SURAT

મોડર્ન યુગની કવિતા: શૌર્ય છે સાઈડલાઈન તો, પોલિટિક્સ પર ચાબખા છે સદાબહાર

એક ઉક્તિ પ્રચલિત છે ને કે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિતાનો શાબ્દિક અર્થ છે કવિની કૃતિ. જે છંદોની શૃંખલાઓમાં વિધિવત બાંધવામાં આવે છે. કવિતા, ગઝલ, શાયરી દિલને બાગબાગ કરી દે છે અને મોઢામાંથી સરી પડે છે વાહ..વાહ. અને ઇર્શાદ ટોવિક્સ. પહેલાના સમયમાં કવિતાઓનો વિષય હતો મહેબૂબ, ખુદા, શૌર્ય. પણ બદલાતા જતા સમયની સાથે કવિતોઓએ પણ મોડર્ન રૂપ ધારણ કર્યું છે. આધુનિક દૌરની કવિતાઓમાં શૌર્ય એટલે કે વીરતા ક્યાંક સાઈડલાઈન થઈ રહી છે તો, પોલીટિક્સ જેવા સદાબાહર છે. સોશ્યલ મીડિયાના જમાનામાં કવિ, ગઝલકારો, શાયરોને તેમની રચના લોકો સુધી પહોંચાડવા માટેનું ખુલ્લું આકાશ મળ્યું છે. તો સુરતમાં હવે તો લોકોને કવિતાઓ, ગઝલ, શાયરી તરફ આકર્ષિત કરવા અને ઉભરતા કવિઓને પ્લેટફોર્મ આપવા માટેનો માહોલ ક્રિએટ કરવામાં આવ્યો છે. આજના સુરતના કવિ, શાયર, ગઝલકારોની રચનાઓના વિષય શું રહ્યાં છે? નવા ઉગતા કવિઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે સુરતીઓ શું કરી રહ્યાં છે? તે આપણે તેમના જ શબ્દોમાં જાણીએ.

શૌર્ય પરની રચનાઓ ઘટી છે તો પોલિટિક્સ પર ચાબખા સદા બહાર છે: ઈમ્તિયાઝ કિનખાબવાલા
શહેરના ખૂબ જ યંગ કવિ એવા ઈમ્તિયાઝ કિંખાબવાલાએ જણાવ્યું કે, શૌર્ય-વીરતા દર્શાવતી ઘટનાઓ ઓછી બને છે. આઝાદીનો સમય હતો ત્યારે વીરતા દર્શાવતી ઘટનાઓ બનતી એટલે તેના પર રચનાઓ તૈયાર કરાતી પણ હવે એવી ઘટનાઓ ઓછી આકાર લઈ રહી છે એટલે તેના પરની નઝ્મનું પ્રમાણ ઘટ્યું કહી શકાય. વાત રહી પોલિટિક્સની તો પોલિટિક્સ તો રાજાશાહીના જમાનાથી સદાબહાર રહી છે. જ્યાં સુધી પોલિટિક્સ છે ત્યાં સુધી કવિતા રહેશે. કવિતા અને શાયરીના માધ્યમથી પોલિટિક્સ પર ચાબખા મારવામાં આવે છે. આજના ઉભરતા કવિઓને હવે તો સુરતમાં તેમની કવિતાઓનો લોકો સમક્ષ મુકવા માટે પ્લેટફોર્મ મળવા લાગ્યું છે. હવે તો સુરતમાં લોકોને કવિતાઓ તરફ વાળવા અને કવિઓને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કોફી હાઉસના સુરતી ઓનર કવિ સંમેલનનું આયોજન કરવા લાગ્યાં છે. ઓપન માઈકના કાર્યક્રમના આયોજનથી પણ કવિઓને તેમની રચના લોકો સુધી પહોંચડાવવાનું સહેલું બન્યું છે.
तिरे उजड़े मकाँ से ही बनाया है महल उसने बधाई दे रहा हैं तू दुहाई क्यों नहीं देता

ઈંગ્લીશ વર્ડ્ઝ યુઝ થાય છે તો ટેકનોલોજીને પણ વણી લેવાય છે: વિભા જૈન
વિભા જૈન મશહૂર શાયરા છે તેઓ જણાવે છે કે પહેલા શાયરી, કવિતામાં પ્રેમ, દર્દ, સેપરેશન, ખુદા, મહેબૂબ પર રચના થતી. જ્યારે હવે ટેકનોલોજી, ઈન્ટરનેટ પર રચનાઓ થવા લાગી છે. હવે તો શાયરી, કવિતામાં ઈંગ્લીશ વર્ડ્ઝ પણ યુઝ થવા લાગ્યા છે. પહેલાંના સમયમાં લેટર નો ઈંતઝાર કરાતો એટલે તેની પર લખાતું તો હવે ફોન પર મેસેજની રાહ જોવાય છે તો તેની પર લખાય છે.
उस के साथ बिताए हसीं लम्हों को फिर जीने के लिए
आज औक़ात खयालों में हम ने टाइम ट्रैवेल किया
અત્યારના દૌરમાં પણ ટ્રેડિશનલ શાયરીનું ચલણ વધારે છે. અત્યારની ઘણી શાયરાઓ ખુલીને સામે આવી છે તેઓ મહિલાઓ પર અત્યાચાર, ડોમેસ્ટિક વાયોલન્સ, ભેદભાવ જેવા વિષયો પર શાયરી કરી રહી છે.

ખુદા અને મહેબૂબ પર રચના આજે પણ થાય છે: જય કાંટાવાલા
શહેરના યંગ કવિ એવા જય કાંટાવાલા કહે છે કે પહેલાના દૌરમાં ખુદા અને મહેબૂબ પર ગઝલ, કવિતા લખાતી અને આજે પણ લખાય છે. તેનું કારણ એ છે કે ખુદા શાશ્વત છે, પ્રેમ શાશ્વત છે એટલે તેના પર દરેક કવિઓ રચના કરવાના જ છે. ગઝલ એટલે પ્રિયતમા સાથેની વાતચીત. જોકે, હવે તો ગઝલનું ફલક વિસ્તૃત બન્યું છે હવે અલગ-અલગ વિષય પર ગઝલ લખાય છે. તેમની રચના છે..
એકબીજાને યદિ સમજી ગયા
સમજી લો કે જિંદગી સમજી ગયા

Most Popular

To Top