Editorial

રિલાયન્સમાં વારસાની સોંપણીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ દેશની સૌથી મોટી કંપની છે જે અનેક ધંધાઓમાં કાર્યરત છે. આ કંપની એટલી મોટી છે કે વિશ્વના કેટલાક નાના દેશોના જીડીપી કરતા પણ તેની નેટવર્થ વધારે છે. અને આ કંપનીમાં કોઇ મોટી હલચલ થાય તો તેની અસર દેશના અર્થતંત્ર પર પણ જોવા મળી શકે છે. આવી કંપનીના હજારો કરોડ રૂપિયાના મહાકાય સામ્રાજ્યનો વારસો હવે ધીરે ધીરે તેના માલિક કુટુંબની ત્રીજી પેઢી પાસે જઇ રહ્યો છે ત્યારે આ ઘટના તરફ દેશભરનું ધ્યાન ખેંચાય તે સ્વાભાવિક છે.

જો કે કંપનીની ધુરા સંપૂર્ણપણે ત્રીજી પેઢીના હાથમાં જતાં હજી લાંબો સમય લાગશે પરંતુ તેની પ્રક્રિયા તો શરૂ થઇ જ ગઇ છે. આ કંપનીના માલીક એવા એશિયાના સૌથી ધનિક શખ્સ મુકેશ અંબાણીએ પોતાના અનુગામીઓ નિમવાની યોજના અમલમાં મૂકી દીધી છે અને પોતાના ત્રણ સંતાનો ઇશા, આકાશ અને અનંતની નિમણૂક આ કંપનીના બોર્ડમાં કરી છે જે બોર્ડના અધ્યક્ષ તરીકે પોતે હજી વધુ પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે. અત્યાર સુધી આ ત્રણેય બાળકો ફક્ત ઓપરેટિંગ બિઝનેસ લેવલ પર હતા અને તેમાંનું કોઇ પણ ભારતની આ સૌથી મોટી લિસ્ટેડ કંપનીના બોર્ડ પર ન હતું.

સોમવારે રિલાયન્સની વાર્ષિક સાધારણ સભા મળે તે પહેલા કંપનીના બોર્ડની બેઠક મળી હતી અને મુકેશના જોડિયા સંતાનો ઇશા અને આકાશ ઉપરાંત અનંતની નિમણૂક કંપનીના બોર્ડમાં કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. આ ત્રણેય હાલ કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેકટરો તરીકે નિમાયા છે એમ કંપનીએ એક સ્ટોક એકસચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું. આના પછી શેરહોલ્ડરોની સભામાં મુકેશ અંબાણીએ પોતાના સંતાનોની નિમણૂકની જાહેરાત કરી હતી અને કહ્યુ઼ હતું કે અમેરિકાની આઇવી લીગ યુનિવર્સિટીમાં ભણેલા તેમના નબીરાઓ જેને લાયક હતા તે તેમને મળી ગયું છે. ૬૬ વર્ષના થયેલા મુકેશ અંબાણી પોતે ૧૯૭૭માં ૨૦ વર્ષની વયે રિલાયન્સ કંપનીના બોર્ડમાં જોડાયા હતા અને પિતા ધીરુભાઇ અંબાણીના અવસાનના થોડા સમય બાદ કંપનીના ભાગલા પડ્યા બાદ પોતાને ફાળે આવેલા જૂથના વડા બનીને તેને વિકસાવ્યું હતું.

વિદેશની યુનિવર્સિટીઓમાં ભણેલા ઇશા, આકાશ અને અનંતને કેટલાક સમય પહેલા કંપનીના કેટલાક એકમોના સંચાલનની જવાબદારી મુકેશે સોંપી છે જેમાં આકાશને જીઓ પ્લેટફોર્મ્સની દેખરેખ સોંપી છે, પરિણીત પુત્રી ઇશાને રિલાયન્સ રિટેલની અને અનંતને હાલમાં નવા લોન્ચ થયેલા નવા એનર્જી બિઝનેસની જવાબદારી સોંપી છે, પરંતુ બોર્ડ લેવલ પર તેમની નિમણૂક કરીને મુકેશે હવે એક પગલું ઓર આગળ ભર્યું છે. ધીરૂભાઇ અંબાણીના નામે જાણીતા એવા ધીરજલાલ હીરાચંદ અંબાણીએ રિલાયન્સની સ્થાપના ૧૯૭૩માં કરી હતી જે કંપની ખૂબ ફાલીફૂલીને એક વિશાળ વટવૃક્ષ બની ગઇ હતી.

ધીરૂભાઇના અવસાન પછી રિલાયન્સમાં ભાગલા પડ્યા, તેમાંથી મુકેશ aઅંબાણીના ફાળે આવેલા ધંધાઓનો ખૂબ વિકાસ થયો અને તે ધંધાઓની એકત્રિત કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બાદમાં દેશની સૌથી મોટી કંપની બની ગઇ. સોમવારે આ કંપનીની વાર્ષિક સાધારણ સભામાં પોતાના ત્રણેય સંતાનોની નિમણૂક કંપનીના બોર્ડમાં થઇ હોવાની જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આજે ઇશા, આકાશ અને અનંતમાં હું મારા પિતા અને મને – બંનેને જોઇ રહ્યો છું. મને તેમનામાં ધીરૂભાઇના ચળકાટની જ્યોત દેખાય છે એમ મુકેશે કહ્યું હતું. પોતે કંપનીનું નેતૃતવ કરવાનું હાલ ચાલુ જ રાખશે એવી જાહેરાત મુકેશે કરી હતી, અને સ્વાભાવિક છે કે આટલી મહાકાય કંપનીનું સુકાન સંતાનોને ધીમે ધીમે જ સોંપી શકાય.

દેશની સૌથી મહાકાય કંપનીની જવાબદારીઓ મુકેશ અંબાણીએ પોતાના સંતાનોને ધીમે ધીમે સોંપવા માંડી છે અને તેમના કાર્યક્ષેત્રો પણ નક્કી કરવા માંડ્યા છે તે એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે પોતાના ભાઇ અનિલ સાથે પોતાને જે કડવાશભર્યો કલહ સર્જાયો હતો તેવું પોતાના સંતાનોની બાબતમાં નહીં થાય તે માટે મુકેશ સભાન છે. ધીરૂભાઇ અંબાણી કોઇ વસિયતનામુ કર્યા વિના અવસાન પામ્યા તે પછી તેમના પુત્રો મુકેશ અને અનિલ વચ્ચે રિલાયન્સ કંપની પર કાબૂ જમાવવા માટે સખત સંઘર્ષ સર્જાયો હતો અને છેવટે તેમના માતા કોકીલાબેનની દરમ્યાનગીરી સાથે વર્ષ ૨૦૦પમાં રિલાયન્સ સામ્રાજ્યના બે ભાગ પડ્યા હતા અને કેટલાક ધંધાઓ મુકેશને ફાળે અને કેટલાક ધંધાઓ તેમના નાનાભાઇ અનિલને ફાળે ગયા હતા. લહેરી લાલા જેવા અનિલ અંબાણીના ફાળે ગયેલા ધંધાઓ એક પછી એક સૂવા માંડ્યા અને તેમનું જૂથ લગભગ પરવારી ગયું છે. જો કે એક દેવાના કેસમાં અનિલને જેલમાં જવાનો વખત આવે તેમ હતું ત્યારે મુકેશે તેમને કડવાશ ભૂલી જઇને તાકીદે મદદ કરી હતી તે પણ નોંધપાત્ર બાબત છે. હવે મુકેશના સંતાનોને રિલાયન્સનું સંપૂર્ણ સુકાન મળશે ત્યારે તેઓ તેને કઇ રીતે હાથ ધરશે તે ભાવિ પેઢીઓ જોઇ શકશે.

Most Popular

To Top