વડોદરા: વડોદરાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ માટે નીકળ્યા હતા. ત્યારે એક રાતનો વિસામો તેમણે આ મંદિરમાં કર્યો હતો. જેથી આ મંદિરને રામનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મંદિર પરીસરમાં વર્ષો જૂના શિવલિંગ અને મૂર્તિઓ જોવા મળશે. ત્યારે આ મંદિરની પાછળના ભાગમાં રામનાથ તળાવ આવેલું છે. આ તળાવે દર વર્ષે અહીં દિપોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જેમાં 1008 દિવડાઓ પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે પણ દિપોત્સવનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે તળાવની દુર્દશાની વાત કરીએ તો, ચારોતરફ આ તળાવમાં હાલ મોટા-મોટા ઘાસ ઉગી ગયેલા જોવા મળી રહ્યા છે.
વર્ષો પહેલા આ તળાવમાં લોકો પોતાના અલગ-અલગ ગ્રહોની વિધી કરાવવા માટે આવતા હતા. તળાવની એકદમ સામેની બાજુ એક રામનાથ સ્મશાન પણ આવેલું છે. વર્ષો પહેલા મહત્વ ધરાવતા આ તળાવે કોર્પોરેશનની બેદરકારીને કારણે પોતાનું સૌંદર્ય ખોઈ દીધું હોય તેમ દેખાઈ રહ્યું છે. આ અંગે વિસ્તારના સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવે છે કે, આ તળાવ કોઈ સાધારણ તળાવ નથી. આ તળાવ પ્રભુ શ્રીરામજીની આસ્થા સાથે જોડાયેલો છે. પ્રભુ શ્રી રામ જ્યારે વનવાસ સમયે અહીંયાથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે પ્રભુએ અહીંયા વિસામો લીધો હતો. તે સમયે અહીંયા પાણીની સમસ્યા હતી. તે સમયે પ્રભુ શ્રી રામ દ્વારા આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અયોધ્યા પ્રભુ શ્રી રામની જન્મભૂમિ છે. પરંતું વડોદરા પ્રભુ શ્રી રામની કર્મભૂમિ છે.