Comments

દેશનું રાજકારણ રસપ્રદ વળાંકે ઊભું છે

૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીની બેઠકોમાં ઘટાડો થશે અને તે લોકસભામાં સ્પષ્ટ બહુમતી ગુમાવશે એવું સાર્વત્રિક અનુમાન હતું અને એવું અનુમાન કરનારાઓમાં ગોદીમીડિયા અને મતદાતાઓના મૂડનો અભ્યાસ કરનારી ભરોસાપાત્ર સર્વેક્ષણ-સંસ્થાઓ પણ હતી. બીજેપીના નેતાઓને પણ ભરોસો નહોતો કે લોકસભાની ચૂંટણીમાં બીજેપીની બેઠકોમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થશે. જ્યારે પરિણામ આવ્યાં ત્યારે બીજેપી સહિત તમામ રાજકીય પક્ષોને અને રાજકીય નિરીક્ષકોને આશ્ચર્ય થયું હતું.

શા કારણે બીજેપીની બેઠકોમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થયો હતો? નરેન્દ્ર મોદીની સરકારે તેની પહેલી મુદતમાં એવું કોઈ કામ કર્યું નહોતું કે નાગરિકો સમરકંદ-બુખારા ઓવારી જાય. ઉલટું નોટબંધી અને જીએસટીએ ભારતના અર્થતંત્રની કમર તોડી નાખી હતી. બેરોજગારીમાં પ્રચંડ વધારો થયો હતો. બીજા મોરચે પણ સરકાર લગભગ નિષ્ફળ નીવડી હતી. ચૂંટણીના મહિના પહેલાં બનેલી પુલવામાની ઘટના અને પુલવામાના જવાબમાં ભારતે પાકિસ્તાન સામે કરેલી સર્જીકલ સ્ટ્રાઈકને કારણે છેલ્લી ઘડીએ મતદાતાઓનો મૂડ બદલાયો હતો અને તેનો લાભ બીજેપીને મળ્યો હતો એમ કહેવામાં આવે છે, પરંતુ બીજેપીના વિજયનું એ નિર્ણાયક કારણ નથી.

બીજેપીના વિજયનાં મુખ્ય કારણો બે હતાં. એક તો એ કે ફરી વાર સ્પષ્ટ બહુમતી મળવાનો બીજેપીને ભરોસો નહોતો એટલે બીજેપીએ ચૂંટણી લડવામાં અને જીતવામાં કોઈ કસર છોડી નહોતી. પૂરી તાકાત લગાવી હતી. તેની પાસે મબલખ પૈસા છે અને પોતાના તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓની ફોજ છે. આ સિવાય ચૂંટણી જીતવાનો બુલંદ ઈરાદો હતો.

બીજું કારણ સામેના છેડાનું હતું. કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષોનો આ વખતે બીજેપીની પીછેહઠ થવાની છે એવા અનુમાન ઉપર ભરોસો હતો. તેમની ગણતરી એવી હતી કે ગમે એટલી મહેનત કરવામાં આવે, સરકાર તો બીજેપીના નેતૃત્વવાળી એનડીએની જ બનવાની છે; પણ તેની પાસે સ્પષ્ટ બહુમતી નહીં હોય એટલે નરેન્દ્ર મોદીની સરકાર દાદાગીરી કરવાની સ્થિતિમાં નહીં હોય અને એ સ્થિતિમાં વિરોધ પક્ષોને તેની રાજકીય જગ્યા મળી રહેશે.

તરોતાજા થવાનો મોકો મળશે, જે તે રાજ્યો કબજે કરવાનો મોકો મળશે અને છેવટે ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીમાં ગણતરીપૂર્વકનો મોરચો રચીને કેન્દ્રમાં સત્તા ઉપર આવી શકાશે. તેમની ગણતરી એવી પણ હતી કે ૨૦૧૯ ની ચૂંટણી પોતાની શરતે મોરચો બનતો હોય તો ઠીક અને નહીં તો એકલા લડીને પોતાની તાકાત બતાવી દેવી કે જેથી ૨૦૨૪ માં હાર્ડ બાર્ગેનિંગ કરી શકાય. તેમના દુર્ભાગ્યે બીજેપીને ૨૦૧૪ કરતાં પણ વધારે બેઠકો મળી, ૩૦૦નો આંકડો પાર કરી નાખ્યો અને બધા જ રાજકીય પક્ષો તેમ જ રાજકીય નિરીક્ષકો હેબતાઈ ગયા.

૨૦૧૯ માં બીજેપીનો જે વિજય થયો પણ એ સાથે વિરોધ પક્ષોના ટૂંકા સ્વાર્થ, રણનીતિનો અભાવ અને તનતોડ અભાવનું પણ પરિણામ હતું. ૨૦૧૯ નાં પરિણામો પછી અને હવે જ્યારે દેશનાં મહત્ત્વનાં રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી નજીક છે અને એ પછી લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે વિરોધ પક્ષો હવે નવી રીતે વિચારતા થયા છે. આ સિવાય બે કારણે તેમનો આત્મવિશ્વાસ પણ વધ્યો છે.

એક કારણ છે, કોરોનાના બીજા આક્રમણને ખાળવામાં સરકારને મળેલી સરિયામ નિષ્ફળતા. એક મહિનો જાણે કે દેશમાં કોઈ સરકાર જ નહોતી. આ શાસકો  એવા છે જેઓ લોકોના મૂલ્યવાન જીવનને હોમીને પણ હિંદુ તાકાતના પ્રદર્શનના તાયફાઓ યોજવામાં અને ચૂંટણીઓ લડવા અને જીતવામાં કોઈ શરમ નથી અનુભવતા. તેમની નજર સત્તા પર છે, શાસન પર નથી એનું લોકોને બ્રહ્મજ્ઞાન થયું હતું. ૨૦૧૪ પછી પહેલી વાર નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા નીચે ગઈ.

બીજું કારણ છે રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામ. ૨૦૧૯ માં લોકસભાની ચૂંટણી પછી એ જ વરસના અંતમાં મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં બીજેપીનો પરાજય થયો હતો. હરિયાણામાં જોડતોડ કરીને બીજેપીએ સરકાર રચી એ જુદી વાત છે, ૨૦૨૦ માં દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને બીજી વાર ભવ્ય વિજય મળ્યો હતો અને બીજેપીનું અક્ષરશ: નાક કાપ્યું હતું. ૨૦૨૦ ના નવેમ્બર મહિનામાં બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળનો નેત્રદીપક વિજય થયો હતો. આ વરસમાં પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામીલનાડુ અને પોંડિચેરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં આસામ છોડીને સર્વત્ર બીજેપીનો પરાજય થયો હતો. પોંડીચેરીમાં બીજેપીને કુલ ૩૩ બેઠકોમાંથી માત્ર નવ બેઠકો મળી હતી. એમાં પણ પશ્ચિમ બંગાળનાં પરિણામોએ વિરોધ પક્ષોમાં નવી આશાનો સંચાર કર્યો છે. જો ગણતરીપૂર્વકની રણનીતિ ઘડવામાં આવે અને હિંમત હાર્યા વિના આત્મવિશ્વાસપૂર્વક ખંતથી મહેનત કરવામાં આવે તો બીજેપીને પરાજીત કરી શકાય છે.

હવે સવાલ આવે છે કે વિરોધ પક્ષોએ સંગઠિતપણે અને પોતપોતાનાં રાજ્યોમાં કેવી રણનીતિ અપનાવવી જોઈએ? આવતા વરસે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ગુજરાત, ગોવા, મણીપુર અને જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી યોજાવાની છે. આમાં ઉત્તર પ્રદેશ, ગુજરાત, પંજાબ, ઉત્તરાખંડ અને હિમાચલ મહત્ત્વનાં રાજ્યો છે અને તેમાં પણ ઉત્તર પ્રદેશ અને ગુજરાત સૌથી મહત્ત્વનાં રાજ્ય છે. કોરોનાના સંકટમાં સૌથી વધુ ફુહડ દેખાવ ઉત્તર પ્રદેશની અને ગુજરાતની બીજેપીની સરકારનો હતો. એ પછી ૨૦૨૩ માં મહત્ત્વનાં રાજ્યોની વાત કરીએ તો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, તેલંગાણામાં ચૂંટણી યોજાવાની છે. ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણી યોજાશે.

અત્યારે સંકેત મળી રહ્યા છે કે ૨૦૧૪ માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી પહેલી વાર વિરોધ પક્ષો દૂરનું વિચારી રહ્યા છે. શરદ પવાર અને યશવંત સિન્હાએ મળીને રાષ્ટ્રીય ગઠબંધન રચવાની પહેલ કરી છે. પ્રશાંત કિશોર નામના ચૂંટણી-વિજય-વિશારદ શરદ પવારને બે વાર મળ્યા હતા. પ્રશાંત કિશોરે મંગળવારે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે સંયુક્ત બેઠક કરી હતી. પ્રશાંત કિશોરે અન્ય વિરોધ પક્ષોને સ્પષ્ટ કહ્યું છે કે કોંગ્રેસને બહાર રાખીને કોઈ મોરચો કેન્દ્રમાં સરકાર રચી શકે એમ નથી.

જે નેતાઓ રાજ્યોમાં જનસમર્થન ધરાવે છે તે આપસમાં લડી રહ્યા છે અને કેન્દ્રીય નેતૃત્વની ઉપેક્ષા કરે છે વગેરે કોંગ્રેસની સમસ્યા છે. કોંગ્રેસ એકંદરે દિશાહીન,  નિરાશાગ્રસ્ત અને નિર્બળ છે અને છતાંય પ્રશાંત કિશોર કહે છે કે જો કોંગ્રેસને બહાર રાખશો તો દિલ્હી દૂર છે. તેઓ કહે છે કે કોંગ્રેસ એકમાત્ર એવો પક્ષ છે જે આખા ભારતમાં ઓછાવત્તા પ્રમાણમાં હાજરી ધરાવે છે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ ૧૯.૪૯ ટકા મત મળ્યા હતા.

શરદ પવારે જે બેઠક બોલાવી હતી એમાં કોંગ્રેસના નેતાઓને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું. શરદ પવાર પણ જાણે છે કે કોંગ્રેસ વિના દિલ્હી પહોંચી શકાય એમ નથી અને જો કોંગ્રેસનો સ્વીકાર કરાવે તો તેમને મોરચા સરકારના વડા પ્રધાન બનવાની તક મળી શકે એમ છે. આમ પ્રશાંત કિશોર અને શરદ પવાર એક જગ્યાએ છે. પ્રશાંત કિશોરની ગાંધીપરિવારના ત્રણેય સભ્યો સાથે એક સાથે જે બેઠક યોજાઈ એ શરદ પવારના પ્રયત્નોનું પરિણામ છે.

પણ સમસ્યા એવાં કેટલાંક રાજ્યોની છે, જ્યાં કોંગ્રેસ અને સ્થાનિક પક્ષો સામસામે છે. કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઝારખંડ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ જેવાં કેટલાંક રાજ્યો છે, જ્યાં પ્રાદેશિક પક્ષો અને કોંગ્રેસ સામસામે છે. શરદ પવાર આવી સ્થિતિ ધરાવનારાં રાજ્યોમાં ઉકેલ રૂપે મહારાષ્ટ્ર ફોર્મ્યુલાને આગળ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ હંમેશા સામસામે રહ્યા છે અને વિધાનસભાની ગઈ ચૂંટણીમાં એકબીજાની સામે લડ્યા હતા અને છતાંય અત્યારે સરકારમાં સાથે છે.

શરદ પવાર અને પ્રશાંત કિશોરની રણનીતિ તો જ સફળ થાય, જો કોંગ્રેસ સમય વર્તીને કડવો ઘૂંટડો પીવા તૈયાર થાય. લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ બેઠક મેળવીને પણ કોંગ્રેસે વડા પ્રધાનપદનો દાવો છોડવો પડે. આગળ શું થશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ એક વાત નક્કી કે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર દેશનું રાજકારણ રસપ્રદ વળાંક લઈ રહ્યું છે. -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top