અમેરિકાની મદદથી ઈઝરાયલે ઈરાન પર કરેલા હુમલા અને વળતામાં ઈરાને કરેલા હુમલાને પગલે ફાટી નીકળેલું યુદ્ધ સમગ્ર વિશ્વમાં ઓઈલ કટોકટીના સ્વરૂપમાં ફરી વળ્યું છે. ક્રુડ ઓઈલની સપ્લાય રોકવાની સાથે મિડલ ઈસ્ટ દેશોની ઓઈલ રિફાઈનરીઓને નિશાન બનાવવાની ઈરાનની પેરવીને કારણે ગમે ત્યારે ક્રુડ ઓઈલની સપ્લાય અટકે તેવી સ્થિતિ છે. આ યુદ્ધને કારણે ગમે ત્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવ ભડકે બળે તેવી સ્થિતિ જોવાઈ રહી હતી. જોકે, ભારતે યેનકેન પ્રકારે આ વધતા ભાવો પર કાબુ રાખ્યો હતો પરંતુ યુદ્ધના દિવસો જેમ જેમ વધી રહ્યા છે તેમ તેમ પરિસ્થિતિ બગડી રહી છે. ભારત સરકારે ક્રુડ ઓઈલના વધવા ભાવો પર રાખેલો અંકુશ હવે તૂટી ગયો છે અને સરકારે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલ પર લીટરે રૂપિયા 2.35 અને ઈન્ડસ્ટ્રિયલ ડીઝલમાં લીટરે 22 રૂપિયાનો વધારો કર્યો છે.
સરકારે લોકોમાં રોષ નહીં ફેલાય તે માટે સામાન્ય પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો કર્યો નથી પરંતુ જો યુદ્ધ લાંબુ ચાલશે તો તેમાં પણ ભાવ વધારો થશે. યુદ્ધને કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ વધવાને કારણે કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવ વધાર્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ આજે 109.54 ડોલર પ્રતિ બેરલ પર છે. એક દિવસ પહેલા ક્રૂડ ઓઇલનો ભાવ 117.98 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. જ્યારે ભારતમાં ક્રૂડના ભાવ લગભગ બમણા થઈને 146 ડોલર પર પહોંચી ગયા છે. ભારત ઇરાક, સાઉદી અરેબિયા, રશિયા, યુએઈ પાસેથી તેલ ખરીદે છે.
આ તમામ અલગ-અલગ પ્રકારના તેલની કિંમતોની જે સરેરાશ કાઢવામાં આવે છે, તેને જ ‘ઇન્ડિયન બાસ્કેટ’ કહે છે. દુનિયાભરમાં ક્રૂડ ઓઇલ મુખ્યત્વે ત્રણ મોટા બેન્ચમાર્કને આધારે ઓળખાય છે અને વેચાય છે, જેને બ્રેન્ટ, ડબલ્યુટીઆઈ અને ઓપેક બાસ્કેટ કહેવાય છે. બ્રેન્ટ ક્રૂડ ઉત્તર સમુદ્ર (યુરોપ)ના દરિયાઈ કુવાઓમાંથી નીકળે છે અને દુનિયાનો બે-તૃતીયાંશ તેલનો કારોબાર તેના ભાવ પર નિર્ભર છે. જ્યારે ડબલ્યુટીઆઈ અમેરિકાના જમીની વિસ્તારોમાંથી નીકળે છે અને તેની શુદ્ધતાને કારણે અમેરિકી બજારનું મુખ્ય ધોરણ છે. ઓપેક બાસ્કેટ સાઉદી અરેબિયા, ઈરાન અને ઈરાક જેવા ખાડી દેશોના સંગઠન (ઓપેક) દ્વારા ઉત્પાદિત વિવિધ ક્રૂડ ઓઇલનું સરેરાશ મિશ્રણ છે.
ભારતની એવી સ્થિતિ છે કે દેશમાં ક્રુડ ઓઈલ નીકળતું નથી. આને કારણે ભારત તેની જરૂરિયાતનું 85% ક્રૂડ ઓઇલ અને 50%થી વધુ ગેસ આયાત કરે છે, તેથી ત્યાંની દરેક હલચલ આપણા ખિસ્સા અને અર્થતંત્ર પર અસર કરે છે. ક્રુડ ઓઈલથી ભારતમાં પેટ્રોલ, ડિઝલ, યાર્ન, કેરોસીન, ગેસથી માંડીને અનેક ઉત્પાદનો નીકળે છે. આ તમામ ઉત્પાદનોનો ભારતમાં બહોળો ઉપયોગ થાય છે. ડીઝલનો ભાવ વધારો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધારે છે. જેને કારણે મોંઘવારી વધે છે. પેટ્રોલનો ભાવ વધારો સરેરાશ નાગરિકોના ખિસ્સા પર બોજ વધારે છે.
ક્રુડ ઓઈલનો ભાવ ભારતમાં ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને સરકારને લોકોની નારાજગી કોઈપણ સંજોગોમાં ચાલી શકે તેમ નથી. વિશ્વમાં ક્રુડ ઓઈલના ભાવમાં વધારો થયા બાદ ભારત સરકાર અને દેશની ઓઈલ કંપનીઓ માટે પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો કરવો જ પડે તેવી સ્થિતિ છે. આખરે પ્રીમિયમ પેટ્રોલમાં ભાવવ વધારો કરી દેવામાં આવ્યો છે. જોકે, આ તો યુદ્ધની અસરની શરૂઆત છે. પહેલા એલપીજી ગેસના સિલિન્ડરની અછત અને હવે પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો, આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો પણ કરવામાં આવી શકે છે. ‘બે આખલાની લડાઈમાં ઝાડનો ખો નીકળે’ની કહેવતની જેમ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકાની લડાઈમાં સહન ભારતના નાગરિકોએ કરવાનું આવશે તે નક્કી છે.