તા. બીજી નવેમ્બરની મધરાતે ભારતમાં સૂર્ય મધ્યાકાશે પ્રકાશ્યો હતો. મહિલા ICC વર્લ્ડકપ ફાઈનલમાં ભારતીય યુવતીઓએ ક્રિકેટ મેચ જીતી દેશને ગૌરવ અપાવ્યું. ક્રિકેટ મારા બરની રમત ન હોવા છતાં આ દ્રશ્ય જોતાં જ ખુશીથી નયનો નમ થઇ ગયા અને અશ્રુ સરતાં રહ્યાં. જે ઉત્સાહથી છોકરીઓ રમી હતી, લડી હતી અને વિજયનો આનંદ પ્રદર્શિત કરવા દોડી હતી એ કાબિલે દાદ હતું. સેમી ફાઈનલમાં પણ કંઇક આવાં જ દ્રશ્યો નિહાળવા મળ્યાં હતાં. આમાંની બહુમતી છોકરીઓ સામાન્ય પરિવારમાંથી અને ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે. સાંપ્રત વિજય બતાવે છે કે, કેવળ બાહુબળ નહીં પરંતુ માનસિક બળ અને નિર્ધાર અત્યંત મહત્વનાં છે. કન્યાઓએ આપેલ મહાત એ સત્યની સાબિતી છે કે, કોઈ પણ વ્યક્તિ ધારે તે કરી શકે છે.
આ દેશની પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ રીતે, નિજ આવડત અને સૂઝ પ્રમાણે સ્વ અને સ્વદેશના વિકાસ માટે કટિબદ્ધ છે. વૈજ્ઞાનિકો એમનાં ક્ષેત્રમાં નવીન આવિષ્કારો કરતાં રહે છે. કવિઓ-લેખકો ભારતને ગૌરવ પ્રાપ્ત થાય એવું લખતાં રહે છે. ઓલ્લમપીક્સ જેવી ભિન્ન ભિન્ન સ્પર્ધાઓમાં ખેલાડીઓ આંતર રાષ્ટ્રીય સ્તરે સુવર્ણ ચંદ્રક કે રજત યા કાંસ્ય ચંદ્રક મેળવી જાતનું અને દેશનું બળ વધારતાં રહે છે. આવા સંજોગોમાં કેટલાંક સ્વકેન્દ્રી અને સ્વાર્થી લોકો વિધ્વંસક પ્રવૃત્તિઓ કરી દેશની એકતા અને અખંડિતતાને તોડવાની કોશિશ કરતાં રહે છે. આ વાત દેશી અને ઉપખંડીય રાજકારણને લાગુ પડે છે.
બારડોલી – વિરલ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે