Madhya Gujarat

કાલોલના કોલેજ વિસ્તારની સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઠેરની ઠેર

કાલોલ: કાલોલ શહેરના કોલેજ વિસ્તારમાં આવેલી ઓમકારેશ્વર સોસાયટી, શુભાલય સોસાયટી સહિત અનેક સોસાયટીઓ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર વર્ષે વકરતી જાય છે, જે સમસ્યાના નિવારણ માટે પાલિકા દ્વારા કરોડો રૃપિયાની ભુગર્ભ ગટર યોજના કાર્યરત છે. પરંતુ પાછલા પાંચ – છ વર્ષથી કાર્યરત એવી આ ભુગર્ભ ગટર યોજના અધુરી રહેતા ભુગર્ભ ગટર યોજનાના ભરોસે આ કાયમી સમસ્યાના નિવારણ માટે પાલિકા તંત્ર દ્વારા અન્ય વિકલ્પો સામે ઉદાસીન વલણ ધરાવે છે. અત્રે કોલેજ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે માટે પુર્વે પાલિકા દ્વારા બી.આર.જી.એફ યોજના હેઠળ રૂ. ૧૨ લાખની ગ્રાન્ટની ફાળવણી કરી નીક ગટર યોજનાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પરંતુ તત્કાલીન સમયના પાલિકાના સત્તાધીશોની મીલીભગતનીતીને પગલે સમગ્ર યોજનાનું ભૂસ્તરીય લેવલની જાળવણી કર્યા વિના હલકી ગુણવત્તાના તકલાદી કામગીરીને પગલે સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ થવાને બદલે ઠેર ઠેર વકરતી જોવા મળે છે. જેથી તત્કાલીન સમયે પાલિકાની ગટર યોજનાની કામગીરી સામે સવાલો ઉભા થતા રૂ. ૧૨ લાખ રૂપિયાનો વેડફાટ થઈ ગયો હોવાનો આક્રોશ વ્યક્ત કરતા હલકી કક્ષાની કામગીરી સામે આ વિસ્તારની ઓમકારેશ્વર સોસાયટીના રહીશ રાજુભાઈ પટેલે ઉચ્ચ તંત્ર અને સ્વાગત કક્ષાએ રજૂઆત કર્યા પછી સ્વાગત કક્ષાએ ચાલી રહેલા આ કેસ મામલે તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ નિવારણ નહીં આવતા વરસાદી પાણી ભરાવાની વિકરાળ સમસ્યા યથાવત રહી છે.

જ્યારે બીજી તરફ પાલિકા તંત્ર દ્વારા સ્વાગત કક્ષાએ કેસ ચાલતો હોવાનું જણાવી આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે અન્ય કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી એવો તાંત્રિક બચાવ કરે છે. સામાન્ય વરસાદને પગલે પણ મુખ્ય રસ્તાઓ અને આંતરિક રસ્તાઓ પર વરસાદી પાણીનો ભરાવો ઠેર ઠેર જોવા મળતા આ વિસ્તારના રહીશોને પાણીના ભરાવાની હાલાકીઓ વેઠવી પડે છે.

વિસ્તારમાં પાલિકાના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સહિતના અનેક અગ્રણી ચુંટાયેલા સભ્યોનું પ્રતિનિધિમંડળ હોવા છતાં પણ આ વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર વરસાદી પાણીના નિકાલની સમસ્યા યથાવત જોવા મળતા દિવા તળે અંધારા જેવો ઘાટ હોવાનો સમગ્ર અસરગ્રસ્ત રહેવાસીઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. કોલેજ વિસ્તારની વકરતી જતી સમસ્યા સામે ઉચ્ચતંત્ર દ્વારા પાલિકાના પુર્વે યોજનાકીય ગ્રાન્ટ સામેની કામગીરી અંગે સ્થળ ચકાસણી કરી પુનઃ સમીક્ષા હાથ ધરી વરસાદી પાણીના નિકાલ માટે જરૂરી ગટર યોજના કે કોસ દ્વારા કાયમી નિરાકરણ લાવવા માટેની નગરજનોની લોકમાંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top