SURAT

એવું શું થયું કે વિમાન બે કલાક સુધી સુરતના આકાશમાં ગોળ ફરતું રહ્યું!!

સુરત (Surat): સુરત શહેરના આકાશમાં આજે શુક્રવારે સવારે એક વિમાન સતત ગોળ ગોળ ચક્કર મારી રહ્યું હતું, તે જોઈને લોકો અચરજમાં મુકાયા હતા. સવારે સાડા આઠ વાગ્યાથી વિમાન સુરતના આકાશમાં રાઉન્ડ મારી રહ્યું હતું. વિમાને લગભગ 15 રાઉન્ડ માર્યા હતા અને તે સવારે 10.30 કલાકે સુરત એરપોર્ટ પર ઉતર્યું હતું.

આ વિમાન ગાઢ ધુમ્મસના લીધે અટવાયું હોવાની માહિતી સાંપડી છે. શહેરમાં તાપમાનનો પારો વધતા ઠંડી ઘટી છે પરંતુ તે સાથે જ સવારે 10 વાગ્યા સુધી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે ગાઢ ધુમ્મસના (Fog) લીધે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ હતી, જેના લીધે સુરત એરપોર્ટ (Surat Airport) પર શિડ્યુલ થયેલી અનેક ફ્લાઈટ અટવાઈ હતી. હૈદરાબાદથી સુરત આવેલી ફ્લાઈટ ગાઢ ધુમ્મસના લીધે આકાશમાં ગોળ ગોળ ફરતી જોવા મળી હતી. ધુમ્મસના લીધે રન વે જોઈ શકાતો નહીં હોય પાયલટે 15 રાઉન્ડ આકાશમાં મારવા પડ્યા હતા. બે કલાક બાદ હૈદરાબાદની ફ્લાઈટ (Hyderabad Flight) સુરત એરપોર્ટ પર લેન્ડ કરાવી શકાય હતી. દરમિયાન બે ફ્લાઈટને વડોદરા ડાયવર્ટ કરવી પડી હોવાની પણ વિગતો સાંપડી છે. દિલ્હી સુરતની ઈન્ડિગોની (Indigo) ફ્લાઈટ તેમજ એક ચાર્ટર્ડ પ્લેનને વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરાયું હતું.

હૈદરાબાદ-સુરતની ઈન્ડિગો ફ્લાઈટ સવારે 8.30 કલાકે સુરત એરપોર્ટ પર લેન્ડ કરવા માટે આવી પહોંચી હતી, ફ્લાઈટ 8.30 કલાકના નિયત સમયે સુરત એરપોર્ટના રડારમાં આવી ગઈ હતી પરંતુ પાયલટને (Pilot) સિગ્નલ મળી રહ્યાં નહીં હોય ફ્લાઈટ લેન્ડ કરાવી શકાય નહોતી. તેથી પાયલટ આકાશમાં ફ્લાઈટને ગોળ ગોળ ફેરવતો રહ્યો હતો. અંદાજે 15 જેટલાં રાઉન્ડ લગાવ્યા બાદ સવારે 10.30 કલાકે ફ્લાઈટ સુરત એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ કરાવાઈ હતી. બે કલાક સુધી પેસેન્જરોના જીવ અદ્ધર રહ્યાં હતાં.

સુરતમાં વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું
સુરત શહેર જિલ્લા ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં આજે શુક્રવારે ઠંડીના પ્રમાણમાં નજીવો ઘટાડો થયો છે. તેમ છતાં વહેલી સવારે શહેરી વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાતા હિલ સ્ટેશન જેવો માહોલ છવાયો હતો. સુરતમાં આજે શુક્રવારે સવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું છે. સુરત હવામાન વિભાગે જણાવ્યા મુજબ આજે વહેલી સવારે 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે ગઈકાલે ગુરુવારે 13.8 ડિગ્રી હતું. ગઈકાલ કરતા આજે તાપમાનમાં આંશિક વધારો થયો છે અને છેલ્લાં 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી જળવાયેલું છે. સુરત ઉપરાંત તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં જોરદાર ઠંડીની અસર યથાવત રહેવા પામી છે. જ્યારે સુરતમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાતા જોરદાર ઠંડીમાં લોકોને હંગામી રાહત થવા પામી છે. પરંતુ બે દિવસ બાદ પવનની દિશાના કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થવાની શક્યતા છે.

Most Popular

To Top