Vadodara

સયાજી હોસ્પિટલનો પ્લાસ્ટિક સર્જરી વિભાગ દેશમાં જૂનામાં જૂનો

વડોદરા: આમ તો માનવ શરીરની રચના એ ભગવાન નો વિષય છે પરંતુ ધરતી પર દેવદૂત જેવા તબીબો જેમને પ્લાસ્ટિક સર્જન તરીકે ઓળખવામાં આવે છે તેઓ પણ વિવિધ કારણોસર થયેલી અંગ વિકૃતીઓનું નિવારણ પ્લાસ્ટિક સર્જરી દ્વારા કરીને શરીર ની સુંદરતા પુનર્સ્થાપિત કરવાની સાથે આવા દર્દીઓને અંગ ની કુરૂપતા ને લીધે અનુભવવી પડતી હતાશાનું પણ નિવારણ કરે છે. ગુરુવાર( તા.15 મી જુલાઇ) ના રોજ વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસની ઉજવણી થાય છે ત્યારે વડોદરા માટે ગૌરવ લેવા જેવી વાત એ છે કે સયાજી હોસ્પિટલ નો પ્લાસ્ટિક સર્જરી વિભાગ દેશના મોટા સરકારી દવાખાનાઓમાં સહુ થી જૂના વિભાગોમાં એક છે.

એટલે કે સયાજી નો આ વિભાગ દેશમાં સરકારી વ્યવસ્થા હેઠળ પ્લાસ્ટિક સર્જરી ની સુવિધા સુલભ બનાવનારા સહુ થી પહેલા વિભાગોમાં એક છે. ભારતના મહર્ષિ સુશ્રુતે શરીર ના ટિસ્યુઓ ને નવેસર થી આકાર આપવાની આ ચમત્કારિક તબીબી વિદ્યા ની જગત ને ભેટ આપી એ પણ ગૌરવ લેવા જેવી બાબત છે. પ્લાસ્ટિક સર્જરી વિભાગ 24 કલાક અને સાતેય દિવસ કાર્યરત રહે છે અને કોરોના ની કટોકટી દરમિયાન પણ સયાજી હોસ્પીટલ ના આ વિભાગમાં આયોજિત અને ઇમરજન્સી પ્લાસ્ટિક સર્જરી સતત કરવામાં આવી છે તેવી જાણકારી આપતાં આ વિભાગના વડા ડો.શૈલેષ સોની જણાવે છે કે પ્લાસ્ટિક સર્જરી ખાનગી દવાખાનાઓમાં ખૂબ મોંઘી અને સંપન્ન વર્ગો ને જ પોસાય તેવી હોય છે ત્યારે અમારો વિભાગ વિનામૂલ્યે નિદાન અને સારવાર દ્વારા તેને સર્વ સુલભ બનાવે છે.

કોરોના માં પણ અમારા વિભાગે જોખમ વહોરીને આ સર્જરીઓ સતત કરી છે અને નોન કોવિડ પ્લાસ્ટિક સર્જરી ની જરૂરવાળા દર્દીઓને જરૂરી સેવાઓ આપી છે. અમારો વિભાગ મુખ્યત્વે ટ્રોમા સાથે સંકળાયેલો છે એટલે કે આગ થી દાઝવા,પ્રાણીઓ ના કરડવા કે વિવિધ પ્રકારના અકસ્માતો થી થયેલી અંગ ઈજાઓ અને વિકૃતિઓ ને સુધારી ને માનવ શરીરને શક્ય તેટલો મૂળ દેખાવ ફરી થી પ્રસ્થાપિત કરવાનું કામ કરે છે એવી લાગણી વ્યક્ત કરતાં ડો.સોનીએ જણાવ્યું કે છેલ્લા બે થી ત્રણ વર્ષ થી અમારો વિભાગ સરેરાશ માસિક 60 થી 70 જેટલી પ્લાસ્ટિક સર્જરી કરે છે અને છેલ્લા વર્ષમાં 730 જેટલી નાની મોટી પ્લાસ્ટિક સર્જરી આ વિભાગમાં કરવામાં આવી છે.

અમે ઓપિડીમાં સરેરાશ દૈનિક 70 થી 80 જેટલા દર્દીઓ નું પરીક્ષણ કરીએ છે. આ વિભાગની સેવાઓ નો લાભ મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા અન્ય રાજ્યો ના લોકો ખૂબ મોટા પ્રમાણમાં લે છે.કુલ દર્દીઓના લગભગ 30 થી 40 ટકા દર્દીઓ બહાર થી આવે છે.આમ, સયાજી હોસ્પિટલના આ વિભાગે અનોખી વિશ્વસનીયતા ઊભી કરી છે. ડો.સોનીએ જણાવ્યું કે,આ વિભાગમાં પ્રશિક્ષિત અને તાલીમબદ્ધ થયેલા તબીબો આજે દેશના મોટા શહેરોમાં નામાંકીત પ્લાસ્ટિક સર્જન તરીકે કાર્યરત છે. તેમણે જણાવ્યું કે શરીર ના અંગો ની વિવિધ કારણો થી થયેલી વિકૃતિ ના નિવારણ અને અંગો અને અવયવો ના પુનર્સ્થાપન માં પ્લાસ્ટિક સર્જરી ની ભૂમિકા,આ વિદ્યા શું કરી શકે તેની જાણકારી સમાજમાં ખૂબ ઓછી છે.વિશ્વ પ્લાસ્ટિક સર્જરી દિવસની ઉજવણી તેને અનુલક્ષી ને સમાજમાં તેની જાણકારી વધે તેવી પ્રવૃત્તિઓ દ્વારા કરવામાં આવે છે.

સયાજી હોસ્પિટલ ના આ વિભાગમાં કોસ્મેટિક એટલે કે શારીરિક સૌંદર્ય ને ઓપ આપતી હેર ટ્રાન્સપ્લાન્ટ,ચરબી ના નિવારણ દ્વારા મોટાપો ઘટાડતી લાઇપો સક્શન, બ્રેસ્ટ સર્જરી ઇત્યાદિ કરવામાં આવે છે. આ વિભાગ કેન્સરની શસ્ત્રક્રિયા થી વિકૃત થયેલા અંગોને સુધારવાની, ન્યૂરો સર્જન સાથે મળીને જરૂરી હોય તેવી, કોંજેનીટલ વિકૃતિ નીવારતી ફાટેલા હોઠ અને તાળવા સુધારવાની,ગાયનેક વિભાગ સાથે મળીને નાની બાળકીઓના અવિકસિત જનનાંગો ને સ્થાપિત કરવાની વજાઈનો પ્લાસ્ટી ની,ઓર્થોપેડીક વિભાગ સાથે મળીને અંગભંગ ની સુધારણા ની,પ્રાણીઓના કરડવા થી નાક જેવા ખવાયેલા અંગો સુધારવાની,બળેલી ચામડીની જગ્યા એ શરીરના અન્ય ભાગોમાં થી લઈને નવી ચામડી બેસાડવા ની,આંખની પાંપણ અને ગાલના ખંજન – ડિમ્પલ ની સુધારણા ની ચમત્કારિક અને આશીર્વાદ સમાન સર્જરીઓ કરે છે.

જેમને વારંવાર ડાયાલિસિસ કરાવવું પડે છે એવા દર્દીઓ ને પણ પ્લાસ્ટિક સર્જરી મદદરૂપ બને છે.રક્તપિત્ત મટી જવા છતાં તેને લીધે થયેલી અંગ વિકૃતિ ની સુધારણા ની 3 થી 4 સર્જરી દર મહિને સયાજી હોસ્પીટલમાં થાય છે. લગભગ બે દાયકા અગાઉ રક્તપિત્ત મૂકતો ના કાયાકલ્પ અભિયાન હેઠળ સયાજી હોસ્પીટલમાં ખૂબ મોટાપાયે અને સતત બે કે ત્રણ વર્ષ સુધી રક્તપિત્ત મુક્તોના અંગ સુધારવાની શસ્ત્રક્રિયાઓ કરવામાં આવી હતી જેમાં દેશભરમાંથી નિષ્ણાત પ્લાસ્ટિક સર્જનો એ સહયોગ આપ્યો હતો. ડો.શૈલેષ સોની એ અમદાવાદ માં પ્લાસ્ટિક સર્જરી નું તબીબી શિક્ષણ લીધું છે.

·          

Most Popular

To Top