પહેલો પ્રસંગ
મોડી સાંજે લોકલ ટ્રેનના લેડીઝ ડબ્બામાં ભરચક ગરદી હતી. બધી જ સ્ત્રીઓ દિવસભરના થાક સાથે ઘરે જવા ઉતાવળી હતી.એક સ્ત્રી ડબ્બામાં ચઢી. તેના મોઢા પર ખૂબ જ ટેન્શન અને આંખોમાં ડર હતો અને આંસુ નીકળવાની તૈયારી હતી.તેના ચહેરા પરની પરિસ્થિતિ જોઇને એક કોલેજીયન યુવતીએ ચુપચાપ ઊભા થઈને કહ્યું, ‘‘આન્ટી બેસી જાવ.’’ તે બેસી ગઈ પણ બેઠા પછી તેની આંખમાંથી સતત આંસુની ધાર વહી રહી હતી. તે જેટલી રોકવાની કોશિશ કરતી પણ આંસુ રોકાતાં ન હતાં.બધાં તેની સામે જોઈ રહ્યાં હતાં. તેનું સ્ટેશન આવ્યું. તે ઊભી થઈને ઊતરી ગઈ. તેની સાથે બીજી એક સ્ત્રી ઊતરી અને સ્ટેશન પર જ તે સાવ અજાણી સ્ત્રીએ પેલી રડતી સ્ત્રીને પોતાના બાથમાં લઈને ભેટીને કહ્યું, ‘‘તમે સતત રડી રહ્યાં છો. શું થયું છે, મને ખબર નથી પણ ચિંતા ન કરો. ભગવાન બધું સારું કરશે.’’ સાવ અજાણી સ્ત્રીના આટલા શબ્દો અને એક આલિંગને પેલી રડતી સ્ત્રીને થોડી હિંમત આપી.
બીજો પ્રસંગ
રાત્રે અચાનક લાઈટ ગઈ અને નાનકડી સિયા ઊઠીને રડવા લાગી અને બોલી, ‘‘મમ્મી, મને અંધારાનો બહુ ડર લાગે છે.તેની મમ્મીએ કહ્યું, ‘‘ડર નહિ, હું હમણાં તને એક જાદુ શીખવાડીશ અને અંધારું સાવ ભાગી જશે.’’ સિયા રડતી બંધ થઈ. મમ્મી અંધારામાં ધીમેથી ઊભી થઇ અને મીણબત્તીઓ અને માચીસ લઈને આવી અને ધીમેથી એક મીણબત્તી પ્રગટાવી અને પછી તેની મદદથી બીજી ત્રણ ચાર મીણબત્તી પ્રગટાવી.નાની નાની મીણબત્તીના પ્રકાશથી સિયાને ડરાવતું બધું અંધારું પળવારમાં ગાયબ થઈ ગયું.
ત્રીજો પ્રસંગ
ત્રણ વર્ષ બાદ નિયા વિદેશ ભણીને ઘરે પાછી આવી, આવતાંની સાથે તેણે પોતાનાં ખાસ મિત્રોને મળવા બોલાવ્યાં. મિત્રો આવ્યાં અને બોલ્યાં, ‘‘ વાહ નિયા,તું અમને વિદેશ રહીને પણ ભૂલી નહિ.’’ નિયા કંઈ બોલી નહિ પણ પોતાની બેગમાંથી એક નાનકડું સુંદર બોક્ષ કાઢીને દેખાડ્યું. તેમાં તેમની દોસ્તીની ઘણી નાની નાની યાદો હતી ફોટોગ્રાફસ, આઇકાર્ડ, સાથે જીતેલું મેડલ, ગ્રીટિંગ કાર્ડસ વગરે. તેનાં મિત્રોએ કહ્યું, ‘‘તેં આ બધું સાચવીને રાખ્યું છે?’’ નિયા બોલી, ‘‘માત્ર સાચવીને રાખ્યું જ નથી, હું મારી સાથે લઇ ગઈ હતી અને આપણી વર્ષોની મિત્રતાની યાદો સદા જીવંત જ રાખી હતી.’’
ઉપરના ત્રણ પ્રસંગમાં આમ તો કંઈ જ સામ્ય નથી. કયાંક દુઃખ છે ,ક્યાંક ડર, ક્યાંક દોસ્તી….પણ ધ્યાનમાં લેવા જેવી વાત છે નાની નાની બાબતોની તાકાત. પહેલા પ્રસંગમાં એક અજાણી સ્ત્રીનું એક વાક્ય અને એક ઝપ્પી હિંમત આપે છે.બીજા પ્રસંગમાં નાનકડી મીણબત્તીની જયોતનો પ્રકાશ અંધારું અને મનનો ડર ભગાવી દે છે.ત્રીજા પ્રસંગમાં નાની નાની યાદો વર્ષોના અંતરાલ બાદ પણ દોસ્તી જીવંત રાખે છે.નાની નાની બાબતોમાં પણ ઘણી તાકાત છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.