Charchapatra

જમ્મુ-કાશ્મીરની સમસ્યા મોદી સરકાર વડે ઉકેલાઈ રહી છે

દેશનું જમ્મુ-કાશ્મીરનું રાજ્ય એક સમયમાં વિશ્વનું સ્વર્ગ મનાતું હતું જેને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદે વર્ષો સુધી નરક બનાવી દીધું હતું. જમ્મુ-કાશ્મીરની આવી સ્થિતિ માટે કલમ-370નો રાજ્યનો ખાસ દરજ્જો અને જમ્મુ-કાશ્મીરની વર્ષોથી વારાફરતી સત્તા સંભાળતા સ્થાનીય પરિવારવાદી મતાંધ રાજકીય નેતાઓ જવાબદાર હતા. દેશના કર્મઠ અને નિર્ણાયક વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કલમ-370 હટાવીને અને આતંકવાદીઓને દાખલારૂપ પદાર્થપાઠ શીખવાડીને જમ્મુ-કાશ્મીરમાં હિંસાની ઘટનાઓ નામશેષ કરેલ છે અને હર ઘર તિરંગા ના કાર્યક્રમ થી રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવાનું વાતાવરણ રાજ્યમાં પ્રથમવાર નિર્માણ કરેલ છે.

જમ્મુ કાશ્મીરના જે રાજકીય નેતાઓ તિરંગાનો વિરોધ કરતા હતા તેજ નેતાઓ આજે વાતાવરણ બદલાવવાથી તિરંગા સાથે જોડાઈ ગયા છે જે દેશ માટે આવકાર્ય ઘટના ગણી શકાય. કેન્દ્ર સરકારના રાજ્યમાં શાંતિ પ્રેરતા અને દેશની એકાગ્રતામાં સમરસ થનારા પગલાઓ સામે હવે કુદરતે પણ સારા કાર્યમાં સાથ આપેલ છે. જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં 60 લાખ ટન લિથિયમનો વિપુલ જથ્થો મળેલ છે જેની અંદાજે કિંમત 33 લાખ કરોડ રૂપિયા થાય છે.

આ લિથીયમ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં સોનાના પાંચ બ્લોક પણ પ્રાપ્ત થયેલ છે. જમ્મુ-કાશ્મીરનો લિથીયમનો આ વિક્રમ જથ્થો દેશને ઈલેક્ટ્રીક વાહનો અને સ્માર્ટ ગેઝેટની બેટરીના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવતો હોવાથી મૂળ મહત્વનો સાબિત થશે. આમ કેન્દ્ર સરકાર સાથે કુદરત પણ ઉપરના ઘટનાક્રમો દ્વારા જમ્મુ-કાશ્મીર ને પુન: સ્વર્ગ બનાવવા ઈચ્છે છે ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજકીય નેતાઓએ તેમજ નાગરિકોએ પણ શત: પ્રતિશત કેન્દ્ર સરકારને સહકાર આપવાની એ જરૂરી બનેલ છે.
અમદાવાદ- પ્રવિણ રાઠોડ   – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top