Charchapatra

બેફામ બનેલા નબીરાઓ

અમદાવાદમાં બિલ્ડરના નબીરાએ 160ની ઝડપે જગુઆર કાર દોડાવીને બે પોલીસકર્મી સહિત 9ની હત્યા કરી નાંખી. બે વર્ષ પહેલાં રાજકારણીના નબીરાએ દિલ્હીમાં આંદોલન કરી રહેલા 5 આંદોલનકારીઓને પોતાની ગાડીમાં કચડી નાંખ્યા દેશમાં પૈસાદારો અને રાજકારણીઓ પોતાને કાયદાથી પર સમજે છે. એ લોકો પૈસાથી અને સત્તા વડે આખો કેસ નબળો કરાવી નાંખે છે. એટલે એમના નબીરાઓને ઉની આંચ આવતી નથી અને કદાચ સજા થાય તો નીચલી કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવે છે. હાઇકોર્ટમાં ચુકાદો એમની વિરૂધ્ધમાં જાય તો સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવે છે. સુપ્રિમ કોર્ટમાં ચુકાદો આવતાં વર્ષોના વર્ષો નીકળી જાય છે અને નબીરાઓ બિંદાસથી ફરતા રહે છે. હવે એવું નથી લાગતું કે કાયદો માત્ર ગરીબ અને મધ્યમ વર્ગ માટે જ છે?
નવસારી   – દોલતરાય એમ. ટેલર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મણિપુર હિંસા : કૂણું વલણ દાખવવામાં આવી રહ્યું છે?
છેલ્લા અઢી મહિનાથી ભારતનાં પૂર્વોત્તર રાજય મણિપુરમાં શરૂ થયેલી હિંસા યેનકેન પ્રકારેણ અટકવાનું નામ નથી લેતી.એમાં રાજય અને કેન્દ્રની સરકારને સફળતા નથી મળી રહી. હિંસાએ આટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તેની પાછળનાં કારણોમાં મેઈતેઈ સમાજને એસ ટી નો દરજ્જો આપવામાં આવ્યો તે અને બીજું કારણ ભારતને ડ્રગમુક્ત બનાવવા ત્યાં થતી અફીણની ખેતીનો નાશ કરવાનું  અને તેની ખેતી કરતાં ખેડૂતોને સ્થાળાંતર કરવાની પ્રતિક્રિયાના ભાગરૂપે હિંસા ભડકી ઊઠી છે એવા મત પ્રવર્તે છે.અહીં નાગા , કૂકી અને મેઈતેઈ ત્રણ જાતિનાં લોકો રહે છે અને તેઓના આંતરિક પ્રશ્નોને લઈને હિંસા ભડકી છે. બે મહિલાઓને જાહેરમાં વસ્ત્રો ઉતારીને ફેરવવા અંગેનો વિડિયો વાયરલ થતાં દેશ અને દુનિયામાંથી આક્રોશ વ્યકત થઈ રહ્યો છે. રોમ ભડકે બળતું હતું ને નીરો વાંસળી વગાડતો હતો – આ કહેવતને આપણે સાચી ઠેરવીશું?
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top