Charchapatra

પ્રધાનમંત્રીની ઇઝરાઇલની યાત્રા

આપણા દેશના કહેવાતા હિતેચ્છુ ઇઝરાઇલની આપણા પ્રધાનમંત્રીની તારીખ ૨૫–૨૬ ફેબ્રુઆરીની મુલાકાતના બે દિવસમાં જ ઇરાન પર અમેરિકા અને ઇઝરાઇલનો સંયુક્ત હુમલો થતા આપણા પ્રધાનમંત્રીની આ મુલાકાતે ઘણાં ભારતીયોને વિચારતા કર્યા છે કે આ મુલાકાતનો હેતુ શું હોઇ શકે? ૨૦૧૪ પહેલા મોટેભાગે દરેક પ્રધાનમંત્રીની વિદેશની મુલાકાત બાદ પ્રેસ કોન્ફરન્સ ગોઠવાતી જેમાં ઘણી બાબતોનો ખુલાસો થતો. હાલના આપણાં પ્રધાનમંત્રી આ પ્રથાથી દૂર રહ્યા છે.

એથી હાલની એમની ઇઝરાઇલની મુલાકાત બાદ તરત ચાલુ થયેલ યુદ્ધને કારણે લોકોના મનમાં અનેક સવાલ ઊભા થયા એ સ્વાભાવિક છે. આ મુલાકાત દરમિયાન ઇઝરાઇલે ઇરાન વિરૂદ્ધ થનાર લશ્કરી હુમલા અંગે આપણા પ્રધાનમંત્રીને સૂચીત કર્યા હશે? અલબત્ત આપણા પ્રધાનમંત્રી માટે આપણે એવુ તો વિચારી કે માની ન જ શકીએ. પરંતુ એ સ્વભાવિક છે કે લોકોના મનમાં એ સવાલ જરૂર થાય કે હજી સુધી પ્રધાનમંત્રીએ અમેરિકા–ઇઝરાઇલના ઇરાન પર થયેલ હુમલા અંગે મૌન કેમ ધારણ કરેલ છે? આપણાં પ્રધાનમંત્રી અખાતના અન્ય દેશોને યુદ્ધથી દૂર રહેવા સમજાવી રહ્યા છે પરંતુ યુદ્ધનું બ્યુગલ ફૂંકનાર ઇઝરાઇલ અને અમેરિકાને યુદ્ધથી થતી તારાજીથી દૂર રહેવાની અપીલ કરી હોય એવું જાણાતુ નથી.  આ સંજોગોમાં સૌ કોઇ એવુ ઇચ્છે કે પ્રધાનમંત્રી અંગે કોઇ ખોટુ ન વિચારે એ માટે પણ સરકાર દ્વારા આ અંગે ખુલાસો થાય જેથી કોઇપણ જાતની ગેરસમજને સ્થાન ન રહે. 
સુરત      – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સાચા અર્થમાં હીરો બનો
ફિલ્મ ઉદ્યોગમાં પડદા પરના હીરો અગણિત છે પરંતુ વાસ્તવિક જીવનમાં હીરોની ભૂમિકા ભજવનાર માત્ર એક જ કલાકાર છે અને એ છે અભિનેતા સોનુ સુદ જે માનવતાની દ્રષ્ટીએ સાચો સામાજીક કાર્યકર્તા અને હીરો છે. એવા અનેક ઉદાહરણો છે જેમા પીડિતોની આગળ આવીને મદદ કરી છે જેમકે કોરોના કાળ અને જરૂરીયાતમંદોને સહાયતા કરી છે. આર્થિક સંકટમા ફસાયેલા રાજપાલ યાદવને આર્થિક સહાયતા કરી છે. હાલમા જ દુબઇમા ફસાયેલા લોકો માટે ફ્રીમાં રહેવાની જોગવાઇ કરી છે અને વીડીયો શેર કરીને મદદની જરૂર હોય તો સંપર્ક કરવાની અપીલ કરી છે. અન્ય પડદાપરના અભિનેતાઓએ સાચા અર્થમાં હીરો કોને કહેવાય તે સોનુસુદ પાસે શીખવું જોઇએ.
સુરત               – રાજુ રાવલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top