Columns

કિંમત એક સિક્કાની

અતિ શ્રીમંત નગરશેઠનો લાડ કોડમાં ઉછરેલો દીકરો રોશન એકદમ બેજવાબદાર બની ગયો હતો. મોટો થયો પણ કોઈ કામ કે મહેનત કરવાને બદલે માત્ર પિતાના પૈસા વેડફવાનું કામ કરતો. પિતાને ચિંતા થઇ કે રોશન સુધરશે નહિ તો તેનું આખું જીવન બરબાદ થશે. પિતાએ કડક વલણ લેવાનો નિર્ણય કર્યો. રોજ મળતાં પૈસા બંધ કર્યા અને પિતાએ કડક અવાજમાં કહી દીધું કે રોજ એક ચાંદીનો સિક્કો મને કમાઈને બતાવીશ પછી જ તને જમવાનું મળશે. જ્યાં સુધી પૈસા નહિ કમાય ત્યાં સુધી ઘરમાં આવવાનું બંધ. હવે શું કરવું ?

રોશન આળસુ અને બેજવાબદાર હતો એટલે કામ તો શું કરે પહેલાં દિવસે મિત્ર પાસેથી ઉછીનો સિક્કો માગીને લઇ આવ્યો… જેવો રોશને આવીને ચાંદીનો સિક્કો બતાવ્યો પિતા બોલ્યા, ‘વાહ સરસ’ હવે આ સિક્કો પાછળ કુવામાં નાખી દે અને જમવા ચલ’ રોશને સિક્કો કુવામાં નાખી દીધો, જમી લીધું. આમ ચાર-પાંચ દિવસ ચાલ્યું. મિત્ર કયા સુધી આપે? મિત્રએ ના પાડી પછી બીજો મિત્ર, ત્રીજો મિત્ર બધા મિત્રોએ એક-બે વાર મદદ કરી પછી મોઢું ફેરવી લીધું. હવે કોઈ ઉછીનો એક સિક્કો આપે તેમ ન હતું. ક્યાંયથી એક ચાંદીનો સિક્કો તો દૂરની વાત એક લોખંડનો સિક્કો મળે તેમ ન હતો. હવે મહેનત કરવા સિવાય કોઈ માર્ગ બચ્યો ન હતો. માંડ-માંડ મજુરીનું થોડું કામ મળ્યું. પરસેવે રેબઝેબ થઇ બે-ત્રણ કલાક કામ કર્યું ત્યારે માંડ થોડા સિક્કા મળ્યા.

હવે શું કરવું ચાંદીનો સિક્કો મેળવવા તો બહુ મજુરી કરવી પડે. જે શક્ય ન હતું. પિતા પાસે ગયો, પરસેવે રેબઝેબ હતો. હાથમાં થોડા સિક્કા પિતાજીના પગમાં પડી માફી માંગી અને આજ સુધી ઉછીના પૈસા મિત્રો પાસેથી લાવતો હતો તે પણ કબુલ કર્યું. પિતાજીએ માત્ર એટલુજ કહ્યું, ‘ઠીક છે આજે ચાલશે કાલે વધુ મજુરી કરજે અને આ સિક્કા પાછળ કુવામાં નાખી દે.’રોશન બોલ્યો, ‘પિતાજી મહામહેનતે આ થોડા સિક્કા લાવ્યો છું તમે મને તે કુવામાં નાખવાનું કહો છો ?’

પિતાજી બોલ્યા, ‘હવે તને એક એક સિક્કાની કિંમત સમજાય! અત્યાર સુધી પૈસા ગમે તેમ વેડફતો હતો. મિત્રો પાસેથી ઉછીના લીધેલા પૈસા પણ ફટ દઈને કુવામાં નાખી દેતો હતો. આજે પરસેવાની કમાણી કુવામાં નાખતા જીવ નથી ચાલતો ને. તો ભાઈ તું મારી પરસેવાની કમાણી વેડફતો હતો અને તું પોતે મારા જીવનની કમાણી છે. તને હું બરબાદીના કુવામાં કઈ રીતે જવા દઉં. જ મિત્રોને ઉછીના પૈસા પાછા આપી આવ અને કાલથી વહેલી સવારથી કામે લાગી જજે.’ રોશનને પોતાની ભૂલ અને એક એક સિક્કાની કિંમત સમજાઈ ગઈ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top