અંગ્રેજ સરકારે ભારતમાં શરૂ કરેલી ટપાલ સેવા એ એક આદર્શ અને ઉત્તમ સંદેશા વ્યવહારની વ્યવસ્થા હતી. સંદેશા વ્યવહારનું તમામ કામકાજ ટપાલ સેવાના માધ્યમથી જ થતું હતું. દિવસમાં બે ટાઇમ ટપાલ વહેંચાતી હતી અને દૂર દૂરના આંતરિક ગામડાઓમાં પણ પોસ્ટમનો ટપાલ સેવા બજાવવા જતાં હતાં. પોષ્ટકાર્ડ એ સૌથી સસ્તો અને સરળ સંદેશા વ્યવહારનું માધ્યમ હતો. જો વિસ્તૃતમાં લખાણ લખવાનું હોય તો ઇન લેન્ડ લેટર (આંતર દેશીય પત્ર) નો ઉપયોગ થતો હતો અને કોઈ ખાનગી માહિતિ આપવાની હોય તો કવરનો ઉપયોગ થતો હતો. પોષ્ટખાતાનો રેલ્વે ખાતા સાથે એવો સુમેળભર્યો તાલમેલ હતો કે ભાગ્યેજ એવું બનતું કે ટપાલો દરરોજ ના મળતી હોય અને ના વહેંચાતી હોય.
આ ઉપરાંત કોઈ તાકિદનો સંદેશો હોય તો ટેલીગ્રામ (તાર) સેવા પણ ઉપલબ્ધ હતી, જે પોષ્ટ, ખાતાએ થોડા સમય અગાઉ બંધ કરી દીધી છે. પાર્ટી પાસેથી તાત્કાલિક કોઈ જવાબ મંગાવવાનો હોય તો રીપ્લાય કાર્ડની વ્યવસ્થા હતી. દિવાળીના તહેવારોમાં પણ પોઝખાતાના કર્મચારીઓ કામ ચાલુ રાખીને દિવાળીની શુભેચ્છાના વિવિધ ગ્રિટીંગ્ઝ ઘેર ઘેર પહોંચાડતા હતાં. અરજન્ટ ટપાલ હોય અને લાલ કલરની એક્ષપ્રેસ ટિકિટ ચોંટાડી હોય તો તે ટપાલની રવિવારના દિવસે પણ ડીલીવરી થતી હતી. આમ પ્રજાને પોષ્ટખાતા તરફથી બહુ સારી સેવા મળતી હતી, પરંતુ મોબાઇલ, ફેક્ષ, ટેલીફેક્ષ, ઇ-મેઇલ જેવી સેવાઓનો ઝડપી અને બહોળા પ્રમાણમાં વિકાસ થવાથી તેની અસર પોષ્ટખાતાની આવક અને કામગીરી ઉપર પડવા લાગી.
બીજી તરફ આંગડિયા સર્વિસ અને કુરિયરની સર્વિસના ઉદયને કારણે પોષ્ટખાતાને બહુ મોટો ફટકો પડેલ છે. કારણકે કુરિયર અને આંગડિયા સર્વિસ બહુ ઝડપી તેમજ સસ્તી સેવા પૂરી પાડે છે, તેથી પ્રજાનો અભિગમ પણ બદલાયો અને લોકોએ ધીમેધીમે પોઝખાતાની સેવાઓ લેવાનું બંધ કરવા માંડ્યું. આના કારણે અમુક શહેરો તથા નાના ગામડાઓમાં પોષ્ટખાતાની ઓફિસો બંધ કરવાની નોબત આવી અને અમુક પોસ્ટમેનોને પણ છૂટા કરવામાં આવ્યા. સામાજિક પરિવર્તન અને નવી ટેકનોલોજીને કારણે, હવે ટપાલસેવા ધીમેધીમે નામશેષ થઇ રહી છે. નવી પેઢીને તો કદાચ ખ્યાલ પણ નહિ હોય કે એક જમાનામાં ટપાલ સેવાનું કેવું અદકેરું મહત્વ હતું?
હાલોલ – યોગેશ આર જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મારનાર કરતાં, તારનારની જરૂર છે
જાહેર જીવનમાં આજે અનેક લડાઇ-ઝઘડા ચાલે છે, વાત મારામારી અને ઝપાઝપી સુધી પહોંચી જાય છે, છેવટે મામલો બિચકતા ખૂન હત્યા સુધી પહોંચી જાય છે. જયારે આવું તોફાની વાતાવરણ સર્જાય અને વાદ-વિવાદ ચરમસીમાએ પહોંચે ત્યારે મારનારા અને સમજાવી લઇને બાજી સંભાળવા માટે જરૂર હોય છે મધ્યસ્થી કરનારા આગેવાનોની. આગોવાનોનું કામ સુલેહ શાંતિ સ્થાપવાનું છે, મારનારાં તત્ત્વો તોફાની અને ઝનૂની હોય છે અને બચાવનારા શાંતિપ્રિય વૃત્તિવાળા હોય છે. આથી મારનાર કરતાં તારનારાની વધુ જરૂર છે. આજે તો કોમ કોમ વચ્ચે કોમવાદ ફેલાવનારા સાંપ્રદાયિક પરિબળો હવનમાં હાડકાં નાંખવાનું કામ કરતા હોય છે. આથી તારનારાઓએ સમાધાનકારી વલણ અપનાવીને મામલાનો સુખદ અંત લાવવાની ભૂમિકા ભજવવી જોઇએ તેમાં જ તારનારાની મહાનતા છુપાયેલી છે. સરહદ પર ખડે પગે દેશની રક્ષા કરતા ફૌજી-જવાનોમાં કોઇ કોમવાદ કે જાતિવાદ નથી. માત્ર મા-ભોમની રક્ષા કરવાની ફરજ બજાવતા હોય છે.
તરસાડા- પ્રવીણસિંહ મહિડા આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.