Comments

ગુજરાતમાં લગ્ન નોંધણી નિયમોમાં સૂચિત સુધારા છોકરીઓને અને નાગરિકોને જ વધારે હેરાન કરશે

ભારત વિરોધાભાસોનો દેશ છે. એક તરફ દેશના પ્રધાન મંત્રી શ્રી દુનિયાના એ.આઈ. તજજ્ઞો સાથે સમિટ યોજી રહ્યા હતા ત્યારે ગુજરાત વિધાનસભામાં લગ્નનોંધણી માટેના સામાન્ય બુદ્ધિમાં પણ ના ઊતરે તેવા નિયમો સૂચવવામાં આવી રહ્યા હતા. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી જે યુવાનોમાં લોકપ્રિય થવા માટે વિકાસની રાજનીતિની વાતો કરે છે તેમની જ પાર્ટીનાં કેટલાંક લોકો હવે આ જ યુવા પેઢીને અઢારમી સદી તરફ લઇ જવાની વાત કરે છે. ભાજપે આ આંતર વિરોધ વહેલી તકે ઓળખવો પડે.

ગુજરાતમાં ૧૯૯૧ની વસ્તી ગણતરીમાં ધ્યાનમાં આવ્યું કે એક હજાર પુરુષોની તુલનામાં સ્ત્રીઓનું પ્રમાણ ઓછું થતું જાય છે. નવાં જન્મતાં બાળકોમાં બાળકો વધુ અને બાળકીઓ ઓછી જન્મે છે. 2001ની વસ્તીગણતરીમાં આ અસમાનતા વધારે જોવા મળી. એક હજાર પુરુષ સામે ૯૨૪ સ્ત્રીઓ નોંધાઇ. ભારતમાં હરિયાણા અને ગુજરાતમાં ઊંઝા એટલે કે મહેસાણા જિલ્લામાં સ્ત્રી પુરુષ દર વધારે અસમાન જોવા મળ્યો.

વિજ્ઞાન અને ટેકનોલોજીનો  દુરુપયોગ ઊડીને આંખે વળગ્યો. સોનોગ્રાફી મશીન બાળકીઓને જન્મતાં પહેલાં જ મારી નાંખવામાં કારણરૂપ બન્યો અને સમાજમાં પાટીદાર સમાજમાં આ પ્રમાણ વધારે જોવા મળ્યું. તત્કાલીન મુખ્ય મંત્રી શ્રીએ હરિયાણાના બેટી બચાવ આંદોલનને ગુજરાતમાં શરૂ કર્યું. બેટી પઢાવ માટે રથયાત્રા કાઢી. પાટીદાર આગેવાનો જાગૃત થયાં. છોકરા મોટા થશે તો પરણશે ક્યાં? ચિંતા સાચી પડી, છોકરાઓ સામે છોકરીઓની અછત ઊભી થઇ અને એક તો છોકરીઓ ઓછી એમ તે બીજી જ્ઞાતિના છોકરા સાથે લગ્ન કરે એટલે દુકાળમાં અધિક માસ!

હવે વાતનો બીજો મુદ્દો, ગુજરાતના રાજકારણમાં યેન કેન પ્રકારે નેતાગીરી કરવા નીકળેલાં કેટલાંક લોકોએ જોયું કે આ સરકારમાં રોજગારી, કોન્ટ્રાક્ત પ્રથા, સ્કૂલ ફી, ટ્રાફિક, જાહેર હિંસા આવા કોઈ મુદ્દે સરકાર સામે પડી નેતાગીરી કરી શકાય તેમ નથી અને આવનારી ચૂંટણીમાં જ્ઞાતિને આધારે ટીકીટ ફાળવણી થાય તો આપનું નામ જ્ઞાતિ આગેવાનમાં બોલાવું જોઈએ. તો આ માટે સરળ રસ્તો છે. છોકરીઓની પસંદગીના લગ્નનો, પ્રેમલગ્નનો વિરોધ કરવો. આમ પણ હજુ અનેક મા-બાપ છોકરા છોકરીઓ જાતે જીવનસાથી પસંદ કરે તેવું માનતા તો નથી જ. હા, ઘણા આમાં બહુ હાથ નથી પકડતા માટે પંસદગીના લગ્ન ઘર મેળે પતાવી આપે છે અને ઘણાં માનતા નથી ત્યાં છોકરા છોકરીઓ પોતાની મેળે લગ્ન કરી નિયમ મુજબ કોર્ટમાં રજીસ્ટ્રેશન કરાવી દે છે.

લોકો અને લવ મેરેજ કોર્ટ મેરેજ કે રજીસ્ટર્ડ મેરેજ કહે છે. હવે નવી નવી નેતાગીરી કરનારને આ ખૂંચ્યું છે અને વિરોધ કરવા માટે સહેલું લાગ્યું છે. સરકારને પણ આમાં લવ જેહાદનો શબ્દ ઉમેરી વાતને  આડા પાટે લઈ જવામાં જાણે રસ પડ્યો છે  અથવા બહુ ગમ્ભીરતાપૂર્વક વિચાર્યું જ નથી. અધિકારીઓએ વચલો રસ્તો કાઢ્યો છે કે લગ્ન નોંધણી માટે મા બાપના આધાર કાર્ડ માંગો. તેમના ફોન નમ્બર માંગો અને તેમને જાણ કરો  તથા નોંધણીની તારીખથી એક મહિના પછી રજીસ્ટ્રેશન સર્ટી આપો. હવે વાત એક , આમાં ક્યાંય લગ્ન રજીસ્ટ્રેશન નહિ થાય તેવું લખ્યું નથી. એક મહિના મોડું થશે એમ લખ્યું છે . બીજી વાત, મા બાપ ના પાડે તો પછી  શું? તેનો ઉલ્લેખ નથી. ત્રીજી વાત મા બાપને જાણ  વોટ્સેપ થી થશે …પણ નમ્બર સાચો હોય , માં બાપ પાસે ફોન હોય ,તો

ચોથી વાત એક તરફનાં મા બાપ  માન્ય રાખે, બીજી તરફનાં માન્ય ના રાખે તો શું કરવાનું?
પાંચમી વાત, લગ્ન કરીને છોકરો છોકરી એક મહિનો સાથે રહે પછી મા બાપની નાપસંદગીને કારણે આ લગ્ન ફોક થાય તો વિચારો ખરેખર શોષણ કોનું થયું ગણાય?
છઠ્ઠી વાત , મહિના પછી મા બાપને  કારણે બન્ને છૂટાં પડે તો પણ છોકરા પર ગુનો તો લાગુ પાડી શકાતો નથી.
સાતમી વાત શું ગુજરાતના સાત કરોડ લોકોએ માંગ કરી ’તી ?

આઠમી વાત . કોર્ટ પાસે બધા જ લગ્ન રજીસ્ટ્રેશન માટે જાય છે. સામાન્ય લગ્નો અને પ્રેમલગ્ન એમ જુદા પ્રકાર નથી … માટે આ મહિનો મોડા નોંધણી નો નિયમ સામાન્ય લગ્ન નોંધણી માટે આવનારાં નાગરિકોને જ હેરાન કરશે. નવમી વાત દિલ્હીમાં ચીનના રોબોટને પોતાનો ગણાવાયો એવું જ તાલીબાનના  નિયમને  આપણો ગણાવાયો  એવું તો નથી થયું ને ?   છેલ્લે , કોઈ છોકરો ખરેખર છોકરીને ફસાવે , લગ્નની લાલચ આપે , સમ્બન્ધ બાંધે અને છેલ્લે . બકા, હું તો તારી સાથે લગ્ન કરવા માંગું છું પણ તારા મા બાપ જ ના પાડે છે. જો ..એમ કહીને છટકી જવા માંગતો હોય તો આ નિયમો તેને સૌથી વધારે ફાયદો કરાવશે.  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top