સુરત: (Surat) રાંદેર પોલીસ (Police) ઉપર બે દિવસ પહેલાં આરીફ કોઠારીના (Aarif Kothari) માણસોએ હુમલો કરી આરીફને ભગાવી દીધો હતો. આ ઘટના બાદ રાંદેર પોલીસ એગ્રેસીવ મોડમાં આવી હતી. ગુરુવારે જીલાની બ્રિજ પાસે આરીફ કોઠારીની જુગાર ક્લબ (Gambling) ઉપર બુલડોઝર (Bulldozer) ફેરવ્યું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર પોલીસની ટીમ જીલાની બ્રિજ નીચે સુભાષનગર ઝૂપડપટ્ટીના પાળા ઉપર આરીફ કોઠારીને પકડવા બે દિવસ પહેલા ગઈ હતી. ત્યારે પોલીસ ઉપર આરીફ કોઠારીના માણસોએ હુમલો કરી તેને ભગાવી દીધો હતો. આ ઘટનામાં પોલીસના જવાન ઘવાયા પણ હતા. પોલીસે આ ઘટના બાદ 35 લોકોનાં ટોળાં સામે ગુનો દાખલ કર્યો હતો. 12ની ધરપકડ કરી 2 વાહનો કબ્જે લેવાયા છે. દરમિયાન ગુરુવારે પોલીસે સજ્જુ કોઠારીના ભાઈ આરીફ કોઠારીની જુગાર ક્લબ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું. તોડફોડ કરી દરવાજા તોડી પાડી, એસી અને કેટલીક બાઈક લાવારીસ મળી આવતાં કબજે લીધી હતી. જો કે, પોલીસે આ અંગે સત્તાવાર કોઈપણ માહિતી આપવા ઇનકાર કર્યો હતો.
આરીફ કોઠારીને પકડવા ગયેલી પોલીસ પર થયો હતો હુમલો
કુખ્યાત સજ્જુ કોઠારીનો (Sajju Kothari) ભાઇ આરીફ કોઠારી છેલ્લા કેટલાક દિવસથી પોલીસ (Police) ચોપડે વોન્ટેડ (Wanted) છે. આરીફ કોઠારી જીલાની બ્રિજ (Jilani Bridge) પાસે આવેલી સુભાષનગર ઝૂંપડપટ્ટીમાં બેઠો છે તેવી પોલીસને બાતમી મળી હતી. આ બાતમી મળતા ડી-સ્ટાફના પીએસઆઇ હડિયા ચાર કોન્સ્ટેબલને લઇને આરીફ કોઠારીને પકડવા ગયા હતા.
પીએસઆઇ હડિયાએ આરીફને પકડતાની સાથે જ ઝૂંપડપટ્ટીમાં 100થી વધુ માણસ 5 પોલીસ સામે ધસી આવ્યા હતા. અને પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પોલીસને પોતાનો જીવ બચાવવા માટે સંતાઇ જવું પડ્યું હતું. તેવામાં પોલીસે પકડેલો આરીફ પોલીસનાં કપડાં ફાડી ભાગી ગયો હતો. અને બાદ સ્થળ પર પોલીસ કુમક ધસી ગઇ હતી. પરંતુ આરીફ ભાગી જવામાં સફળ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સજ્જુ કોઠારી અને તેનો ભાઇ આરીફ તેમજ તેમના સાગરિતો પોલીસ ઉપર હુમલો કરવામાં માહિર છે તે વાત આખુ શહેર જાણે છે. તેમ છતાં માત્ર ચાર પોલીસ તેને પકડવા ગઇ હતી. આ બાબત જ હાસ્યાસ્પદ છે. આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ વિરોધ કરવાના હોય ત્યારે તેઓ નેતા નહીં પણ આરોપી હોય તેમ આખી ફોજ ખડકી દેવામાં આવે છે અને રીઢા ગુનેગારને પકડવા પોલીસ એકલી દોડી જાય છે.