આકાશમાં ઉપગ્રહો એક બીજાને હડફેટમાં લે તેવી શકયતા વધી ગઇ છે ત્યારે પૃથ્વી પર ટ્રાફિક જેમ થઇ જાય તેમાં શી નવાઇ? હવે સેટેલાઇટસ આધારિત બ્રોડબેન્ડ ઇન્ટરનેટનો યુગ શરૂ થયો છે. ભારતમાં જિયો કંપનીની પોતાની ફાઇબર અને ટાવર આધારિત બ્રોડબેન્ડ સેવાઓ છે તો પણ કંપની સેટેલાઇટ આધારિત સેવા આપવાની દિશામાં આગળ વધી રહી છે. હમણા જ રિલાયન્સ જિયો દ્વારા વિદેશની કંપનીઓ સાથે કરારો થયા. આકાશમાં ઉપગ્રહોના ઝુમખાઓ છોડીને પૃથ્વી તરફથી મળતા સંકેતો ઝીલીને ફરી પાછા પૃથ્વી પર મોકલવાની દિશામાં સિલિકોન વેલીની અમુક કંપનીઓ આગળ વધી રહી છે. પરંતુ સ્પેસએકસ અને ટેસ્લા કાર કંપનીના માલિક અને જગતમાં પૈસાપાત્રની યાદીમાં પહેલા કે બીજા સ્થાને રહેતા ઇલોન મસ્કની સ્પેસએકસ કંપનીની સ્ટારલિન્ક યોજના તેમાં અગ્રેસર છે.
સ્પેસ એકસના અવકાશી પ્રોજેકટસ, રોકેટ સેવા વગેરેના ગ્રાહકમાં સૌથી મોટું નામ અમેરિકા સરકારની નાસાનું છે. આ નાસા દ્વારા હમણા ચેતવણી આપવામાં આવી છે કે આકાશમાં ગીરદી થવાનું જોખમ વધી ગયું છે. આ માટે મહત્વનું કારણ સ્ટારલિન્ક પ્રોજેકટ છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા) દ્વારા કહેવામાં આવ્યું છે કે આકાશમાં સેંકડો કિલોમિટર ઊંચાઇએ ઉપગ્રહો ટકરાઇ જાય તે શકયતા વધી છે. સ્પેસએકસ તેની સ્ટારલિન્ક યોજનાના ભાગ- રૂપે અવકાશમાં નીચેની ભ્રમણકક્ષા, અર્થાત પૃથ્વીની નજીકની શકય ભ્રમણ કક્ષા અથવા ગ્રહપથ પર સેંકડો અને હજારો ઉપગ્રહો લોન્ચ કરી રહ્યું છે. આ સ્ટારલિન્ક યોજના હાઇસ્પીડ ઇન્ટરનેટ સર્વિસ હશે જેના વડે પૃથ્વીના કોઇપણ સ્થળ પર ઝડપી ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ બનશે. સ્ટારલિન્ક સમગ્ર પૃથ્વી માટે આ યોજના શરૂ કરી રહી છે.
આ ઉપગ્રહો છોડવાની મંજૂરી ‘ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન’ (એફસીસી) પાસેથી મેળવવાની રહે છે. સ્પેસ એકસ દ્વારા ક્રમશ: ત્રીસ હજાર જેટલા ઉપગ્રહો નજીકના ભવિષ્યમાં છોડવામાં આવશે અને તે ત્રીસ હજાર માટે ગયા જાન્યુઆરીમાં કંપનીએ એફસીસી પાસેથી મંજૂરી માગતો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સ્પેસએકસનો પ્લાન કુલ ૪૨ (બેંતાલીસ) હજાર ઉપગ્રહો છોડવાનો છે. દરમિયાન આ મહિનાના પ્રારંભમાં નાસાએ સ્પેસએકસને જણાવ્યું છે કે જો ત્રીસ હજાર ઉપગ્રહોને તરતા મૂકવામાં આવશે તો જેની ગતિવિધિઓ પર જમીન પરથી ટ્રેક (ભાળ) રાખવામાં આવે છે તેવાં આકાશમાં તરતા ડિવાઇસોની સંખ્યા નાટયાત્મક રીતે વધી જશે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો પૃથ્વી નજીકના નકકી થયેલા ગ્રહપથો પરના દરેક પથ પર કમસેકમ પાંચ સેટેલાઇટ હશે.
આ ગ્રહપથ અર્થાત ઓરબીટમાં જ એ ઉપગ્રહો હશે પણ એક સરખી ઊંચાઇએ રહેતા હોવાથી એક મેક ટકરાઇ જવાની સંભાવના વધે છે. ટકરાઇ જવાથી માત્ર સેટેલાઇટસ ગુમાવવાનું આર્થિક, પ્રમાણમાં હળવું જોખમ પેદા થાય. પણ જે ગંભીર જોખમ છે તે અવકાશમાં તે ઉપગ્રહોનો ભંગાર બાબરા ભૂતની માફક અનંત કાળ સુધી બેકાબુ બનીને તરતો રહે. તે તૂટી પડયો હોવાથી જમીન પરથી તેના પર કાબુ રાખવાનું શકય રહેતું નથી કે તેને પૃથ્વી તરફ નીચે ઊતારીને બાળી શકાય. આમેય સ્પેસ સાયન્ટિસ્ટો અવકાશમાં વધી ગયેલા કચરા અથવા ભંગાર વિશે ચિંતિત છે. તે સ્વૈરવિહાર કરતા કચરાને એકઠો કરવા માટે વિજ્ઞાનીઓ નવી નવી ટેકનોલોજીઓ ઇજાજ કરવા માટે મગજ કસી રહ્યા છે. કેટલાક ટેકનિકલ ઇલાજો શોધાયા છે, પણ તે મુશ્કેલ છે. હજી એવા કોઇ સચોટ પુરવાર થયા નથી. તેમાં હજારો નવા સેટેલાઇટસ ઉમેરાય, પછી ભલે તે કદમાં પ્રમાણમાં નાના છે, પણ જોખમ તો મોટું ઊભું કરે છે.
બીજી ચિંતા એ છે કે અવકાશમાં સ્ટાર લિન્કની સાથે સાથે અમેઝોન જેવી અન્ય કંપનીઓના ઇન્ટરનેટ સેટેલાઇટસ પણ ઘૂમતા હશે. આવી બધી કંપનીઓના એ સેટેલાઇટસનું સંચાલનનો આખરે જમીન પર રહેલી સ્વયંચાલિત કન્ટ્રોલ સિસ્ટમ વડે થશે. તેના વડે તેના પર કાબુ રહેશે, પરંતુ અનેક કંપનીઓની સેટેલાઇટસ સિસ્ટમો એક મેક સાથે સંદેશાઓનું આદાનપ્રદાન કેવી રીતે કરશે? કેવી રીતે તેઓ એક બીજાની હાજરી, અમુક સ્થળ પરની ઉપસ્થિતિની જાણ બીજી કંપનીઓના તમામ ઉપગ્રહો સાથે કરી શકશે? જો કે વિજ્ઞાન આવી સમસ્યાઓનો ઉકેલ શોધવામાં માહેર છે. પરંતુ તેને શોધવામાં અને અમલમાં મુકવામાં હજી ઘણો સમય લાગી જશે.
એક સરખી કેપેબિલિટી ધરાવતા જુદા જુદા નેટવર્કો ઉપગ્રહો સમસ્યા બની શકે છે. રેલવેના નીજીકરણમાં જે સમસ્યા નડે છે તેને મળતી આ તકલીફ છે, પણ રેલવેની સહેલી છે અને આ અઘરી છે. વળી વર્તમાનમાં અવકાશમાંની આ પરિસ્થિતિને નિયમિત કરવા માટે જમીન પર કોઇ કાયદા કાનૂનો ઘડાયા નથી. ‘સબ અવકાશ ગોપાલ કા’ અનુરીને કંપનીઓ આગળ વધી રહી છે. પરંતુ તકલીફો અને નફા નુકશાનો તો જમીન પર ભોગવવાના છે તેથી કાયદા-કાનૂનોની ખાસ જરૂર પડશે જેમાં સમગ્ર દુનિયાની સંમતિની જરૂર પડશે. જો કે નાસાએ એફસીસી સમક્ષ જે રજૂઆત કરી તેમાં સ્પેસએકસ બાબતમાં કોઇ ગંભીર ટીપ્પણી કરી નથી. કારણ કે હવે નાસાના અવકાશવીરોને અવકાશમાં પહોંચાડવાનું અને જમીન પર લાવવાનું કામ મસ્કની સ્પેસ એકસ કરે છે. છતા નાસાએ એફસીસીસને એટલું જરૂર જણાવ્યું છે કે ‘અવકાશમાંના ટ્રાફિકનું નિયમન કરવું તે નાસા માટે મહત્વનો ચિંતાનો વિષય છે.
બીજી તરફ નેટવર્ક કંપનીઓ માટે પણ આ ચિંતાનો વિષય છે. એક તો તેઓની સિસ્ટમને નુકશાન પહોંચે. બીજું જે બેકાબુ અવકાશી ભંગાર પેદા થાય તે અવકાશમાં જ આવતા અવકાશયાત્રીઓ, અવકાશયાનો માટે પણ જોખમી બને. સંશોધકો પણ આ સમસ્યાને જોખમી ગણે છે. પૃથ્વીથી ઉપડતા કે પૃથ્વી તરફ આવતા લાંબી દૂરીના અવકાશી મિશન સાથે એક નાનકડો ટુકડો પણ અફળાઇ જાય તો મિશનની ચિંતાજનક હદે બરબાદી થઇ જાય. સેટેલાઇટ્સ ફાસ્ટ ઇન્ટરનેટ નેટવર્ક શરૂ કરવા માટે એમેઝોન ઉપરાંત વિમાન નિર્માતા કંપની બોઇંગ પણ તૈયાર થઇ રહી છે. એફસીસી ઉપરાંત સંયુકત રાષ્ટ્રસંઘની સંસ્થા ‘ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન’ પાસેથી પણ મંજૂરી મેળવવાની રહેતી હોય છે. તેની સમક્ષ ચીન તરફથી આ પ્રકારના સાત હજાર આઠસો ઉપગ્રહોની પરવાનગી માંગવામાં આવી છે. આ સિવાય ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક સિવાયની અન્ય સેવઓમાં રોકાયેલી કંપનીઓ પોતપોતાના સેટેલાઇટસ તરતા મુકતી હોય છે. એ બધા મળીને ખૂબ ગીરદી કરી મૂકે છે અને ભંગાર વધારે છે. અત્યાર સુધીમાં સ્ટારલિન્ક દ્વારા 1741 સાધનો અવકાશમાં તરતા મુકવામાં આવ્યા છે.
આ જોમો ટાળવ માટે કેલિફોર્નિયાની એક કંપની ‘સ્પેસ એકપ્લોરેશન ટેકનોલોજીઝ કોર્પોરેશન’ દ્વારા પહેલેથી જ એક વધુ સજ્જ નેટવર્ક તૈયાર કરવા માટે ગંજાવર રકમનું મૂડી રોકાણ કરી રહી છે. દોઢ વરસ અગાઉ એફસીસીએ અવકાશમાં કચરો ઓછો કરાવના હેતુથી નવા નિયમો ઘડયા હતા. તકલીફ એ છે કે ઉપગ્રહો તરતા મૂકતા દેશો અને તેની કંપનીઓ પોતપોતાના માટે નિયમો ઘડે છે તેથી તેમાં એક સુત્રતા નથી. ગયા ડિસેમ્બરમાં ચીને આક્ષેપ કર્યો હતો કે સ્ટારલિન્કના સેટેલાઇટસ સાથે ટક્કર ખાળવા માટે 2021માં ચીને બે વખત ખાસ પ્રયત્નો કરવા પડયા હતા. યુનાઇટેડ નેશન્સની સ્પેસ કમિટીને ચીને ખાસ લેખિતમાં આ ઘટનાઓ વિષે જણાવ્યું હતું. સ્પેસએકસ દાવો કરે છે કે અવકાશી અથડામણો ટાળવા માટે કંપનીએ અન્ય ખાસ ઉપાયો યોજયા છે. ઉપરાંત અવકાશમાં કચરો જમા ન થાય તે માટેની તરકીબો અજમાવી છે. જેમકે, સેટેલાઇટસને પૃથ્વીથી શકય હોય એટલી નજીકથી ઓરબીટમાં ગોઠવવામાં આવે છે જેથી તેઓ એક મેક સાથે અફળાય તો નીચે પૃથ્વીના ઘટ્ટ હવાના વાતાવરણ તરફ આવે અને આકાશમાં જ સળગીને ખાસ થઇ જાય. અત્યાર સુધીમાં જરૂરી વધુ ઉંચાઇ પર પહોંચાડી શકયા નહીં તેવા સ્ટારલિન્કના ચાલીસ ઉપગ્રહો સળગીને રાખમાં ફેરવાઇ ગયા છે. તો વિજ્ઞાનના જીજ્ઞાસુઓ માટે સેટેલાઇટ કોમ્યુનિકેશન ક્ષેત્રમાં આવતા બે વરસ ખૂબ રસપ્રદ અને રોમાંચક પુરવાર થશે.