આણંદ : આણંદ નગરપાલિકાની શુક્રવારના રોજ મળેલી સામાન્ય સભામાં દલા તલવાડીની નીતિ જોવા મળી હતી. કોરોના મહામારી દરમિયાન લોકડાઉનના કારણે ધંધા રોજગાર ઠપ છે. બેરોજગારીનું પ્રમાણ વધ્યું છે, આ સ્થિતિમાં સરકારને પણ આવકમાં ગાબડું પડ્યું છે. આ સમયે નવનિયુક્ત પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે નવા વાહનો ખરીદવા ઠરાવ કર્યા છે. જેમાં બે બોલેરો અને એક ઇનોવા પાછળ રૂ.35 લાખથી 40 લાખનું આંધણ કરવામાં આવશે.
આણંદ નગરપાલિકાના પ્રમુખ રૂપલબહેન પટેલની અધ્યક્ષતામાં શુક્રવારના રોજ સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં શહેરમાં સ્ટ્રોમ વોટર, ગટર, બ્લોક અને લાઇટ સહિતના 133 વિકાસ કામો મંજુર કરવામાં આવ્યાં હતાં. જોકે, આંખે ઉડીને વળગે એવી બાબત પાલિકામાં વાહનની ખરીદીને લઇને છે. ઠરાવ નં.89માં જણાવ્યું હતું કે, પાલિકાએ એક ક્વાલીસ તથા એક ફોર્ડ આઈકોન જાહેર હરાજીથી વેચી દીધી હોવાથી પાલિકાના કામે અવાર નવાર અમદાવાદ, ગાંધીનગર, વડોદરા જવાનું થતું હોય વાહનના અભાવે ઘણી મુશ્કેલીઓ થતી હોય પ્રમુખ, ઉપપ્રમુખ તથા ઉપરી અધિકારીઓએ રૂબરૂ ચર્ચા – વિચારણા કરતાં નવીન વાહન 2 ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં બોલેરા રૂ.9,28,931નો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે.
તેવી જ રીતે ઠરાવ નં.90માં પ્રમુખને ફાળવેલી ઇનોવા અને ઉપપ્રમુખને ફાળવેલી સ્કોરપીઓ દસકા ઉપરાંતનો સમય થઇ ગયો હોવાથી બંને વાહન બગડી શકે તેમ હોવાથી નવીન વાહન ખરીદવાની જરૂરિયાત હોવાથી ઇનોવા કાર ખરીદવા રૂ.20,32,314 સાથેનું ક્વોટેશન આવ્યું હોવાથી તેની શહીર ગૃહ નિર્માણ વિભાગની પૂર્વ મંજુરી મેળવી નવું વાહન ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું છે. આમ પાલિકા કુલ ચાર વાહન પાછળ 40 લાખ રૂપિયાનું આંધણ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ બેઠકમાં પાલિકા પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ છાયાબા ઝાલા, ચીફ ઓફિસર ગૌરાંગભાઈ પટેલ વિગેરે હાજર રહ્યાં હતાં.