ત્રિપુરા વિધાનસભાના મતદાનના દિવસે રાહુલ ગાંધી કાશ્મીરના ગુલમર્ગમાં સ્કીઈંગની મજા માણી રહ્યા હોય એવી તસવીર પ્રગટ થઈ છે. ધનવાન અને વિદેશ ખેલ- સંસ્કૃતિમાં જે કેળવાયા હોય તે જ સ્કીઈંગની રમત માણી શકે. ભારતના રાજકારણીઓ સામાન્યપણે ગ્રામ્ય સંસ્કૃતિ સાથે વધુ નિકટ ઓળખ ધરાવે છે. હા, એ બધા જ નેતાઓ રાજકીય અખાડાના ખેલાડી હોય શકે તે મુદ્દો જરા અલગ છે. વાત અહીં રાહુલ ગાંધીની છે. ત્રિપુરા પછી મેઘાલય, નાગાલેન્ડ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, તેલંગાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી છે.
આ વિધાનસભાઓની ચૂંટણીને લોકસભા ચૂંટણી પહેલાં ખૂબ મહત્ત્વની ગણાવી શકાય. રાહુલ ગાંધી જો પોતાને નરેન્દ્ર મોદીના વિકલ્પ તરીકે ઓળખાવવા માંગતા હોય અને કોંગ્રેસને BJPના મુકાબલે ફરી શાસનયોગ્ય સાબિત કરવા માંગતા હોય તો આ સ્કીઈંગ કરવું યોગ્ય લાગે છે? જેમ તેના પિતા રાજીવ ગાંધીને દેશના શાસક તરીકે લોકો યોગ્ય નહોતા ગણતા તેવું રાહુલ વિશે પણ ગણવું? હકીકતે ઈન્દિરા ગાંધીના મૃત્યુ પછી રાજીવ, સોનિયા કે રાહુલ અને પ્રિયંકા માત્ર કૌટુંબિક વારસદારીથી વધુ કોઈ યોગ્યતા સાબિત કરી શકતા નથી.
તેઓ કોંગ્રેસ પર વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. તેમાં કોંગ્રેસના હેતુ જાળવવાથી વધુ કૌટુંબિક હિતોની જાળવણી છે. આવા નેતાઓ ભારત જોડો યાત્રા કરે તેનો ય અર્થ નથી. એ યાત્રા રાજકીય ફલક પર સંગઠનાત્મક મજબૂતી રચે એવા વ્યૂહવાળી હોવી જોઈએ. માત્ર ભાવનાત્મક સ્તરે તેના પરિણામ આવ્યા હોય તો તેને કાર્યસાધક યા લક્ષ્યસાધક ન ગણાવી શકાય. રાહુલ ગાંધી પોતાની જીવનશૈલી બદલી શકે તેમ નથી અને મોટા લોક-આંદોલન કરી શકે તેમ નથી. તેઓ ડેસ્ક પોલિટિક્સથી આગળ વધી શકતા નથી.
ત્રિપુરાની જ વાત કરો તો રાહુલ અને પ્રિયંકા ચૂંટણીપ્રચારથી દૂર રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગે પણ ચૂંટણીપ્રચારથી ત્યાં દૂર રહ્યા છે. 2018માં તેઓ અહીં હારેલા તો ફરી હારશે? શું પોતાને રાષ્ટ્રીય પક્ષના નેતા ગણાવનાર આટલા બેજવાબદાર હોય શકે? આ પ્રકારની બેજવાબદારી તેમણે ગુજરાત રાજ્યની વિધાનસભા ચૂંટણી વખતે પણ દાખવી હતી. રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા અટકાવી ગુજરાતમાં આક્રમક પ્રચાર કરવો જોઈતો હતો પણ તેવું નહોતું કર્યું. આવું જ્યારે તેઓ કરે ત્યારે જેતે પ્રદેશના કોંગ્રેસીઓ નાસીપાસ થાય છે.
ત્રિપુરા કોંગ્રેસના પ્રાદેશિક નેતાઓ ક્યા મોઢે ત્યાંના લોકો સામે ઊભા રહી શકે?…. રાહુલ ગાંધી ભારતના રાજકારણને યોગ્ય જ નથી એમ કહેવા કરતાં રાજકારણને જ યોગ્ય નથી એવું તારણ કાઢી શકાય. રાષ્ટ્રીય નેતા તરીકે પોતાને ઓળખાવનારની જવાબદારી બહુ મોટી હોય છે અને દરેક રાજ્યો માટેના વ્યૂહ સાથે કામ કરવાની તત્પરતા હોવી ઘટે છે. રાહુલ પાસે કોઈ મહત્ત્વના નેતાઓ નથી. મલ્લિકાર્જુન ખડગેને રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે બનાવાયા છે કે તે સોનિયા-રાહુલ-પ્રિયંકાના ગાંધીહિતની જાળવણીના વિરોધી નથી. ખડગે અધ્યક્ષ હોવા છતાં કોંગ્રેસમાં રાહુલનો જ અવાજ છે. સોનિયાએ વડા પ્રધાન તરીકે મનમોહનસિંઘને પસંદ કરેલા એ જ અભિગમ ખડગે પસંદગીમાં રહેલો છે તો ગાંધી કુટુંબ બહારના કોંગ્રેસ અધ્યક્ષ હોવાનો ભ્રમ ફેલાવવાની જરૂર નથી.
શું ગુલમર્ગમાં સ્કીઈંગ કરતા રાહુલ ગાંધીને ગંભીરતાથી લેવા જોઈએ? BJP નહીં અન્ય પાત્રો પણ લેતા નથી. કોંગ્રેસ સાથે વિપક્ષો યુતિ રચવા માંગે તો પણ કઈ રીતે રચે? એવું કરવા એ વિપક્ષી નેતાઓએ પણ સ્કીઈંગ શીખવું પડે જેથી ચર્ચા શકય બને. રાહુલ ગાંધી સંસદમાં જરૂર મહત્ત્વની ટીકા કરે છે અને BJPને મહત્ત્વના મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરે છે પણ મોદી સમયના BJPને સંસદભવનમાં ઘેરવાથી કશું પ્રાપ્ત ન કરી શકાય. એ માટે તો લોકો વચ્ચે આકરી લડાઈઓ લડવી પડે. મોદી-અમિત શાહને હંફાવવા રાહુલ-સોનિયાના વશની વાત નથી.
તેઓ ભારતીય રાજકારણના પ્રામાણિક અને જમીની નેતા છે એવું સાબિત જ કરી શકતા નથી. જે જે રાજ્યોમાં ચૂંટણી છે તે માટેની કોંગ્રેસની તૈયારી કેટલી છે? શું અદાણી મુદ્દે ઘેરવા માત્રથી BJPને પછાડી શકાશે? BJP અનેક યોજનાઓ સાકાર કરી રહ્યું છે અને રાષ્ટ્ર વ્યાપક તેના પરિણામો હાંસલ થઈ રહ્યા છે. તેમની શાસકીય શૈલીમાં સરમુખત્યારી છે છતાં આપણા લોકો તે નહીં, પોતાના માટે થતા પરિવર્તનને નજરમાં રાખે છે. જણાય રહેલી સરમુખત્યારી જાણે વિપક્ષો અને બૌદ્ધિકોનો મુદ્દો બની ગયો છે. રાહુલ ગાંધી કોઈ નિર્ણાયક મોરચા ખોલી શકતા નથી. જે પ્રદેશોમાં કોંગ્રેસે પોતાનું રાજકીય અસ્તિત્વ જાળવવું છે એ રાહુલ ગાંધી વડે નહીં જળવાશે, પ્રદેશના નેતા વડે જ જળવાશે.
હા એ પ્રદેશમાં કોંગ્રેસ સારો દેખાવ કરે તો રાહુલ-સોનિયા તરત પોતાની મહત્તા જાહેર કરશે. રાહુલને અને જે કોંગ્રેસીઓને લાગતું હોય કે BJP અને નરેન્દ્ર મોદીનું શાસન દેશ માટે વિઘાતક છે તેમણે વાચાળતા છોડી પરિણામ આપનારી લડાઈ લડવી જોઈએ. ફકત સહાનુભૂતિ ઉઘરાવનાર વાલીથી કશું વળતું નથી. તકલીફ એ છે કે રાહુલ સમજે છે ઓછું અને બીજા કોઈ તેમને સમજાવી શકતા નથી. જે સમજાવવા જાય તે કોંગ્રેસની બહારના થઈ જાય છે. ગાંધી કુટુંબ છે ત્યાં સુધી કોંગ્રેસે આ દેશના શાસક થવાની આશા રાખવી નહીં.
નરેન્દ્ર મોદીમાં જે પ્રકારની શાસન પર જળવાઈ રહેવાની અને દરેક રાજ્યો સર કરવાની આક્રમકતા અને યોજનાઓ છે તેનો જવાબ કોંગ્રેસ પાસે નથી. ભારત જોડો યાત્રાએ ઊભી કરેલી સકારાત્મકતા સંગઠનાત્મક શક્તિરૂપે આગળ વધવી જોઈએ, એ કામ રાહુલ કરી શકે તેમ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય નાયકત્વ હાંસલ કર્યું છે અને એ હાંસલ કર્યું છે તે તેમના રાજકીય કસબનું પરિણામ છે. હકીકતે તેઓ રાષ્ટ્રના નાયક છે કે નહીં તે સવાલ અલબત્ત થઈ શકે પણ લોકોમાં તેમની શાસનશૈલી કથા-કિસ્સારૂપે પ્રવર્તે છે. એ બધું ભ્રામક હોય તો બૌદ્ધિક ચર્ચારૂપે હશે, આપણા લોકો કે જે મતદાતા છે તેમને તો નરેન્દ્ર મોદી પોતાના ‘હીરો’ લાગે છે. તમે સામાન્ય ગણાતા લોકો વચ્ચે મોદીની ટીકા કરો તો તરત પ્રતિક્રિયા થાય છે તે શું સૂચવે છે? એક નહેરુ, બીજા ઈંદિરા અને આવું સિધ્ધ કરી શકનારા મોદી જ છે. શું રાહુલ ગાંધી આ ઑરાને પડકારી શકે? તેઓ બહુ સોફિસ્ટિકેટેડ નેતા જ લાગે છે જે સ્કીઈંગ કરી શકે પણ સ્કીઈંગથી રાજકીય બરફ ઓગળી ન શકે.