Columns

સંસદમાં પસાર થયેલા વકફના કાયદાનું સુપ્રીમ કોર્ટમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે

આપણા દેશમાં સંસદ સર્વોપરી કે ન્યાયતંત્ર? તે ચર્ચા બહુ જૂની છે. સંસદનો પક્ષ લેનારા કહી રહ્યા છે કે દેશનાં ૧૪૦ કરોડ નાગરિકો દ્વારા સંસદને ચૂંટવામાં આવી છે, માટે તેની પાસે તમામ સત્તાઓ હોવી જોઈએ, જેમાં બંધારણમાં ધરખમ ફેરફારો કરવાની સત્તાનો પણ સમાવેશ થવો જોઈએ. ન્યાયતંત્રની સર્વોપરિતાના પુરસ્કર્તાઓ કહે છે કે સંસદ કરતાં પણ બંધારણ સર્વોપરી છે અને બંધારણનું અર્થઘટન કરવાની સત્તા કેવળ સુપ્રીમ કોર્ટ પાસે છે, માટે અંતિમ સત્તા તો સુપ્રીમ કોર્ટના હાથમાં જ હોવી જોઈએ. કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે બંધારણના મૂળભૂત ઢાંચામાં ફેરફાર કરવાનો અધિકાર સંસદને પણ નથી.

ભારતની સંસદ સર્વાનુમતે ઠરાવ કરે કે ભારત હવે સેક્યુલર રાષ્ટ્ર નથી પણ હિન્દુ રાષ્ટ્ર છે, તો તે ઠરાવ પણ સુપ્રીમ કોર્ટ રદ કરી શકે, કારણ કે તેવો ઠરાવ ભારતના બંધારણના મૂળભૂત ઢાંચાનો ભંગ કરનારો છે. વકફના કાયદામાં તાજેતરમાં કરવામાં આવેલા ફેરફારોને પડકારતી જે ૭૦ જેટલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે, તેની સુનાવણી દરમિયાન સંસદ અને સુપ્રીમ કોર્ટ વચ્ચેનો વિવાદ ઉગ્ર બને તેવા સંયોગો નિર્માણ થયા છે. ભારતની સંસદે બહુમતીથી જે કાયદો પસાર કર્યો તેનું હવે સુપ્રીમ કોર્ટમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે, જેના પર આખા દેશની નજર છે. સુપ્રીમ કોર્ટનો મિજાજ જોયા પછી લાગે છે કે તે વકફના કાયદાની કેટલીક જોગવાઈઓ રદ કરી શકે છે.

બુધવારે આ કેસની સુનાવણીમાં જ્યારે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે વકફ કાયદાને પડકારતી અરજીઓની તરફેણમાં દલીલો રજૂ કરી ત્યારે સુપ્રીમ કોર્ટે તેમની બધી દલીલો પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તે જ સમયે, જ્યારે સોલિસિટર જનરલ તુષાર મહેતા કેન્દ્ર સરકાર વતી દલીલ કરી રહ્યા હતા ત્યારે CJI જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે તીક્ષ્ણ પ્રશ્નો પૂછ્યા હતા. ગુરુવારે થયેલી સુનાવણીમાં પણ સુપ્રીમ કોર્ટના સીજેઆઈ જસ્ટિસ ખન્નાએ સરકારને આગામી આદેશો સુધી યથાસ્થિતિ જાળવવા માટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે કોર્ટ દ્વારા વકફ જાહેર કરાયેલી કોઈ પણ મિલકતને બિન-વકફ ગણવામાં આવશે નહીં, પછી ભલે તે વકફ વપરાશકર્તા દ્વારા હસ્તગત કરવામાં આવી હોય કે ન હોય. વચગાળાનો આદેશ સરકારની વિરુદ્ધમાં જણાય છે.

સુપ્રીમ કોર્ટમાં વકફ કાયદાની જે મુખ્ય બાબતોની ચર્ચા કરવામાં આવી તેમાં એક બાબત એ હતી કે શું વકફ મિલકતોને ડિનોટિફાઇડ કરવાની મંજૂરી આપવી જોઈએ? વાસ્તવમાં, એવી વકફ મિલકતો કે જેને કોર્ટ દ્વારા વકફ જાહેર કરવામાં આવી હોય અથવા એવી વકફ મિલકતો કે જેનો કેસ કોઈ પણ કોર્ટમાં ચાલી રહ્યો હોય તેને ડિનોટિફાઈ કરવાની સત્તા નવા કાયદા દ્વારા સરકારને આપવામાં આવી છે. ગુરુવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ જ પ્રશ્ન ઉઠાવ્યો હતો. CJI એ હાલમાં સરકારને જવાબ આપવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો છે. આ દરમિયાન સરકાર દ્વારા કોઈ પણ વકફને ડિનોટિફાઈ કરવા પર રોક લગાવવામાં આવી છે.

વકફના વિવાદમાં બીજો મુખ્ય મુદ્દો છે કે શું વિવાદના કિસ્સામાં કલેક્ટરની સત્તાઓ મર્યાદિત કરવી જોઈએ? આ પ્રશ્ન પાછળનું કારણ વકફ કાયદામાં કરવામાં આવેલી નવી જોગવાઈ છે, જે કહે છે કે કોઈ પણ વકફ મિલકત અંગે ઉદ્ભવતા કોઈ પણ વિવાદની તપાસ કલેક્ટર કરશે. આ વિવાદ સરકારી જમીન અથવા વકફ જમીનના સમાધાનને લગતો છે. મોટી વાત એ છે કે તપાસ દરમિયાન વકફ મિલકતને વકફ મિલકત ગણવામાં આવશે નહીં. જો કે, કેન્દ્રે કહ્યું છે કે વિવાદના કિસ્સામાં બીજો પક્ષ ટ્રિબ્યુનલનો સંપર્ક કરી શકે છે. આ બાબતમાં સુપ્રીમ કોર્ટમાં દલીલો થશે.

વકફના વિવાદમાં ત્રીજો મુદ્દો એ છે કે શું વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોનો પ્રવેશ યોગ્ય છે, કારણ કે અન્ય ધર્મો સંબંધિત સંસ્થાઓમાં બિન-ધાર્મિક લોકોનો પ્રવેશ પ્રતિબંધિત છે. અરજીઓમાં વકફ બોર્ડમાં બિન-મુસ્લિમોના પ્રવેશને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યો છે. કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે જૂના કાયદા હેઠળ બોર્ડના બધા સભ્યો મુસ્લિમ હતા. હિન્દુ અને શીખ બોર્ડમાં પણ બધા સભ્યો હિન્દુ અને શીખ છે. નવા વકફ સુધારા કાયદામાં, ખાસ સભ્યોના નામે બિન-મુસ્લિમોને સ્થાન આપવામાં આવ્યું છે. આ નવો કાયદો અધિકારોનું સીધું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટે તુષાર મહેતાને કપિલ સિબ્બલની દલીલ અંગે પ્રશ્ન પૂછ્યો કે આ કાયદા મુજબ ૮ સભ્યો મુસ્લિમ હશે, પછી બાકીના બિન-મુસ્લિમો હોઈ શકે છે. ત્યારે તુષાર મહેતાએ કહ્યું કે આવી સ્થિતિમાં આ બેન્ચ પણ કેસની સુનાવણી કરી શકે નહીં. હકીકતમાં તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટની બેન્ચ સામે કટાક્ષ કર્યો હતો, જેમાં બિનમુસ્લિમ ન્યાયાધીશો મુસ્લિમોને લગતા વિવાદની સુનાવણી કરી રહ્યા છે.

સુપ્રીમ કોર્ટે આ સવાલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું કે અમારા માટે બંને પક્ષો સમાન છે. જ્યારે અમે અહીં બેસીએ છીએ ત્યારે અમારો ધર્મ ભૂલી જઈએ છીએ. તમે આની સરખામણી ન્યાયાધીશો સાથે કેવી રીતે કરી શકો? તો પછી હિન્દુ સંસ્થાના સલાહકાર બોર્ડમાં બિન-મુસ્લિમોનો સમાવેશ કેમ નથી? શું તમે કોર્ટ સમક્ષ એવું નિવેદન આપવા તૈયાર છો કે વધુમાં વધુ ૨ બિન-મુસ્લિમો હશે? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા તેના પરથી બિન-મુસ્લિમ સભ્યો બાબતમાં તેમનું વલણ જાણવા મળ્યું છે.

કોઈ પણ મિલકતને વકફ જાહેર કરવાની વકફ બોર્ડની સત્તા નવા કાયદામાં હટાવી દેવામાં આવી તે બાબતમાં પણ સુપ્રીમ કોર્ટે તીખા સવાલો કર્યા હતા કે વપરાશકર્તા દ્વારા વકફ જાહેર કરવાને લગતી જોગવાઈ કેમ હટાવવામાં આવી? આપણા દેશમાં ઘણી જૂની મસ્જિદો છે. ૧૪મી અને ૧૬મી સદીની એવી મસ્જિદો છે, જેમાં રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નહીં હોય. આવી મિલકતોની નોંધણી કેવી રીતે થશે? જો આવા વકફને નકારી કાઢવામાં આવે તો વિવાદ લાંબા સમય સુધી ચાલુ રહેશે. આપણે જાણીએ છીએ કે જૂના કાયદાનો થોડો દુરુપયોગ થયો હતો, પરંતુ કેટલીક વાસ્તવિક વકફ મિલકતો છે. સુપ્રીમ કોર્ટના પ્રશ્ન પર તુષાર મહેતાએ કહ્યું કે જો કોઈ મિલકત વકફ મિલકત તરીકે નોંધાયેલી હોય તો તે વકફ મિલકત જ રહેશે.

કોઈને પણ નોંધણી કરાવવાથી રોકવામાં આવ્યા નથી. ૧૯૨૩માં આવેલા પહેલા કાયદામાં મિલકતની નોંધણી ફરજિયાત હતી. ૧૯૫૪ અને ૧૯૯૫માં પણ તે ફરજિયાત હતી. ૨૦૧૩માં એક ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં પણ નોંધણી ફરજિયાત હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે જો કોઈ મિલકત વકફ બાય-યુઝર હોય અને નોંધાયેલ ન હોય તો તેનું શું થશે? બ્રિટિશ કાળ પહેલાં નોંધણીની કોઈ જોગવાઈ નહોતી, આવી સ્થિતિમાં શું થશે? આ પ્રશ્નો પર કેન્દ્રે કહ્યું કે કલેક્ટર તેની તપાસ કરશે અને જો એવું જાણવા મળશે કે તે સરકારી મિલકત છે, તો તેને મહેસૂલ રેકોર્ડમાં સુધારવામાં આવશે. જો કોઈને કલેક્ટરના નિર્ણયથી સમસ્યા હોય તો તે ટ્રિબ્યુનલમાં જઈ શકે છે.

સુપ્રીમ કોર્ટે હજુ સુધી વકફ કાયદા પર રોક લગાવી નથી, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટને જે બાંયધરી આપવામાં આવી તેનો અર્થ એવો થાય છે કે સરકાર હાલ તુરંત નવા કાયદાનો અમલ કરશે નહીં. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે સોલિસિટર જનરલે કોર્ટને ખાતરી આપી હતી કે કાઉન્સિલ અને બોર્ડમાં કોઈ નિમણૂક કરવામાં આવશે નહીં. સોલિસિટર જનરલે ખાતરી આપી છે કે આગામી સુનાવણીની તારીખ સુધીમાં પહેલાંથી જ નોંધાયેલા અથવા સૂચના દ્વારા જાહેર કરાયેલા વકફને ડિનોટિફાઇ કરવામાં આવશે નહીં કે કલેક્ટર દ્વારા બદલવામાં પણ આવશે નહીં. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી બાંયધરી આગામી સુનાવણી સુધી અમલમાં રહેશે.

મુસ્લિમ પક્ષકારો તેને સુપ્રીમ કોર્ટમાં પોતાની મોટી જીત માની રહ્યા છે. સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ પર પોતાનો મત વ્યક્ત કરતાં કોંગ્રેસના નેતા ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું કે હું વચગાળાની રાહત માટે સુપ્રીમ કોર્ટનો આભારી છું. સુપ્રીમ કોર્ટે સંસદમાં અમે ઉઠાવેલા લગભગ તમામ મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આજના નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આ કાયદો બંધારણની વિરુદ્ધ બનાવવામાં આવ્યો છે. આ કોઈ પક્ષનો નહીં, પણ બંધારણનો વિજય છે. આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટ વધુ રાહત આપશે અને જમીન હડપ કરવાના સરકારના કાવતરાને અટકાવશે. આ કેસમાં સંસદની અને સુપ્રીમ કોર્ટની સત્તા બાબતમાં નવી મર્યાદાઓ નક્કી થઈ શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top