SURAT

વરાછા-કાપોદ્રામાં રસ્તે બેસી આવી માંગણી કરતા આપના કાર્યકરોને પોલીસે ડિટેઈન કર્યા

સુરત(Surat): રાજસ્થાનની (Rajashthan) ભાજપ સરકાર (BJPGovernment) દ્વારા મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર (Gas) આપવાની જાહેરાત બાદ હવે ગુજરાતની (Gujarat) મહિલાઓને પણ તે જ ભાવે સિલિન્ડર આપવાની માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે. આ માંગને લઈને આજે બુધવારે સુરત આપ (AAP) દ્વારા વરાછા કાપોદ્રા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન (Protest) કરાયું હતું. પોલીસે તાત્કાલિક દોડી જઈ પ્રદર્શનકર્તાઓની અટકાયત કરી હતી.

રાજસ્થાનની જેમ ગુજરાતની ગૃહિણીઓને સસ્તા ગેસના બાટલા આપવાની માંગણી સાથે આજે બુધવારે વહેલી સવારે આપ સુરતના નેતા પાયલ સાકરિયા સહિત આપના કાર્યકરોએ વરાછા, કાપોદ્રાના વિવિધ વિસ્તારોમાં રેલી કાઢી, ધરણાં પ્રદર્શન કરી ઉગ્ર માંગણી કરી હતી. આ સાથે જ આપના કાર્યકરોએ ભાજપ સરકાર લૂંટેરી છે તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના લીધે વરાછા, કાપોદ્રા વિસ્તારમાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું.

આપના કાર્યકરોની રેલી, વિરોધ પ્રદર્શનના પગલે પોલીસ દોડતી થઈ હતી. તાત્કાલિક પોલીસ આપના કાર્યકરોના વિરોધ પ્રદર્શન સ્થળ પર દોડી ગઈ હતી અને કાર્યકરો તથા નેતાઓને ડિટેઈન કર્યા હતા.

આપના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયાએ જણાવ્યું હતું કે વિધાનસભાની ચૂંટણી વખતે જ્યારે આમ આદમી પાર્ટીએ સસ્તા સિલિન્ડર અને મહિલાઓને માનદ વેતન આપવાની જાહેરાત કરી હતી ત્યારે ભાજપના લોકો તેને રેવડી કહેતા હતા, પરંતુ અન્ય રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પર ભાજપનો પરાજય થયો હતો.

હવે રાજસ્થાનમાં 1 જાન્યુઆરીથી 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે, તો પછી ગુજરાતની જનતાને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે, જ્યાં વર્ષોથી ભાજપ બહુમતીથી જીતી રહી છે. આમ આદમી પાર્ટીની માંગ છે કે અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ મહિલાઓને 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર અને 3000 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન આપવામાં આવે. જેને લઈને બુધવારે સવારે વરાછામાં પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

Most Popular

To Top