો’ના શસ્ત્રોથી યુદ્ધનો પ્રારંભ થઈ ગયો છે અને હવે ‘અણુશત્રો’ના યુદ્ધનાં પડકારા થઈ રહ્યાં છે.

યુદ્ધ કોઈ દેશના હિતમાં નથી હોતું. યુદ્ધ એટલે કેવળ પરિણામ વગરની બરબાદી! શાણપણ તો એમાં છે કે ચકલું એ ના ફરકી શકે એવી રીતે સરહદને સીલ કરવી જોઈએ. સંવેદનશીલ સરહદને હંમેશા હાઈએલર્ટ મોડ પર રાખવી જોઈએ અને ધારો કે કોઈ સરહદ ઓળંગવાની કોશિશ કરે તો તેને ત્યાં જ દફનાવાની ગોઠવણ હોવી જોઈએ. દેશની પ્રજાને એક જ વિનંતી છે કે, હવે ત્યારે જ કાશ્મીર ફરવા જજો કે જ્યારે આપણા મંત્રીઓ અને નેતાઓ કોઈપણ પ્રકારની સુરક્ષા વગર પહેલા કાશ્મીરમાં ફરી બતાવે.
સુરત     – પ્રેમ સુમેસરા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top