પંજાબમાં આંદોલન કરી રહેલા કિસાનો દ્વારા વડા પ્રધાનના કાફલાને અટકાવવામાં આવ્યો તે મુદ્દે વાતનું વતેસર થઈ રહ્યું છે. વડા પ્રધાનની સુરક્ષાની જવાબદારી સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી) ની હોય છે. તેમની સુરક્ષા વ્યવસ્થામાં જો કોઈ ગંભીર ભૂલ થઈ હોય તો સૌથી પહેલાં તો વડા પ્રધાને એસપીજીના વડાનું રાજીનામું માગી લેવું જોઈએ. તેને બદલે જ્યાં કોંગ્રેસનું રાજ છે તે પંજાબ પોલીસના વડાને માથે દોષનો ટોપલો રેડવામાં રાજકારણની ગંધ આવે છે. ભાજપનું મીડિયા સેલ તો આ ઘટનાને સુરક્ષા વ્યવસ્થાની ખામી ગણાવવાને બદલે વડા પ્રધાનની હત્યા કરવાના કાવતરા સુધી લઈ જાય છે. જો ભાજપના નેતાઓ આ મુદ્દે પંજાબના મતદારોની સહાનુભૂતિ પ્રાપ્ત કરીને વિધાનસભાની ચૂંટણી જીતવા માગતા હોય તો તેઓ શેખચલ્લીના વિચારો કરી રહ્યા છે.
પંજાબમાં વડા પ્રધાનની સુરક્ષામાં રહી ગયેલી ખામી બાબતમાં પંજાબ સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ તપાસ સમિતિઓની રચના કરવામાં આવી હતી. પંજાબની સમિતિ કોંગ્રેસની તરફેણમાં હેવાલ આપે અને કેન્દ્રની સમિતિ ભાજપની તરફેણમાં હેવાલ આપે તેવી સંભાવના હતી. આ સંયોગોમાં સુપ્રિમ કોર્ટે તપાસનો આદેશ આપીને બંને સમિતિની કાર્યવાહી સ્થગિત કરી છે. જો સુપ્રિમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સમિતિ સચોટ હેવાલ આપશે તો સત્ય બહાર આવશે.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ખામી રહી ગઈ હોય તેવી આ પહેલી ઘટના નથી. ઘણી વખત તો વડા પ્રધાન પોતે જ પોતાની લોકપ્રિયતા પુરવાર કરવા સુરક્ષા ઘેરામાંથી બહાર આવીને લોકો સાથે મળતા હોય છે ત્યારે કોઈ ઉહાપોહ મચાવવામાં આવતો નથી. ૨૦૧૭ માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તેઓ અમદાવાદથી મહેસાણા વચ્ચે રોડ શો કરવા માગતા હતા, પણ તેમને એસપીજી દ્વારા મંજૂરી આપવામાં નહોતી આવી. ત્યારે વડા પ્રધાન સી પ્લેન દ્વારા સાબરમતીથી ધરોઈ પહોંચ્યા હતા તે પણ સુરક્ષાના નિયમોનો ભંગ હતો.
વડા પ્રધાનની સુરક્ષા માટે બ્લુ બુકનો હવાલો આપવામાં આવે છે. આ બ્લુ બુક ૨૦૦ પાનાંની છે. તેમાં વડા પ્રધાનની સુરક્ષાના ઝીણામાં ઝીણા નિયમો આપવામાં આવેલા છે. તેમાં એક નિયમ એવો છે કે દેશના વડા પ્રધાને ક્યારેય એક એન્જિનવાળા વિમાનમાં મુસાફરી કરવી ન જોઈએ, કારણ કે જો તે એન્જિન ફેઈલ થઈ જાય તો વડા પ્રધાનનો જાન જોખમમાં આવી શકે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે સી પ્લેનમાં મુસાફરી કરી તે એક જ એન્જિન ધરાવતું હતું. વળી તેનો પાઈલોટ વિદેશી હતો. એસપીજીના કમાન્ડો દ્વારા પાઈલોટને સલામતીની રીતે મંજૂરી આપવામાં આવી નહોતી. આ નિયમોમાં છૂટછાટ મોદીના કહેવાથી લેવામાં આવી હોવાથી કોઈ ઉહાપોહ થયો નહોતો.
ભારતના વડા પ્રધાન જ્યારે વિદેશ પ્રવાસમાં હોય ત્યારે પણ તેમની સુરક્ષાની જવાબદારી એસપીજી સંભાળતું હોય છે. ૨૦૧૫ માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જર્મનીની મુલાકાતે ગયા ત્યારે તેમણે બર્લિનના રેલવે સ્ટેશનની મુલાકાત લેવાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી. બર્લિનના રેલવે સ્ટેશને કોઈ પણ સમયે હજારો યાત્રિકો આવાગમન કરતા હોય છે. તેને ખાલી કરાવવું સંભવિત ન હોવાથી જર્મનીના સત્તાવાળાઓએ મોદીને બર્લિન સ્ટેશનની મુલાકાત ન લેવાની સલાહ આપી. તેમ છતાં મોદીએ જીદ કરીને રેલવે સ્ટેશનની મુલાકાત લીધી. ત્યારે એસપીજી કમાન્ડો દ્વારા તેમને નછૂટકે મંજૂરી આપવામાં આવી. તેના માટે પણ ભારતમાં કોઈ ઉહાપોહ કરવામાં આવ્યો નહોતો.
૨૦૧૭ માં જપાનના વડા પ્રધાન શિન્ઝો એબે અમદાવાદની મુલાકાતે આવ્યા ત્યારે પણ બે વડા પ્રધાનોની સુરક્ષા જોખમાઈ જાય તેવી ઘટના બની હતી. વડા પ્રધાન મોદીએ આગ્રહ રાખ્યો હતો કે સાબરમતી આશ્રમની મુલાકાત દરમિયાન બંને દેશના વડા પ્રધાનો રોડ શો કરશે. આ માટે તેમણે ખુલ્લી જીપમાં મુસાફરી કરવાની હતી. જપાનના વડા પ્રધાનની સુરક્ષા સંભાળતા અધિકારીઓ તે માટે તૈયાર નહોતા, પણ મોદીના આગ્રહને કારણે તેઓ રોડ શો કરવા તૈયાર થઈ ગયા હતા.
થોડા સમય પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના મતવિસ્તાર વારાણસીની મુલાકાત લીધી ત્યારે તેમનો કાફલો રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. રસ્તાની બંને બાજુ લોકો તેમને જોવા માટે ગોઠવાઈ ગયાં હતાં. તે જોઈ મોદીએ પોતાની કાર અટકાવી હતી અને દરવાજો ખોલીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે અનેક લોકો મોદીને ફૂલહાર પહેરાવવા પણ આવી ગયા હતા.
૨૦૧૪ માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછી તેમણે ૧૫ ઓગસ્ટે પહેલી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું તે પછી પણ તેઓ પ્રોટોકોલ તોડીને બાળકોને મળ્યા હતા.
પંજાબની વાત પર પાછા ફરીએ તો ફિરોઝપુરની રેલી દરમિયાન જે સુરક્ષા ચૂક થઈ તેને લઈને ઘણા સવાલો પેદા થાય છે. જ્યારે પણ વડા પ્રધાન હેલિકોપ્ટર કે વિમાન દ્વારા પ્રવાસ કરવાના હોય ત્યારે વૈકલ્પિક રૂટ તૈયાર રાખવામાં આવે છે અને તેને ખાલી પણ રાખવામાં આવે છે. વડા પ્રધાન ભટીંડાથી કારમાર્ગે ફિરોઝપુર જવા નીકળ્યા ત્યારે વૈકલ્પિક રૂટ કેમ ખાલી રાખવામાં આવ્યો નહોતો? જો વૈકલ્પિક રૂટ ખાલી ન હોય તો તે રૂટ પર મુસાફરી કરવાની મંજૂરી વડા પ્રધાનને એસપીજી દ્વારા આપવામાં જ આવતી નથી. જો ફિરોઝપુર સુધી રોડમાર્ગે જવાની પરવાનગી એસપીજી દ્વારા આપવામાં આવી હોય તો તેના વડાને રાજીનામું આપવાની ફરજ પાડવી જોઈએ.
વડા પ્રધાનનો કાફલો જ્યારે જઈ રહ્યો હોય ત્યારે તેમાં મોખરે બે પાઇલોટ કાર લગભગ ૫૦૦થી ૭૦૦ મીટર આગળ ચાલતી હોય છે. આ પાઇલોટ કાર દ્વારા ગ્રીન સિગ્નલ આપવામાં આવે તે પછી જ વડા પ્રધાનની કાર આગળ વધે છે. જો ફિરોઝપુર જતાં વડા પ્રધાનના કાફલા આગળ પણ પાઈલોટ કારો ચાલતી હોય તો તેમણે વડા પ્રધાનને કેમ ચેતવ્યા નહીં કે આગળ રસ્તો જામ છે? વડા પ્રધાનની કાર ફ્લાય ઓવર સુધી કેવી રીતે પહોંચી ગઈ? વડા પ્રધાનની કાર ઊભી રહી કે તરત તેની આજુબાજુ જે લોકો ઘેરી વળ્યા તેઓ તો ભાજપના કાર્યકરો હતા. તેમના હાથમાં ભાજપના ઝંડા હતા અને તેઓ ફિરોઝપુરની રેલીમાં જઈ રહ્યા હતા. તેમણે નરેન્દ્ર મોદી ઝિંદાબાદના નારાઓ પણ લગાવ્યા હતા. તેઓ ફ્લાય ઓવર પર સામેની લાઈનમાં જઈ રહ્યા હતા. શું ભાજપના કાર્યકરોથી વડા પ્રધાનને જાનનો ખતરો હતો? તેમને જવા માટે સામેની લાઈન કેમ ચાલુ રાખવામાં આવી હતી?
વડા પ્રધાનનો રસ્તો રોકીને બેઠેલા કિસાનો પણ કંઇ વડા પ્રધાનની હત્યા કરવા આવ્યા નહોતા. જો નરેન્દ્ર મોદી તેમની સહાનુભૂતિ જીતવા માગતા હોત તો તેમણે કારમાંથી ઊતરીને તેમની સાથે વાત કરવી જોઈતી હતી અને તેમને રસ્તો ખાલી કરવાની વિનંતી કરવી જોઈતી હતી. જો તેમણે તેવું કર્યું હોત તો તેઓ પુરવાર કરી શક્યા હોત કે તેમની ૫૬ ઇંચની છાતી છે. જો વડા પ્રધાનનો કાફલો આગળ વધી શકે તેમ જ ન હોત તો બ્લુબુક પ્રમાણે તેણે તરત જ યુ ટર્ન લઈને પાછા ભટીંડા તરફ પ્રયાણ કરવું જોઇતું હતું. તેને બદલે વડા પ્રધાનના કાફલાને ફ્લાય ઓવર પર ઊભો રાખવામાં પણ એસપીજીની મોટી ચૂક હતી. ટૂંકમાં કહીએ તો સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામી માટે એસપીજીનો વાંક જોવાને બદલે પંજાબ સરકારનો વાંક જોવામાં આવે તેમાં રાજનીતિ છે. સુપ્રિમ કોર્ટે તટસ્થ તપાસનો આદેશ આપીને આ મુદ્દે ખેલાતા રાજકારણ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.