સુરત : સુરતની કોર્ટમાં એક આવકારદાયક ચૂકાદો સાંભળવા મળ્યો છે. અહીં વિવાદિત મિલકતના 38 વર્ષથી ચાલી રહેલાં કેસનો સુખદ અંત આવ્યો છે. ભાડુઆત અને પેટા ભાડુઆત દ્વારા મિલકત પચાવી પાડવાના આ કેસમાં સુરતની સિવિલ કોર્ટે મિલકતના મૂળ માલિકના પક્ષમાં ચૂકાદો આપ્યો છે. આમ, આખરે 38 વર્ષે ન્યાય તોળાયો છે.
નાનપુરાના ગુણાતીત નગર સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર નગીનદાસ વાંકવાલા નાનપુરામાં મિલકત ધરાવે છે. આ મકાન તેઓએ વલ્લભભાઇ દેવરાજભાઇને ભાડેથી આપેલી હતી. વલ્લભભાઇ સમયાંતરે ભાડુ પણ ચૂકવતા ન હતા. બાદમાં વલ્લભભાઇએ આ મિલકત અન્ય પેટા ભાડુઆત વિજયભાઇ બચુભાઇ ભગતને આપી દીધી હતી. આ વિવાદને લઇને મુળ માલિક રમેશચંદ્રએ વલ્લભભાઇની પાસેથી મકાનનો કબજો માંગ્યો હતો. પરંતુ વલ્લભભાઇએ કબજો નહીં આપતા મકાનનો કબજો લેવા સુરતની સિવિલ કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો. સને-1983માં થયેલો આદાવો 38 વર્ષ સુધી ચાલ્યો હતો. કોર્ટમાં વલ્લભભાઇ તેમજ અન્ય પેટાભાડુઆતોએ પોતાની માલિકી હક્ક બતાવીને કોર્ટમાં વિવાદ કર્યો હતો. આખરે 38 વર્ષ બાદ સુરતની સિવિલ કોર્ટે મુળ માલિક રમેશચંદ્ર વાંકવાલા હોવાનું કહીને મિલકતનો કબજો તેઓને આપવા માટેનો આદેશ કર્યો હતો.
મંદબુદ્ધિની યુવતીનો હાથ પકડી છેડતી કરનાર યુવકને બે વર્ષની સખત કેદની સજા
સુરત : મહિધરપુરા વિસ્તારમાં મંદબુદ્ધિની યુવતીનો હાથ પકડીને તેને સુવા માટે કહીને છેડતી કરનાર યુવકને કોર્ટે તકસીરવાર ઠેરવ્યો હતો અને 2 વર્ષની સખત કેદની સજા કરી હતી. સાથે જ કોર્ટે ચૂકાદામાં લખ્યું કે, આરોપી સારુ-નરસુ સમજી શકે તેવી માનસિકતા ધરાવે છે, જ્યારે ભોગ બનનાર કશુ સમજી શકે તેમ નથી અને આવા કૃત્યને હળવાશથી લઇ શકાય નહીં.
આ કેસની વિગત મુજબ મહિધરપુરા વિસ્તારમાં એક મહિલા અને તેની મંદબુદ્ધિની યુવતી ઊભી હતી ત્યારે ત્યાં અશોક બદ્રીપ્રસાદ તિવારી નામનો યુવક આવ્યો હતો. આ યુવકે યુવતીનો હાથ પકડીને કહ્યું કે, ચાલ મારી સાથે સૂવા. આ બાબતે મહિધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને અશોકની ધરપકડ કરી હતી. આ દરમિયાન કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ મનીષ રાણપરાએ દલીલો કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ અશોકને તકસીરવાર ઠેરવ્યો હતો અને 2 વર્ષની સખત કેદની સજા તેમજ 2 હજારનો દંડ કરતો હુકમ કર્યો હતો. કોર્ટે પોતાના ચૂકાદામાં લખ્યું હતું કે, આ કેસને ફરિયાદીની સોગંદ ઉપરની જુબાનીના આધારે સમર્થન મળ્યું છે. આરોપીએ કરેલો ગુનો સ્ત્રી વિરુદ્ધનો છે. ભોગબનનાર મંદબુદ્ધિની સ્ત્રી છે. આરોપીએ કરેલું કૃત્ય સુસંસ્કૃત સમાજમાં ન શોભે તેવું વર્તન કર્યું છે અને એક સ્ત્રીની ગરીમાને ઠેસ પહોંચાડી છે. આરોપી સારુ-નરસુ સમજી શકે તેવી માનસિકતા ધરાવે છે, જ્યારે ભોગ બનનાર મહિલા કશુ સમજી શકે તેમ નથી. આવી ઘટનાને હળવાશથી લેવાય તો સ્ત્રી જાહેરમાં મુક્ત રીતે હરીફરી શકે નહી અને સમાજમાં સ્ત્રી અસુરક્ષિત છે તેવી લાગણી અનુભવે ઉપરાંત આવા પ્રકારના ગુનાને પણ ઉત્તેજન મળે તેમ છે.