Columns

ગાઝામાં શાંતિ માટેનો પ્રસ્તાવ મધ્ય પૂર્વમાં અશાંતિ ભડકાવે તેવો છે

ઇઝરાયલ અને અમેરિકા જ્યાં સુધી પેલેસ્ટાઇનની પ્રજાના આત્મનિર્ણયના અધિકારને માન્ય નહીં કરે ત્યાં સુધી ગાઝા પટ્ટીમાં શાંતિ સ્થાપવા માટેની કોઈ યોજના સફળ થઈ શકશે નહીં. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુ દ્વારા મધ્ય પૂર્વમાં શાંતિ માટે ૨૦ મુદ્દાની યોજના તૈયાર કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ યોજનાની જાહેરાત કરતાં પહેલાં હમાસ કે પેલેસ્ટાઇનની કોઈ સંસ્થા સાથે વાતચીત કરવામાં નહોતી આવી કે તેમની સંમતિ લેવામાં આવી નહોતી. વ્હાઈટ હાઉસમાં આ શાંતિ યોજનાની જાહેરાત કરતાં નેતન્યાહુએ ધમકીના સ્વરમાં કહ્યું હતું કે જો ૭૨ કલાકમાં હમાસના નેતાઓ આ યોજનાનો સ્વીકાર નહીં કરે તો ઇઝરાયલ પોતાની રીતે આગળ વધશે. હમાસના નેતાઓ પોતાનું સ્વાભિમાન છોડીને આ યોજનાનો સ્વીકાર કરે તેવી કોઈ સંભાવના નથી, જેને કારણે ૭૨ કલાક પછી અમેરિકાના ટેકાથી ઇઝરાયલ આકરાં પગલાં લેશે તેવો ભય વ્યક્ત કરાઇ રહ્યો છે.

૭ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો, જેમાં એક હજારથી વધુ ઇઝરાયલી નાગરિકોની હત્યા કરવામાં આવી અને ૨૫૦ થી વધુને બંધક બનાવવામાં આવ્યાં હતાં. હમાસ અને IDF ના પ્રયાસો સાથે યુદ્ધવિરામ કરાર દ્વારા ૨૦૭ બંધકો ઇઝરાયલ પરત ફર્યાં છે. ગાઝામાં હજુ પણ ૪૮ બંધકો છે, જેમાંથી ૨૦ જીવંત છે. ઇઝરાયલે હમાસને ખતમ કરવાના હેતુથી ગાઝામાં બદલો લેવા લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું. આજ સુધીમાં આ યુદ્ધમાં ૬૬,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયાં છે, જેમાંથી અડધાથી વધુ બાળકો અને મહિલાઓ છે.

વધુમાં ૧,૬૮,૦૦૦ થી વધુ પેલેસ્ટિનિયન ઘાયલ થયાં છે. ૭ ઓક્ટોબરના હુમલામાં ઇઝરાયલનાં એકાદ હજાર નાગરિકો માર્યા ગયાં હતાં, પણ ઇઝરાયલી હુમલામાં ૬૬,૦૦૦થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયાં તે પછી પણ ઇઝરાયલના મનની આગ શાંત થઈ નથી.  અમેરિકા અને ઇઝરાયલ દ્વારા જે ૨૦ મુદ્દાનો શાંતિકરાર તૈયાર કરવામાં આવ્યો છે તેમાં હમાસનું વિસર્જન કરવાની અને ગાઝા પટ્ટીનો કબજો ઇઝરાયલના હાથમાં રહેવા દેવાની વાત હોવાથી હમાસના નેતાઓ તેનો સ્વીકાર નહીં કરે તો ઇઝરાયલ આક્રમણ કરીને ગાઝાપટ્ટીનો કબજો લઈ લેશે.

ઇઝરાયલ અને અમેરિકાની શાંતિ યોજનામાં ગાઝામાં લશ્કરી કાર્યવાહી તાત્કાલિક બંધ કરવાની હાકલ કરવામાં આવી છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બંધકોના મૃતદેહો, જીવંત અને મૃત બંને, તબક્કાવાર પરત ન આવે ત્યાં સુધી પરિસ્થિતિ યથાવત્ રહેશે. આ યોજના મુજબ હમાસ તેનાં શસ્ત્રો સોંપશે અને તેની ટનલ અને શસ્ત્રો બનાવવાની ફેક્ટરીઓનો નાશ કરવામાં આવશે.

મુક્ત કરાયેલાં દરેક ઇઝરાયલી બંધક માટે કે તેના મૃતદેહ સામે ઇઝરાયલ ગાઝાના નાગરિકોના ૧૫ મૃતદેહ પરત કરશે. યોજનામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે બંને પક્ષો પ્રસ્તાવ પર સંમત થતાંની સાથે જ ગાઝાપટ્ટીને તાત્કાલિક સંપૂર્ણ સહાય મોકલવામાં આવશે. આ યોજનામાં હમાસે ૭૨ કલાકની અંદર ૨૦ જીવંત ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા અને મૃત માનવામાં આવતાં આશરે ૨૦ બંધકોના મૃતદેહ પરત કરવા જરૂરી છે. આ પ્રસ્તાવ વિશે એક ખાનગી ટી.વી. ચેનલને પોતાની પ્રતિક્રિયા આપતાં હમાસના એક વરિષ્ઠ સભ્યે જણાવ્યું હતું કે આ યોજનાની શરતો પેલેસ્ટિનિયન હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ જાય છે અને સંગઠન એવા કોઈપણ પ્રસ્તાવને સ્વીકારશે નહીં જેમાં ગાઝામાંથી ઇઝરાયલના પાછા ખેંચવાની ગેરંટી ન હોય.

યુરોપિયન અને આરબ દેશો તેમજ કતાર અને ઇજિપ્ત જેવા મધ્યસ્થી સાથે પરામર્શ કર્યા પછી વિકસાવવામાં આવેલી આ યોજનામાં દુશ્મનાવટ બંધ કરવા, ગાઝામાંથી ઇઝરાયલી દળોને મર્યાદિતપણે પાછાં ખેંચી લેવા અને હમાસ બાકીનાં તમામ બંધકોને મુક્ત કર્યા પછી ઇઝરાયલમાંથી પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાની હાકલ કરવામાં આવી છે. ગાઝામાં રોજિંદી સેવાઓ ચલાવવા માટે એક સ્થાનિક, ટેકનોક્રેટિક વહીવટ સ્થાપિત કરવામાં આવશે અને તેનું સંચાલન ઇજિપ્ત સ્થિત પીસ બોર્ડ દ્વારા કરવામાં આવશે. જે હમાસ સભ્યો શાંતિપૂર્ણ રીતે સહઅસ્તિત્વ રાખવા અને શસ્ત્રો સોંપવા સંમત થાય છે તેમને માફી મળશે, જ્યારે અન્યને દેશનિકાલ કરવામાં આવશે. અમેરિકા અને આરબ દેશો દ્વારા રચાયેલું આંતર રાષ્ટ્રીય દળ ગાઝામાં સુરક્ષા જાળવશે અને ખાતરી કરશે કે પેલેસ્ટિનિયન સશસ્ત્ર જૂથો તેમનાં શસ્ત્રો સોંપે.

આ દરખાસ્તનું માળખું અગાઉના પ્રસ્તાવોથી પ્રેરિત છે, જેમાં જુલાઈમાં રજૂ કરાયેલી સાઉદી-ફ્રેન્ચ યોજનાનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ટોની બ્લેરે પણ આ યોજનાના ઘડતરમાં ફાળો આપ્યો હતો. નવા પ્રસ્તાવ મુજબ તેઓ ગાઝામાં કામગીરીનું નિરીક્ષણ કરતાં બોર્ડ ઓફ પીસમાં જોડાશે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે આ બોર્ડના અધ્યક્ષ હશે. આ યોજના એટલી અસ્પષ્ટ છે કે બંને પક્ષો તેને સ્વીકારવાનો ડોળ કરી શકે છે અને પછી તેની નિષ્ફળતા માટે એકબીજાને દોષી ઠેરવી શકે છે. જો આવું થાય તો ડોનાલ્ડ ટ્રમ્પનું વહીવટીતંત્ર ઇઝરાયલના પક્ષમાં રહેશે તે સ્પષ્ટ છે. ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે સ્પષ્ટતા કરતાં નેતન્યાહુને કહ્યું કે જો હમાસ આ પ્રસ્તાવ સ્વીકારશે નહીં, તો અમેરિકા તમે જે કરવા માંગો છો તે કરવામાં તમને સંપૂર્ણ સમર્થન આપશે.

આ યોજનામાં પેલેસ્ટિનિયન રાજ્યનો અસ્પષ્ટ ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે જો રામલ્લાહ સ્થિત પેલેસ્ટિનિયન ઓથોરિટીનું પુનર્ગઠન કરવામાં આવે તો પેલેસ્ટિનિયન પ્રજાના સ્વ-નિર્ણય અને રાજ્યત્વ માટે એક વિશ્વસનીય માર્ગ શક્ય બની શકે છે. આરબ દેશો આ પ્રસ્તાવને મોટી સફળતા માને છે કારણ કે તે ફેબ્રુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા રિવેરા યોજનાને રદ કરે છે, જેમાં પેલેસ્ટિનિયનોને બળજબરીથી દૂર કરવાની હાકલ કરવામાં આવી હતી. તેમને ઓછામાં ઓછું પેલેસ્ટિનિયન રાજ્યનો ઉલ્લેખ પણ મળ્યો છે. જો કે કોઈ ચોક્કસ વચન આપવામાં આવ્યું નથી.  યોજનામાં જણાવાયું છે કે ઇઝરાયલ ગાઝા પર કબજો કરશે નહીં, પરંતુ વેસ્ટ બેન્ક માટે આવી કોઈ પ્રતિબદ્ધતા નથી.

આ આરબ દેશો માટે મહત્ત્વપૂર્ણ છે. જો કે યોજનામાં એક સમયે એવું કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલ ગાઝાની સુરક્ષા પરિમિતિની અંદર તેનાં સુરક્ષા દળોને જાળવી રાખશે. બીજી તરફ, ઇઝરાયલે દલીલ કરી છે કે પ્રસ્તાવનું સમગ્ર માળખું યુદ્ધ સમાપ્ત કરવાના તેના ઉદ્દેશો સાથે સુસંગત છે, જેમાં હમાસ દ્વારા તેનાં શસ્ત્રો સોંપવા, ગાઝાનું નિઃશસ્ત્રીકરણ અને ભવિષ્યમાં કોઈ પેલેસ્ટિનિયન રાજ્ય ન બનાવવાનું વચન સામેલ છે. પરંતુ તે સ્પષ્ટ નથી કે શસ્ત્રો સોંપવાની અને પેલેસ્ટિનિયન રાજ્યનો દરજ્જો આપવાની જોગવાઈ તેમની સરકારના કેટલાક વર્ગો દ્વારા સ્વીકારવામાં આવશે કે પછી નેતન્યાહૂ તેનો ઉપયોગ દબાણ લાવવા અને શરતોને સુધારવા માટે કરશે. આ યોજનામાં હવે ઘણું બધું હમાસના પ્રતિભાવ પર આધાર રાખે છે.

આ મહત્ત્વપૂર્ણ જાહેરાત પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેના સંયુક્ત નિવેદનમાં ટ્રમ્પે નેતન્યાહૂને કતાર પાસેથી માફી માંગવા માટે સમજાવ્યા હતા. કતાર આ મહિને દોહામાં હમાસના નેતાઓ પર ઇઝરાયલી હવાઈ હુમલા બદલ માફી માંગે તેવી માંગણી કરી રહ્યું છે. આનો અર્થ એ થયો કે કતાર હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચે મધ્યસ્થીનું સ્થાન મેળવી શકે છે. ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચેની બેઠકના કલાકો પહેલાં ગાઝા શહેરમાં ઇઝરાયલી ગોળીબાર અને હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બન્યા હતા, જ્યાં IDF એ તેનું ૩-જી આર્મર્ડ ડિવિઝન તૈનાત કર્યું છે. ઇઝરાયલી આક્રમણમાં વધારો હમાસ પર દબાણ લાવવાના પ્રયાસનો એક ભાગ છે, પરંતુ તેના કારણે નોંધપાત્ર નાગરિક જાનહાનિ થઈ છે.

દરમિયાન, હમાસના એક ફિલ્ડ કમાન્ડરે જણાવ્યું હતું કે ગાઝામાં હમાસના પ્રભારી કમાન્ડર એઝ અલ-દિન અલ-હદ્દાદ લગભગ ૫,૦૦૦ લડવૈયાઓ સાથે અંતિમ નિર્ણાયક યુદ્ધ માટે તૈયારી કરી રહ્યા છે. ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહીથી ઇઝરાયલના આંતર રાષ્ટ્રીય સ્તરે અલગ થવાની સંભાવના વધી ગયા બાદ, ફ્રાન્સ અને સાઉદી અરેબિયાના નેતૃત્વમાં યુરોપિયન અને આરબ દેશો થોડા મહિના પહેલાં રાજદ્વારી જોડાણને પુનર્જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે જ સમયે, યુદ્ધ અપરાધોના આરોપસર આંતર રાષ્ટ્રીય ફોજદારી અદાલત દ્વારા નેતન્યાહૂ વિરુદ્ધ હજુ પણ ધરપકડનું વોરંટ જારી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top