મલેકપુર : ચરોતર સહિત પંથકમાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે, તેમાંય મહિસાગર જિલ્લામાં લીંબુના ભાવ કિલોએ રૂ.300 થઇ ગયાં છે. એક તરફ વધતી ગરમીમાં ગરીબ અને મધ્યવર્ગ માટે લીંબુનું સરબત અમૃત સમાન છે, ત્યારે તેના જ ભાવ વધતાં મોંઘવારીમાં વધુ માર પડ્યો છે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં ઉનાળાની 43 ડિગ્રી તાપમાનની ગરમી હવે લીબુંમાં વર્તાઈ રહી છે. લીંબુના ભાવમાં આગ ઝરતી ગરમી જોવા મળતા 4 મહિના પૂર્વે 25 રૂપિયા કિલો વેચતા લીંબુ હવે 300 કિલો રૂપિયે થયા ગયા છે. લીંબુએ મહીસાગર જિલ્લાના ગૃહિણીઓનાં દાંત ખાટા કરી નાખ્યા છે. દરેક શાકના સ્વાદ સરભર કરનારા લીંબુએ હવે શાકની ખટાશ ઘટાડી છે. 500 રૂપિયાના 20 કિગ્રા મળતા લીંબુ હવે 2000થી 2500 રૂપિયાના થયા છે. છૂટક બજારમાં લીબુનો ભાવ 250થી 300 રૂપિયા થયો છે.
ઉનાળો આવતા જ લીંબુ મોંઘા થતાં 10 રૂપિયાનું લીંબુ શરબત હવે 15થી 20 રૂપિયા વેચાતું થયું છે. 1 લીબુની કિંમત 10 રૂપિયા થઇ ગઈ છે. ૨મઝાન માસ અને ચૈત્ર માસમાં ભાવ વધતાં મધ્યમવર્ગીય અને ગરીબ વર્ગની પ્લેટમાંથી લીબુ ધીરે ધીરે ગાયબ થતાં જોવા મળી રહ્યા છે. તો હોટલો તેમજ લારી-ઢાબા પર લીબુના બદલે હવે સરકા અને વિનિગર અથવા લીબુંના ફૂલનો વપરાશ તરફ વળ્યાં છે. ગરમીમાં રાહત મેળવવા માટે લોકો ઠંડાપીણા, શેરડીનો રસ, લીંબુ શિકંજીનું સેવન કરી રાહત મેળવી રહ્યા છે. પરંતુ હવે શેરડીના રસ, લીંબુ સરબત અને શિકંજી વેચાણમાં વધારો થતાં લીંબુની વધતી જરૂરિયાત વચ્ચે ભાવ પણ આસમાને પહોંચ્યા છે. છેલ્લા 15 દિવસમાં લીંબુના ભાવ ચાર ગણા થયા છે. છૂટક બજારમાં લીબુ 250થી 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. બજારમાં છૂટક ટોપલા ધારકો પણ હવે જિલ્લામાં ગરમીનો પારો સતત એક લીબુંના 10 રૂપિયા લઇ રહ્યા છે. પેટ્રોલ, ગેસ સહિત જીવન જરૂરિયાત ચીજ વસ્તુના ભાવ વધતાં મધ્યવર્ગ ચિંતિત બન્યો છે.