પહલગામમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરતના શૈલેષ કળથિયાની પત્નીએ આજે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. શૈલેષ કળથિયાની અંતિમ વિદાયમાં સામેલ થયેલા નેતાઓને શૈલેષ કળથિયાને પત્નીએ સાફ સુણાવી દીધું હતું કે, કાશ્મીરનું નામ બદનામ ન કરો, વાંધો આપણી સિક્યોરિટીમાં છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલામાં એસબીઆઈના કર્મચારી શૈલેષ કળથિયાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના 23 એપ્રિલ, 2025ની આસપાસ બની હતી, જ્યારે શૈલેષ તેમના પરિવાર સાથે કાશ્મીરમાં પ્રવાસે ગયા હતા. આ હુમલામાં આતંકવાદીઓએ શૈલેષને તેમની પત્ની અને બાળકોની સામે ગોળી મારી હતી, જેના કારણે આ યાત્રા તેમની જીવનની છેલ્લી સફર બની.
આજે શૈલેષની પત્નીએ સરકાર અને સુરક્ષા વ્યવસ્થા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે સી.આર. પાટીલને કહ્યું, કાશ્મીરનું નામ બદનામ ન કરો, વાંધો આપણી સિક્યોરિટીમાં છે, મિલિટ્રીવાળાએ કીધું કે તમે અહીં ફરવા જ કેમ આવો છો?” આ નિવેદનમાં સુરક્ષા નિષ્ફળતા અને પ્રવાસીઓની સલામતી અંગેની ચિંતા સ્પષ્ટ દેખાય છે. તેમના આક્રોશમાં સરકારની જવાબદારી અને પ્રવાસી સ્થળો પર પૂરતી સુરક્ષા ન હોવાનો રોષ પ્રતિબિંબિત થાય છે.
આજે ગુરુવારે શૈલેષ કળથિયાની તેમના સુરતના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અંતિમયાત્રામાં પરિવારને સાંત્વના આપવા કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલ પણ પહોંચ્યા હતા. ત્યારે પોતાની સામે પતિનો જીવ જતાં જોનાર પત્ની શીતલબેને કેન્દ્રિય મંત્રી સામે આક્રોશ ઠાલવ્યો હતો.
‘નેતા-VIP માટે હેલિકોપ્ટર અમારા માટે કઈ નહીં’
મૃતક શૈલેષ કળથિયાની પત્ની શીતલબેને વ્યથા ઠાલવતા પાટીલને કહ્યું કે, કાશ્મીરમાં કોઈ સુવિધા નહોતી, કોઈ આર્મી નહોતી, કો કોઈ પોલીસ નહોતી, જ્યારે મોટા નેતા આવે કે VIP આવે ત્યારે પાછળ કેટલી ગાડીઓ દોડતી હોય છે. તેઓ હેલિકોપ્ટરમાં ફરે છે. આ હેલિકોપ્ટર કોનાથી ચાલે છે? ટેક્સ પે કરે છે તેના જ ચાલે છે ને?
VIP માટે જે સર્વિસ છે એ આ લોકો માટે કેમ નથી? હું નીચે આર્મી કેમ્પમાં બુમો પાડી-પાડીને કહેતી હતી કે, ઉપર કેટલા લોકો ઈજાગ્રસ્ત છે, તમે લોકો જલ્દી જાઓ અને કંઈક કરો. અમે ઉપરથી પડતા-આખડતા નીચે ઉતર્યા તો પણ ઉપર કોઈ ફેસેલિટી નહોતી પહોંચી. ઉપર આટલું બધું થઈ ગયુ હતું અને નીચે આર્મીને કેમ ખબર ન પડી કે આવું થઈ ગયું છે?
આંતકવાદીઓ અમારી સામે આવીને ગોળી મારી જાય છે. હિન્દુ-મુસ્લિમોને અલગ કરીને હિન્દુઓના બધા ભાઈઓને ગોળી મારે છે તો આપણી આર્મી કરે છે શું? લાખોની સંખ્યમાં આર્મી હતી ત્યાં અને જ્યાં ટુરિસ્ટ પ્લેસ છે ત્યાં કોઈ આર્મીમેન, પોલીસમેન કે કોઈ ફસ્ટેર્ડ કિટ નહીં. કોઈ જ સુવિધા નહી. તેમાંથી પણ એક આર્મીમેન કહે છે કે, તમે લોકો ઉપર ફરવા જ શું કામ જાઓ છો?

હવે તમે મને એ વાતનો જવાબ આપો કે, આ રીતનું જ હતું તો તમે અમને જવા જ શું કામ દો છો? મારા ઘરનો સ્તંભ જતો રહ્યો છે. મને મારો આધાર સ્તંભ પાછો આપો મારે બીજુ કંઈ ના જોઈએ. જો આપણી સરકારને પોતાની જ સુવિધા રાખવી છે તો આજ પછી આ સરકારને કોઈ વોટ જ ન કરતા. તમારી પાછળ કેટલા વીઆઈપી હોય છે, કેટલી ગાડીઓ હોય છે. તમારો જીવ જીવ છે, આ ટેક્સ પે કરે છે તેનો જીવ જીવ નથી?
શીતલબેને કહ્યું કે, આ છોકરાઓનું ભવિષ્ય શું? દીકરાને એન્જિનિયર બનાવવો છે, દીકરીને ડોક્ટર બનાવવી છે. હું કઈ રીતે બનાવીશ. મારે ન્યાય જોઈએ, મારા છોકરાઓનું ભવિષ્ય ખરાબ ન થવું જોઈએ. મારા પતિની આટલા વર્ષની સર્વિસમાં તમે ટેક્સ કાપીને પગાર આપ્યો છે ને? અને ઉપર જતાં અમે કોઈ વસ્તુ ખરીદીએ, ક્યાંય જઈએ તો ફરીથી ટેક્સ. ટોલ ટેક્સ બધા ટેક્સ અમારી પાસેથી લ્યો છો તો મારા ઘરવાળાને જ્યારે જરૂર હતી તો કોઈ સુવિધા નથી મળી તેનો મને ન્યાય જોઈએ. વધુમાં પાટીલને કહ્યું કે, તમે તો અહીં જ (સુરતમાં) રહો છો તો કહો મારા પતિ માટે શું કરશો? આ એક નહીં આના જેવા જેટલા નિર્દોષ ભાઈઓ હતાં તે બધાને નાના-નાના છોકરાઓ છે.
પાટીલે સરકાર મદદ કરશે તેવું કહેતા શૈલેષ કળથિયાના પત્નીએ કહ્યું કે, સરકાર ખાલી કહે છે કે, અમે કરીશું…અમે કરીશું… પણ આ બધુ બની ગયું પણ કઈ થયું નહીં. આ બધાને હોસ્પિટલમાં ફેસેલિટી મળી કે નહીં તેની પણ ખબર નથી. બીજે દિવસે આટલુ બધુ કર્ફ્યુ હતું, રોડ બંધ હતો, રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં આર્મીના 100-200 લોકોના ઢગલાં હતાં.
આ દરમિયાન હાજર નેતાઓએ શીતલબેનને બોલતા અટકાવવાનો પ્રયાસ કરતા શીતલબેને ગુસ્સે ભરાયા હતા અને કહ્યું કે, સર તમારે સાંભળવું જ પડશે. જ્યારે બધુ પતી જાય ત્યારે આપણી સરકાર આવીને ફોટા પાડે છે અને કહે છે કે, આર્મી ઓફિસર અહીં હતા. પોલીસ ઓફિસર અહીં હતાં. નેતાઓ પણ આવ્યાં છે. પછી આવ્યાં તેનો શું મતલબ? અને આર્મી ઓફિસર શા માટે બોલી શકે કે, અહીંયા શા માટે ફરવા આવ્યાં? એક આવું બોલ્યો તો ત્યાં હાજર કેમ કોઈ કઈ ન બોલ્યું? મને ન્યાય જોઈએ. મારા એકના છોકરાઓ અને પતિ માટે નહીં, ત્યાં જેટલા લોકોના જીવ ગયા છે તે બધા માટે મારે ન્યાય જોઈએ છે. બધાના છોકરાઓનું ભવિષ્ય હોવું જોઈએ.
સી. આર. પાટીલે જી બહેન ચોક્કસ કહેતા શિતલબેને કહ્યું- ખાલી ચોક્કસથી નહીં. અમને તમારા પર વિશ્વાસ હતો એટલે અમે ત્યાં ગયા હતાં. આટલું બોલતા અન્ય લોકોએ શીતલબેનને બોલતા અટકાવી દીધા હતાં. બાદમાં બહેને કહ્યું કે, તમે આ બંધ જ કરાવી દો, કે ત્યાં ટુરિસ્ટ પ્લેસ છે.
શીતલબેને કહ્યું, વાંધો આપણી સરકારમાં છે
છેલ્લે શીતલબેને કહ્યું કે, મુસ્લિમોને કંઇ ન કર્યુ ને જેટલા હિન્દુ હતા એ બધાને ગોળી મારી દીધી અને જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી આંતકવાદીઓ ઉભા ઉભા હસતા હતા. કાશ્મીરનું નામ બદનામ કરો છો પણ કાશ્મીરમાં કંઇ વાંધો નથી, વાંધો આપણી સરકાર અને સિક્યુરિટીમાં છે. આટલા ટુરિસ્ટ હતા પણ કોઇ આર્મી, પોલીસ કે મેડિકલ કેમ્પ નહોતો. અમે સરકાર અને આર્મી ઉપર ભરોસો રાખીને ફરવા ગયા હતા એ જ આર્મી કહે છે કે તમે ઉપર કેમ ફરવા જાઓ છો. અમાર બાળકો આર્મીને જોઇને સલામ કરે છે, જો આપણા દેશની આર્મી જ આવું કહેશે તો બીજુ કોણ બોલશે.
