Charchapatra

ગામડાઓની દુર્દશા”

ભારતના ગામડાઓ, જે દેશનું હૃદય ગણાય છે, તે આજે પણ દુર્દશાનાં દોષમાં ડૂબેલા છે. આધુનિકતાના ઝળહળાટ વચ્ચે ગામડાંઓની વાસ્તવિકતા હૃદયને ચીરી નાખે છે. ખેતરોમાં ખેડૂતોનું પરસેવથી ભીંજાયેલું શરીર પરંતુ આબોહવા પરિવર્તનની મારથી પાક નિષ્ફળ જાય છે. સરકારી યોજનાઓના નામે થોડી રાહત મળે છે, પરંતુ સાહુકારોના દેવાનો બોજ હજુ ખેડૂતોની કમર તોડે છે. શિક્ષણનો દીવો ગામોમાં પ્રગટ્યો ખરો પરંતુ શાળાઓમાં શિક્ષકોની અછત અને ગુણવત્તાનો અભાવ બાળકોના સપનાંઓને અધવચ્ચે અટકાવે છે.

ગામની ગલીઓમાં વીજળીના થાંભલા ઊભા છે પણ ઘણીવાર અંધારું જ રાજ કરે છે. પાણીની સમસ્યા તો એવી છે કે માતા-બહેનો માઇલો ચાલીને હજુ પણ ઘડા ભરે છે. આરોગ્ય સેવાઓની હાલત એવી છે કે નાની બીમારી પણ જીવલેણ બની જાય છે, કારણ કે હોસ્પિટલો દૂર છે અને ડોક્ટરોની અછત સતાવે છે. ગામડાંઓની આ દશા જોઈને હૃદય રડી ઊઠે છે. શું આ ગામડાંઓ, જે દેશની ધરોહર છે, હંમેશા ઉપેક્ષાનો શિકાર રહેશે? આજે જરૂર છે સરકાર, સમાજ અને આપણે સૌના સહયોગની, જેથી ગામડાંઓનું ખોવાયેલું ગૌરવ પાછું આવે અને દરેક ગામ ખરા અર્થમાં ‘સ્માર્ટ’ બને.
પુના ગામ, સુરત – સંજય સોલંકી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top