વોશિંગ્ટન: મધ્ય અમેરિકાનાં કોસ્ટા રિકા(Costa Rica) દેશમાં ગુરુવારે એક ભયાનક વિમાન(plane) અકસ્માત થયો હતો. અહીં ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક માલવાહક વિમાન બે ટુકડામાં વહેંચાઈ ગયું. આ દુર્ઘટના જુઆન સાંતામારિયા ઇન્ટરનેશનલ એરપોર્ટ(Juan Santamaria international airport)ની હોવાનું જાણવા મળી રહ્યું છે. વિમાનના અકસ્માત(Accident)ની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અકસ્માત બાદ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું હતું અને તે સવારે 6 વાગ્યા સુધી બંધ રહ્યું હતું.
- મધ્ય અમેરિકાનાં કોસ્ટા રિકામાં અકસ્માત
- ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પ્લેનના 2 ટુકડા થઈ ગયા
- પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
મળતી માહિતી મુજબ, જર્મન કંપની DHLના કાર્ગો પ્લેનમાં કોઈ યાંત્રિક સમસ્યા હતી, જેના પછી તેણે જુઆન સાંતામારિયા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. જે દરમિયાન તેના બે ટુકડા થઈ ગયા હતા.યાત્રીઓ કાર્ગો પ્લેનમાં મુસાફરી કરતા નથી, પરંતુ સામાન અહીંથી ત્યાં લઈ જવામાં આવે છે.
મોટા અકસ્માત બાદ પણ કોઈ જાનહાની નહિ
રાહતની વાત એ છે કે દુર્ઘટના સમયે કાર્ગો પ્લેનમાં માત્ર 2 ક્રૂ મેમ્બર હાજર હતા. જેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તેમની હાલત સારી હોવાનું કહેવાય છે. કોસ્ટા રિકાના અગ્નિશમન દળના વડા હેક્ટર ચાવેસે આ માહિતી આપી હતી. એવું કહેવાય છે કે ક્રૂએ દેખીતી રીતે હાઇડ્રોલિક સમસ્યા અંગે સ્થાનિક અધિકારીઓને ચેતવણી આપી હતી.
અકસ્માત બાદ એરપોર્ટ બંધ કરી દેવાયું
જ્યારે જર્મન કંપની DHLનું આ પીળા રંગનું પ્લેન જમીન પર આવ્યું ત્યારે તેમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે રનવે પરથી લપસી ગયું હતું અને પછી એરક્રાફ્ટના પાછલા પૈડા પાસે બે ટુકડા થઈ ગયા હતા. આ અકસ્માત ગુરુવારે સવારે 10.30 વાગ્યે થયો હતો, જ્યારે બોઇંગ-757 પ્લેન સાન્ટા મારિયા એરપોર્ટથી ઉડાન ભરી હતી. પરંતુ પછી તે 25 મિનિટ પછી જ પાછો આવ્યો કારણ કે તેમાં કોઈ ખામી હતી. જેના કારણે તેણે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. અકસ્માત બાદ સાંજે 6 વાગ્યા સુધી એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું.