બ્રિટનના રાણી એલિઝાબેથ 2 ની પોતાની ઉંમર 96 વર્ષની થઇ છે અને 26 વરસની યુવાન ઉંમરે એમનો રાજયાભિષેક થયો તે વાતને પણ આ વરસે 70 વરસ થઇ ગયાં. રાણીના ચતુર, શાલીન અને ગરિમાપૂર્ણ વ્યવહારની આ વરસે પ્લેટિનમ જયુબિલી ઉજવાઇ રહી છે. તખ્તનશીન થયા બાદ રજત, સુવર્ણ, ડાયમન્ડ અને હવે પ્લેટિનમ મળીને 4 જયુબિલીઓ બ્રિટનની પ્રજા દ્વારા ઉજવવામાં આવી છે. રાણી આટલા વરસ સુધી લોકપ્રિય રહ્યા તે એમના વ્યવહાર અને વર્તનને કારણે રહ્યાં, પણ વધુ અને વધુ લોકો રાજાશાહી અને રાજઘરાનાના સભ્યો પ્રત્યે અણગમો ધરાવતા થયા છે.
રાણી કયારેય પોતાના દુર્વ્યવહાર કે વાણીને કારણે અખબારો કે પ્રજા વચ્ચે ચર્ચામાં રહ્યાં નથી. રાજઘરાના તો બ્રિટિશ અખબારોનું અવિભાજય ઓબ્સેશન થઈ પડયું છે. બન્નેને જુદા પાડી ન શકાય. રાજકુટુંબ વિષે રોજના ધોરણે કંઇક સારું અને કંઇક ખરાબ લખાતું હોય છે. લોકો તે વાંચે છે અને કૂથલીમાંથી મળતો અવર્ણનીય આનંદ માણતા હોય છે પણ આગળ લખ્યું તેમ એ પંચાત કે બબાલ કયારેય રાણીને કારણે નથી થઇ.
છતાં રાણીમા અવારનવાર તેનો શિકાર બને છે કારણ કે રાણીમાના છોકરાઓમાં દૂરંદેશી અને જવાબદારીનો અભાવ. 2-3 વહુઓ પણ મોટા ખોરડાંને વગોવે એવી મળી હતી અને છે. રાણીના પોતાના થોડા વરસ પૂર્વે સ્વર્ગસ્થ બનેલા પતિ (જે રાજા ન હતા પણ રાજકુંવર હતા. બોલો, રાણીનો વર રાજકુમાર). પ્રિન્સ ફિલિપ્સ કયારેક જાહેરમાં બુધ્ધિવિહીન ઉચ્ચારણો કરતા અને રાણીને ભોગવવાનું આવતું. રાણીની એક બહેન માર્ગારેટ જયારે એન્ટની જોન્સ નામના એક ફોટોગ્રાફર સાથે ભાગીને પરણી ગઇ હતી ત્યારે શાહી કુટુંબને પોતાની બેઇજ્જતી થઇ હોય તેમ લાગ્યું હતું.
આ પ્લેટિનમ જયુબિલી વરસમાં રાણીજી એલિઝાબેથ પરેશાન એટલા માટે છે કે એમનો સૌથી મોટો પુત્ર પ્રિન્સ ઓફ વેલ્સ ચાર્લ્સ થોડા વખત અગાઉ દુનિયાના સૌથી મોટા આતંકી ઓસામા બિન લાદેનના સાઉદી અરેબિયા સ્થિત ધનાઢય લાદેન કુટુંબ પાસેથી 10 લાખ પાઉન્ડ અર્થાત લગભગ 10 કરોડ રૂપિયાનું દાન લઇ આવ્યા હતા પોતાના એક ટ્રસ્ટ માટે જેનું નામ છે પ્રિન્સ ઓફ વેલ્સ ચેરીટેબલ ફંડ. વરસ 2013માં ઓસામા બિન લાદેનના 2 સાવકા ભાઇઓ સાથે ગુપ્ત બેઠક કર્યા બાદ આ રકમ દાનમાં મળી હતી. પ્રિન્સ સાઉદી અને અમીરાતના રાજાઓ પાસેથી પણ સારી એવી રકમ લગભગ 30 લાખ પાઉન્ડ, એક સૂટકેસમાં ભરીને ઇંગ્લેન્ડ લઇ આવ્યા હતા.
સારી વાત એ છે કે રાજવીઓ પોતાની અનુકૂળતા ખાતર એ રકમનું દાન રોકડમાં જ કરવા માગતા હતા અને રાજકુમાર ચાર્લ્સે તે રકમ બ્રિટન લાવીને, પાઇએ પાઇ ટ્રસ્ટમાં જમા કરાવી દીધી હતી તેથી વચ્ચે અમુક રકમ ચગળી જવાનો કોઇ આરોપ નથી. પરંતુ બિન લાદેન કુટુંબ પાસેથી જે રકમ મળી છે તેનાથી બ્રિટન અને અમેરિકામાં ઊહાપોહ મચ્યો છે. ઓસામા બિન લાદેનને એમના અરબ કુટુંબીઓએ 1994માં ડિઝોન કર્યો હતો. મતલબ કે સત્તાવાર રીતે જાહેર કર્યું હતું કે લાદેન કુટુંબને ઓસામા સાથે કશું લાગતુંવળગતું નથી. ત્યાર બાદ અમુક ત્રાસવાદી પ્રસંગોમાં એને લિપ્ત જોયા બાદ સાઉદી અરેબિયાએ એને દેશનિકાલ પણ કર્યો હતો. 2013માં રાજકુમાર ચાર્લ્સે ડોનેશન લીધું ત્યારે ઓસામા પાકિસ્તાનમાં હણાઇ ચૂકયો હતો. ઓસામાને કારણે એનું કુટુંબ અને એના સાવકા ભાઇઓને ત્રાસવાદી ઠરાવી ન શકાય તે મુજબ ડોનેશન લેવામાં કશું ખોટું નથી. વળી એ કોઇ ઓસામાએ કમાયેલી મૂડી ન હતી. છતાં જયારે લોકો ભાવનામાં આવી જાય છે ત્યારે તેના પરિણામો મેનેજ કરવા મુશ્કેલ બને છે.
બ્રિટનની બહુમતી પ્રજા ઇચ્છે છે કે એક ત્રાસવાદીના કુટુંબ પાસેથી દાનની રકમ મેળવવી તે સારી વાત નથી. એક સર્વે પ્રમાણે બ્રિટનની 57% પ્રજાની માગણી છે કે પ્રિન્સ ચાર્લ્સ લાદેન કુટુંબને એ રકમ પાછી મોકલી આપે. વાત આટલે અટકતી નથી. લોકો પૂછી રહ્યા છે કે આ રીતે વિવેકબુધ્ધિ વાપર્યા વગર કોઇની પણ પાસેથી દાનધરમની રકમ ઉઘરાવી આવે એવી વ્યકિત ભવિષ્યમાં ગ્રેટ બ્રિટન, ઇંગ્લેન્ડ અને UKના રાજા, કિંગ બનવા માટે લાયક છે ખરા? મીડિયાના અહેવાલો અને કોલમોમાં પ્રિન્સને ખરીખોટી સંભળાવવામાં આવી રહી છે.
વાતનું વધુ વતેસર એ અમેરિકનોએ કર્યું જેમના સગાંવહાલાં નાઇન ઇલેવનનો ટવીન ટાવર પર જે ઓસામા બિન લાદેન પ્રેરિત ત્રાસવાદી હુમલો થયો તેમાં માર્યા ગયા છે. આમેય જો સગાં માર્યા ગયા ન હોય તો પણ અમેરિકી પ્રજાને લાદેન કુટુંબને આ રીતે મહાન બનાવવાની વાત પસંદ ન પડે. હવે મીડિયામાં અમેરિકનોએ મોટો ઊહાપોહ આદર્યો છે કે એ રકમ જેની છે તેને પાછી વાળી દો. પ્રિન્સ ચાર્લ્સની ઉંમર 73 વરસની થઈ છે. એમના પત્ની ફેશનેબલ લેડી ડાયેના સાથે એમનું લગ્નજીવન પ્રારંભથી જ ખોરંભે ચડયું હતું. ડાયેનાને બે પુત્રો મળ્યા પણ એની સતત ફરિયાદ હતી કે એને કયારેય પતિનો પ્રેમ ન મળ્યો એ પણ રાજકુમારી તરીકેની મર્યાદા ચૂકીને લંડનની અંધારી ગલીઓમાં એક મૂળ પાકિસ્તાની મુસ્લિમ ડૉકટરને મળવા લાગી. બાદમાં પ્રેમીઓ બદલાવતી રહી અને છેલ્લે લંડનના શ્રીમંતો માટેના વૈભવી સ્ટોર હેરોડસના આરબ મુસ્લિમ માલિકના દીકરા સાથે દોસ્તીમાં પડી.
પેરિસમાં એક રાત્રે ભયાનક કાર અકસ્માત થયો. વિલિયમ અને હેરી નાના હતા ત્યારે જ ડાયેના દુનિયા છોડીને જતી રહી. એ પ્રસંગોને લગતી ચર્ચાઓ, ગોસિપો મહિનાઓ સુધી ચાલી. એ પણ જાહેર થઇ ચૂકયું હતું કે પ્રિન્સ ચાર્લ્સ સાથે ઊભી હોય ત્યારે એની મા જેવી દેખાતી કેમિલા પાર્કર બોવેલ્સ સાથે પ્રેમસંબંધ હતો. હવે તો કેમિલા ચાર્લ્સને પરણીને નવી પ્રિન્સેસ ઓફ વેલ્સ બની છે પણ જયારે સંબંધ બંધાયો ત્યારે કેમિલા કોઇ બીજાને પરણી હતી. આ બધી ઘટનાઓ, તલસતી ડાયેનાનું આકસ્મિક મૃત્યુ અને પ્રિન્સની નિષ્ઠુરતાની વાતો ખૂબ લખાઇ તે કારણથી પણ ચાર્લ્સ પહેલેથી જ બ્રિટનની જનતામાં અણગમતા બની ગયા હતા.
વરસ 2011માં 2 નંબરના રાજકુમાર એન્ડ્રુ, જે ડયુક ઓફ યોર્ક તરીકેનું સ્ટેટસ ધરાવે છે તે અમેરિકામાં એક 17 વરસની મસાજ કરનારી કન્યા પાસેથી સેવા લેતા હોય તેવી તસવીર પ્રગટ થઇ ત્યારે બ્રિટનના લોકોમાં ડિમાન્ડ ઊઠી હતી કે એન્ડ્રુ પ્રિન્સ તરીકેના પદેથી નીચે ઊતરી જાય. હમણાંના વરસોમાં અમેરિકાના એક અબજોપતિ જેફરી એપસ્ટીન કુમળી વયની બાળાઓને સમાગમ માટે ખરીદતા હતા તે કૌભાંડ ખૂબ ચગ્યું હતું. એપસ્ટીનને સજા પણ થઇ છે. પ્રિન્સ એન્ડ્રુ પણ એપસ્ટીનના મિત્ર તરીકે એપસ્ટીન દ્વારા અપાતી એ સેવાનો લાભ લેતા હતા તેના સબળ આક્ષેપો થયા. રાણીએ દીકરાની બાબતમાં ખૂબ સાંભળવું પડયું.
એન્ડ્રુની પત્ની ફર્ગી પણ એક સ્વીમિંગ પુલમાં અને પુલ બહાર ધનિક, વધુ ઉંમરના ટાલ ધરાવતા પુરુષ સાથે એક પણ વસ્ત્ર પહેર્યા વગર સંબંધો માણી રહી હતી તે તસવીરો પ્રગટ થઇ ત્યારે માછલાં રાણી એલિઝાબેથ પર ધોવાયા હતા.
એવી તો રોજના ધોરણે અનેક વાતો છે જેમાં રાજકુમારો કે રાજવણો કયારેય સખણાં બેઠાં નથી અને ખાનદાનની આબરૂ જાળવી નથી. ચાર્લ્સના મોટા પુત્ર પ્રિન્સ વિલિયમની પત્ની કેટ (કેથેરીન) મિડલટનનાં વાણીવર્તન સૌજન્યપૂર્વકના રહ્યા છે.
વિલિયમનો નાનો ભાઇ હેરી હોલીવૂડની એક મિશ્ર વર્ણની અભિનેત્રી મેગન મરકલને પરણ્યો છે. એ પણ પોતાની સાથે વર્ણભેદ કરવામાં આવતો હતો તેમ કહીને બકીંગહામ પેલેસમાંથી ફરી પાછી હેરીને લઇને હોલીવૂડમાં જતી રહી છે.
વિલિયમ અને હેરી બંને ભાઇઓ જાહેરમાં ઝઘડે છે. રાણી 96 વરસના થયા છે અને કોઇક કારણસર બીજું કોઇક નજીકના ભવિષ્યમાં જ રાજગાદી પર આવશે. હવે પ્રજા પૂછી રહી છે કે શું આવા લોકોની આપણે જરૂર છે? 27% તો રાણીની સાથે જ રાજાશાહીનો અસ્ત થાય તેમ ઇચ્છી રહ્યા છે. દર વરસે આ પ્રમાણમાં એક એક ટકાની વૃધ્ધિ થાય છે. કદાચ રાણી જાય અને તેમાં મોટો ઉછાળો આવી શકે છે. જગતના ઇતિહાસના સૌથી મોટા સામ્રાજય અને તેના શાહી ખાનદાનનો અસ્ત નજીકના ભવિષ્યમાં શકય જણાઇ રહ્યો છે. યે માટી સભી કી કહાની કહેગી, યે દુનિયા હૈ ફાની ફાની રહેગી.