National

સબસિડીવાળા ગેસના બાટલાનો ભાવ રૂ. 25 વધ્યો

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) રાંધણ ગેસના બાટલાના ભાવ સબસિડાઈઝ્ડ સહિતની તમામ કૅટેગરીમાં બુધવારે બાટલા દીઠ 25 રૂપિયા સુધી વધ્યા હતા. બે મહિના કરતાય ઓછા સમયમાં આ ત્રીજો સતત વધારો હતો. દિલ્હીમાં હવે સબસિડાઇઝ્ડ અને નોન સબસિડાઇઝ્ડ એલપીજી બાટલો (14.2 કિલો) હવે રૂ. 884.50માં પડે છે. સબસિડાઇઝ્ડ અને નોન સબસિડાઇઝ્ડ એલપીજી બાટલામાં પહેલી જુલાઇએ બાટલા દીઠ રૂ.25.50નો વધારો થયો હતો. પહેલી ઑગસ્ટે નોન સબસિડાઇઝ્ડ એલપીજીમાં બાટલા દીઠ રૂ. 25 અને 18મી ઑગસ્ટે પણ બાટલા દીઠ રૂ. 25નો વધારો થયો હતો. ઉદ્યોગના વર્તુળોએ જણાવ્યું કે પહેલી ઑગસ્ટે સંસદનું સત્ર ચાલુ હતું અને સરકાર પર વિપક્ષના પ્રહાર થઈ શકે એટલે સબસિડીવાળા ગેસના બાટલાના ભાવ વધ્યા ન હતા.

સબસિડાઇઝ્ડ ગેસના બાટલામાં આજે જે વધારો કરાયો એની સાથે પહેલી જાન્યુઆરીથી આ સબસિડીવાળો બાટલો કૂલ રૂ. 190 મોંઘો થયો છે. સરકારની નીતિ મુજબ 14.2 કિલોના ગેસના બાટલા દરેક પરિવારને સબસિડી કે બજારભાવ કરતા નીચા ભાવે વર્ષના 12 બાટલા આપવામાં આવે છે. એની ઉપર બાટલા જોઇતા હોય તો બજારભાવે ખરીદવાના રહે છે. પણ માસિક ભાવવધારાએ સબસિડી ખતમ કરી નાખી છે. આ માસિક વધારાને લીધે મે 2020 સુધીમાં સબસિડી સમાપ્ત થઈ ગઈ હતી. જૂજ દૂરના વિસ્તારોને બાદ કરતા, જ્યાં નૂર સબસિડીનો થોડો નજીવો ભાગ છે, સબસિડીવાળા અને સબસિડી વગરના એલપીજીના બાટલાના ભાવ મોટા શહેરોમાં સરખા થઈ ગયા છે.

છેલ્લા સાત વર્ષોમાં ઘરેલુ રાંધણ ગેસના ભાવ બમણાથી વધુ વધ્યા છે. ઘરેલુ રાંધણ ગેસની વેચાણ કિમત 2014ની પહેલી માર્ચે બાટલા દીઠ રૂ. 410.5 હતી. મુંબઈમાં હવે 14.2 કિલોનો ગેસનો બાટલો 884.50નો, કોલકાતામાં 911નો પડે છે જે ચાર મેટ્રોમાં સૌથી વધુ છે. 19 કિલોના ધંધાર્થી ગેસના બાટલાનો ભાવ પણ રૂ. 75 વધ્યો છે જે દિલ્હીમાં હવે 1693નો પડે છે. દરમ્યાન એક સપ્તાહ કરતા વધુ સમય સુધી ભાવ સ્થિર રહ્યા બાદ પેટ્રોલમાં આજે લિટરે 10 પૈસા અને ડિઝલમાં 14 પૈસા ઘટ્યા હતા. દિલ્હીમાં હવે પેટ્રોલનો ભાવ 101.24/લિટર અને ડીઝલ 88.77/લિટર થયો છે.

Most Popular

To Top