Editorial

દેશના અનેક રાજ્યોમાં સર્જાયેલ વીજ કટોકટી સરકારી તંત્રોની નઘરોળતાની ચાડી ખાય છે

તહેવારોની ઋતુ શરૂ થઈ ગઈ છે અને તે જ સમયે દેશ પર તોળાઈ રહેલ વીજ કટોકટીના અહેવાલ બહાર આવ્યા છે. થોડા સમય પહેલા દેશના સામાન્ય નાગરિકોને અણસાર પણ ન હતો કે દેશ પર કેવું ગંભીર વીજ સંકટ તોળાઈ રહ્યું છે. ગયા સપ્તાહે આપણે ચીનના વીજ સંકટની વાત કરતા હતા અને હવે આપણા દેશમાં જ વીજ કટોકટી ઉભી થઇ છે. આ શનિવારે અચાનક એવા અહેવાલ બહાર આવવા માંડ્યા કે દેશના ૧૩૫ થર્મલ પાવર સ્ટેશનોમાંથી મોટા ભાગના પાવર સ્ટેશનોમાં કોલસાની તીવ્ર અછત ઊભી થઈ છે અને આના કારણે દેશમાં ગંભીર વીજ સંકટ સજાઇ શકે છે. જો કે આના પછી કેન્દ્ર સરકારે રવિવારે ખુલાસો કર્યો કે દેશમાં કોલસાની તંગી નથી અને દેશ પર કોઇ વીજ કટોકટી તોળાઈ રહી નથી, પણ કઠોર હકીકત એ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આ દાવો કરવામાં આવ્યો તેના પહેલા જ દેશના અનેક રાજ્યોએ વીજ કાપ મૂકવા માંડ્યા હતા.

પાંચમી ઓકટોબરે એવા અહેવાલ બહાર આવ્યા કે દેશના ૧૩૫ થર્મલ પાવર સ્ટેશનોમાંથી મોટા ભાગના પાવર સ્ટેશનોમાં થોડા દિવસ ચાલે તેટલો જ કોલસાનો જથ્થો છે અને જો તેમને સમયસર નવો જથ્થો પહોંચાડવામાં નહીં આવે તો તેમણે વીજળીનું ઉત્પાદન બંધ કરી દેવું પડશે. અને દેશના અનેક થર્મલ પાવર સ્ટેશનોમાં તો વીજ ઉત્પાદન બંધ પણ થઇ ગયું. પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં અનેક થર્મલ પાવર સ્ટેશનો બંધ કરી દેવા પડ્યા. મહારાષ્ટ્રમાં તો પૂરા ૧૩ થર્મલ પાવર સ્ટેશનો બંધ કરી દેવા પડ્યા.

આ થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની તીવ્ર અછત સર્જાઈ તે માટે એવું કારણ આપવામાં આવે છે કે ભારે વરસાદના કારણે કોલસાની ખાણો પરથી કોલસાનો જથ્થો આ થર્મલ પાવર સ્ટેશનો સુધી સમયસર પહોંચાડી શકાયો નહીં. જો કે જાણકારો કહે છે કે આ સમસ્યા કંઈ રાતોરાત પેદા થઈ નથી. સપ્ટેમ્બરના અંત ભાગેથી જ કોલસાની તંગી આ વીજ મથકોમાં ઉભી થવા માંડી હતી. સ્વાભાવિક રીતે જ સમયસર પગલાં લેવાયા નથી તે સ્પષ્ટ સમજી શકાય તેવી વાત છે. રાજસ્થાન, પંજાબ, આંધ્રપ્રદેશ જેવા અનેક રાજ્યોએ પાવર કાપ મૂકવા માંડ્યા જ હતા, તેના પછી કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો કે દેશમાં કોઇ વીજ કટોકટીનું જોખમ નથી!

ખુદ સેન્ટ્રલ ઇલેકટ્રિસિટી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેટા પરથી સમજી શકાતું હતું કે દેશ કોલસાથી ચાલતા થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની અભૂતપૂર્વ તંગીનો સામનો કરી રહ્યો છે અને પાચમી ઓકટોબરના આંકડાઓ પ્રમાણે કોલસાનો ઉપયોગ કરીને પાવર જનરેટરો ચલાવતા દેશના ૧૩૫ થર્મલ પાવર સ્ટેશનોમાંથી ૮૦ ટકા જેટલા પાવર સ્ટેશનો ક્યાં તો કોલસાની બાબતમાં કટોકટ કહી શકાય તેવી અને કેટલાક તો ભારે કટોકટ કહી શકાય તેવી સ્થિતિમાં હતા. અને આના પછી રવિવારે કેન્દ્રીય ઉર્જા મંત્રી કે. એન. સિંઘે ખાતરી આપી કે થર્મલ પાવર સ્ટેશનો માટે કોલસાની કોઇ તંગી નથી અને કોલસાનો પુરવઠો થર્મલ પાવર સ્ટેશનોમાં બરાબર પહોંચતો રહે તે જોવામાં આવશે. જો કે આના પહેલાથી જ કોલસાની તંગી દેશના અનેક થર્મલ પાવર સ્ટેશનો અનુભવી રહ્યા હતા તે એક કઠોર વાસ્તવિકતા છે.

દેશના થર્મલ પાવર સ્ટેશનોમાં કોલસાની તંગી માટે ભારે વરસાદને કારણે કોલસાનો જથ્થો તેમને સમયસર પહોંચાડી શકાયો નહીં તે બાબત જવાબદાર ગણાવવામાં આવે છે, આ ઉપરાંત કેટલાક ખાનગી વીજ ઉત્પાદકોએ તેમના થર્મલ પાવર યુનિટો માટે વિદેશોથી કોલસો આયાત કરવાનો બંધ કરી દીધો તે પણ એક મહત્વનું કારણ હતું.આયાતી કોલસાના ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી તેમણે આવું પગલું ભરવાની ફરજ પડી હતી.

આજે વિજળી એ આપણા રોજીંદા જીવનનું એક આવશ્યક અંગ છે ત્યારે વિજળી પુરવઠો લાંબા સમય માટે ખોરવાય કે તેમાં મોટા કાપ મૂકવા પડે તે ખૂબ તકલીફદાયક નીવડી શકે તેમ છે અને તેનાથી મોટું આર્થિક નુકસાન પણ થઇ શકે છે આવા સંજોગોમાં પાવર સ્ટેશનો માટે આવશ્યક ઇંધણનો જથ્થો સમયસર અને એકધારો મળતો રહે તે માટે યોગ્ય વ્યવસ્થા હોવી જ જોઇએ. હાલના સંજોગોમાં આવી વ્યવસ્થા જાળવવા બાબતે ઉપેક્ષા સેવવામાં આવી હોવાનું જણાઇ આવે છે. વીજ મથકોમાં હાલની કોલસાની કટોકટી એ નક્કર તંગીને કારણે નહીં પણ યોગ્ય વહીવટી પગલાઓના અભાવે જ સર્જાઇ છે તે સ્પષ્ટ સમજી શકાય છે.

Most Popular

To Top