Editorial

નેચરલ ગેસમાં બાયોગેસ ઉમેરવાની યોજના સરાહનીય છે

સરકારે હાલ કેટલક સમય પહેલા જાહેરાત કરી હતી કે વિદેશોથી આયાત કરાતા ગેસ પરની નિર્ભરતા ઘટાડવા માટે નેચરલ ગેસમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ ભેળવવાનું ફરજિયાત બનાવાયું છે, જે કમ્પ્રેસ્ડ બાયોગેસ મ્યુનિસિપલ કચરા અને ખેતીના કચરામાંથી મળે છે. વાહનોમાં વપરાતા ગેસ અને ઘરોમાં વપરાતા રાંધણગેસમાં શરૂઆતમાં એક ટકા બાયોગેસ ભેળવવામાં આવશે, જેનો અમલ એપ્રિલ ૨૦૨૫થી શરૂ થશે એમ સરકારી નિવેદનમાં જણાવાયું છે. ૨૦૨૮ના વર્ષ સુધીમાં આ ભાગ વધારીને પ ટકાની આસપાસ કરી દેવામાં આવશે.

સરકાર ૨૦૨૭ સુધીમાં વિમાનના ઇંધણ એટીએફમાં ૧ ટકા સસ્ટેઇનેબલ એવિએશન ફ્યુઅલ(એસએએફ) ઉમરેવાની પણ યોજના બનાવે છે. એસએએફ શરૂઆતમાં તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોમાં લાગુ પડાશે. આ ૨૦૭૦ના વર્ષ સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેના લક્ષ્ય મુજબનું છે. આ શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય વૈશ્વિક વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે ખૂબ જરૂરી છે અને તે માટેના જેમ બને તેમ વધુ પ્રયાસો કરવા જોઇએ અને આ માટેના કોઇ પણ પ્રયાસો સરાહનીય છે.

બાયોગેસ ફરજિયાત રીતે નેચરલ ગેસમાં ભેળવવાની જોગવાઇ દેશમાં કમ્પ્રેસ્ડ બાયોગેસના વપરાશને વેગ આપશે એમ નિવેદનમાં જણાવાયું છે. આ ગેસ ભેળવવવાનું ફરજિયાત બનાવવાથી રૂ. ૩૭પ૦૦ કરોડ જેટલા રોકાણને પ્રોત્સાહન મળશે અને ૨૦૨૮-૨૯ સુધીમાં ૭પ૦ સીબીજી પ્રોજેક્ટોની સ્થાપના થઇ શકશે. કમ્પ્રેસ્ડ બાયો ગેસ(સીબીજી) નાણાકીય ૨૦૨૪-૨૫માં ભેળવવાનું મરજિયાત રહેશે અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬થી તેને ફરજિયાત બનાવાશે. આ ગેસ ફરજિયાત રીતે ભેળવવાનું ક્રમશ: વધારતા જવામાં આવશે અને ૨૦૨૮ સુધીમાં તે પ ટકા જેટલું કરી દેવાનું આયોજન છે.

આ પ્રક્રિયા પર એક સેન્ટ્રલ રિપોઝિટરી બોડી(સીઆરબી) નજર રાખશે અને ઓપરેશનલ ગાઇડલાઇનો મુજબ ગેસ ભેળવવાનું ફરજિયાત બનાવવાનું અમલમાં મૂકશે. સરકારની આ જાહેરાત સારી છે. બાયોગેસ જો ઇંધણ તરીકે વપરાતા નેશનલ ગેસમાં ભેળવવાનું ફરજિયાત બનાવવામાં આવે તો તેનાથી નકામા કચરામાંથી બાયોગેસ પેદા કરવાના પ્લાન્ટ્સ પણ વધશે, અને તેનાથી રોજગારીની તકો ઉભી થશે, આયાતી ઇંધણના પ્રમાણમાં થોડોક તો ઘટાડો કરી શકાશે અને અશ્મિજન્ય ઇંધણોના કારણે થતા વાયુના પ્રદૂષણના પ્રમાણમાં પણ ધીમે ધીમે ઘટાડો કરી શકાશે. જો કે ફક્ત બાયોગેસ નેચરલ ગેસમાં ઉમેરવાથી જ આ વાયુ પ્રદૂષણ ઘટાડી શકાય નહીં, તે માટે બીજા પણ અનેક પગલાઓ ભરવા પડશે.

અત્યારે દુનિયામાં પ્રદૂષણ, અને ખાસ કરીને વાયુનું પ્રદૂષણ એ એક ઘણી જ મોટી સમસ્યા છે. વાતાવરણમાં કાર્બનના વધુ પડતા ઉત્સર્જનને કારણે આપણી પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે જેને ગ્લોબલ વૉર્મિંગ કહેવામાં આવે છે.આ ગ્લોબલ વૉર્મિંગ અનેક સમસ્યાઓ સર્જી રહ્યું છે. વિશ્વભરના અનેક દેશો અત્યારે જે સખત ગરમી, ભારે વરસાદ અને પૂર, કસમયની અને વધારે પડતી ઠંડી જેવી જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેનું એક અગત્યનું કારણ આ ગ્લોબલ વૉર્મિંગ છે. આ ગ્લોબલ વૉર્મિંગને કારણે દુનિયાભરના પર્વતો પરનો અને બંને ધ્રુવો પરનો બરફ પીગળી રહ્યો છે.

આ બરફ પીગળવાને કારણે દુનિયામાં સમુદ્રોની જળસપાટી વધી રહી છે અને તે ખૂબ વધી જાય તો દરિયાકાંઠાના અનેક શહેરો, નગરો અને ગામડાઓ ડૂબમાં જવાનો ભય છે જે ભારે હાહાકાર મચાવનારી બાબત બની શકે છે. આ ગ્લોબલ વૉર્મિંગને અટકાવવું ખૂબ જરૂરી છે અને તે માટે વિશ્વના દેશો અનેક ચર્ચાઓ કરી રહ્યા છે અને લક્ષ્યો નકકી કરી રહ્યા છે પરંતુ તે દિશામાં નક્કર કામ થઇ રહ્યું નથી અને લક્ષ્યો માત્ર નક્કી થાય છે પણ તે પુરા થઇ રહ્યા નથી.આવા સંજોગોમાં ભારત સરકારે આ જે વિવિધ વપરાશ માટેના નેચરલ ગેસમાં બાયોગેસ ઉમેરવાની યોજના અને વિમાનના ઇંધણ એવા એટીએફમાં ૧ ટકા એસએએફ ઉમેરવાની જાહેરાત કરી છે તે વખાણવાલાયક છે.

આ પ્રમાણ શરૂઆતમાં એક ટકા રાખવામાં આવશે અને બાદમાં ક્રમશ: વધારતા જવામાં આવશે. જો કે હાલના સંજોગો પ્રમાણે આ પ્રમાણ અમુક હદ સુધી જ વધારી શકાશે. અશ્મિજન્ય ઇંધણો એટલે કે પેટ્રોલ, ડીઝલ, નેચરલ ગેસ વગેરેનો જથ્થો અખૂટ નથી તે આપણે જાણીએ છીએ. જો કે આ ઇંધણોનો જથ્થો હજી પણ વિપુલ પ્રમાણમાં પૃથ્વીના પેટાળમાં ધરબાયેલો છે. પરંતુ આ જથ્થો ખૂટે તે પહેલા જ તેનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરતા જવું, અને બની શકે તો સદંતર બંધ કરી દેવો પડે એવી નોબત આ ઇંધણોને કારણે થતા પ્રદૂષણને લીધે આવી ગઇ છેે.

અને આ અશ્મિજન્ય ઇંધણોનો વપરાશ ઘટાડવાની દિશામાં અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, આ ઇંધણના અનેક વિકલ્પો શોધવામાં આવી રહ્યા છે, તેમાં કેટલીક સફળતા મળી પણ છે અને હજી મળવાની આશા છે. આ અશ્મિજન્ય ઇંધણોના વપરાશને ઘટાડવા માટેના પ્રયાસોમાંના એક પ્રયાસ તરીકે નેચરલ ગેસમાં બાયોગેસ આંશિક રીતે ઉમેરવાની યોજના છે અને તે આવકાર્ય છે.

Most Popular

To Top