વડોદરા: વડોદરા શહેરમાં પાલિકાની ટીમ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં કામે લાગી છે. મેયર કેયૂર રોકડિયા દ્વારા આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આજે પાલિકાની દબાણ શાખાની ટીમ છાણી વિસ્તારના કેનાલ પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. મેયર કેયૂર રોકડિયાની સૂચનાથી પાલિકાની દબાણશાખાની ટીમ આજે છાણી વિસ્તારના કેનાલ પાસે ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પહોંચી હતી. અહીં અનેક કાચા-પાકા ઝુંપડાઓ તોડી પાડ્યા હતા.મંદિરની આસપાસ આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરતા પૂજારી રોષે ભરાયા હતા. મંદિર નહીં પરંતુ પૂજારી રૂમ તોડી પાડવાનું કહેતા પૂજારીએ આત્મવિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. અમે મરી જશુ પરંતુ પૂજારી રૂમ હટશે નહીં તેમ પૂજારીએ મિડીયા સાથે વાત કરતા જણાવ્યુ હતું.
સ્થાનિકોનું કહેવુ છે કે અમને કોઇ નોટિસ આપવામાં આવી નથી અને તો અમારા ઘર તોડી નાખવામાં આવશે તો આત્મવિલોપન કરીશું. આ દરમ્યાન સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે તુ-તુ મે-મેના દ્રશ્યો સર્જાયા હતા. દબાણશાખાની ટીમ દ્વારા સામાન ખસેડાયા સ્થાનિકો રોષે ભરાયા હતા અને ધક્કા-મૂક્કીના દ્રશ્યો પણ સર્જાયા હતા. પાલિકાનું બુલડોઝર આવતા જ એક મહિલા પોતાના ઘરનું રક્ષણ કરવા માટે આડી ઉભી રહી હતી. કહ્યુ કે મારા પર બુલડોઝર ફેરવી દો પરંતુ મારુ ઘર ન તોડો. ત્યારે બે મહિલા પોલીસ કર્મચારીએ આ સ્થાનિક મહિલાને પોતાના ઘરથી દૂર કરવાની કોશીશ કરી હતી. પરંતુ મહિલા ટસની મસ થઇ ન હતી અને સામે પાલિકાના ટીમ પણ ટસની મસ ન થઇ હતી. અહીં ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. હટે ચડેલી મહિલાએ જીસીબીને પકડી રાખ્યુ હતુ. પરંતુ પોલીસ કર્મીઓએ ભારે મહેનત બાદ મહિલાને પોતાના ઘરથી દૂર કરી અને આખરે તેના સપના ઘર પર બુલડોઝર ફેરવી દીધુ હતુ.