SURAT

હાઈલા.. આટલો બધો દારૂ!, સુરતના બુટલેગરે આખું ઘર બોટલોથી ભરી દીધું, VIDEO જોઈ ચોંકી જશો

સુરતઃ કાગળ પર તો ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે, પરંતુ રાજ્યનો એકેય જિલ્લો, તાલુકો, શહેર કે ગામ એવું નહીં હોય જ્યાં દારૂ વેચાતો કે પીવાતો નહીં હોય. દારૂના શોખીનો સુધી દારૂ પહોંચાડવા માટે બુટલેગરો પણ અવનવી તરકીબો અજમાવતા રહેતા હોય છે.

પડોશી રાજ્યોમાંથી ચોરી છૂપીથી શહેર-જિલ્લામાં દારૂની બોટલો ઘુસાડ્યા બાદ તેને છુપાવીને વેચવા માટે પણ બુટલેગરો પ્લાનિંગ કરતા હોય છે. આવો જ એક બુટલેગર સુરતમાં પકડાયો છે. આ બુટલગેરે દારૂની બોટલો છુપાવા માટે ઘરના ખૂણે ખૂણે ચોર ખાના બનાવ્યા હતા, જે જોઈ પોલીસ પણ આશ્ચર્યચક્તિ થઈ ગઈ હતી. બુટલેગરના ઘરમાં ક્યાં ક્યાંથી દારૂ મળ્યો તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

  • ઉધનાના બુટલેગર પંકજ રાણાએ દારૂની બોટલો છુપાવવા ઘરમાં ચોરખાના બનાવ્યા
  • સ્વીચ બોર્ડની પાછળ, કબાટમાં, દાદર કે ટેરેસ જ્યાં હાથ નાંખો ત્યાંથી બોટલ નીકળે
  • પોલીસે ઉધનાના બુટલેગરે પંકજ રાણાના ઘરમાંથી 66,300નો દારૂ પકડ્યો

ઉધનાના કુખ્યાત બુટલેગર પંકજ રાણાના ઘરમાં દારૂની બોટલો છુપાવીને રાખવામાં આવી હોવાની બાતમીના આધારે ઉધના પોલીસે પંકજ રાણાના ઘરે દરોડા પાડ્યા હતા. શરૂઆતમાં પોલીસને પંકજ રાણાના ઘરમાંથી એક પણ બોટલ મળી નહોતી, તેથી પોલીસ નિરાશ થઈ હતી. જોકે, ચેકિંગ ચાલુ રાખ્યું હતું.

દરમિયાન પોલીસની નજર ઘરના દાદરની નીચે બનાવવામાં આવેલા કબાટની પાછળના એક બાકોરા પર પડી હતી. ત્યાં નજર કરતા પોલીસ ચોંકી ગઈ હતી. બુટલેગરે દાદર નીચે કબાટની પાછળના બાકોરામાં ચોરખાનું બનાવી દારૂની બોટલો છુપાવી હતી. જે પોલીસે શોધી કાઢી હતી.

ત્યાર બાદ પોલીસે બુટલેગરના ઘરના સ્વીચ બોર્ડ, કબાટ બધુ ઝીણવટપૂર્વક તપાસવાનું ચાલુ કર્યું હતું. જેના પગલે પોલીસ જ્યાં હાથ નાંખે ત્યાંથી દારૂની બોટલો મળતી હતી. સ્વીચ બોર્ડની પાછળ, દાદર નીચે, ટેરેસ પર જ્યાં ખાના બનાવી શકાય ત્યાં બનાવીને બુટલેગરે વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો છુપાવી હતી.

ઉધના પોલીસે પંકજ રાણાના ઘરમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના 487 ટીન મળી કુલ 66,300 રૂપિયાનો દારૂ શોધી કાઢ્યો હતો. પોલીસે પંકજ રાણાની ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધનીય છે કે, પંકજ રાણા કુખ્યાત બુટલેગર છે. પંકજ વિરુદ્ધ અગાઉ ઉધનામાં 8, નવસારીમાં 5 સહિત કુલ 23 ગુના નોંધાઈ ચૂક્યા છે, તેમ છતાં તે સુધરતો નથી. આ કેસમાં પોલીસે અન્ય એક આરોપી સૌરભ બિહારીને વોન્ટેડ જાહેર કર્યો છે.

Most Popular

To Top