ખાનસર (ફૈઝલ ખાન) પટણાના એક એવાં શિક્ષક છે જેઓ પોતાની ભણાવવાની સાદી અને સહજ પરંતુ આગવી પદ્ધતિથી શિક્ષણજગતમાં જ નહીં પણ સોશ્યલ મીડિયામાં પણ ખૂબ જાણીતા થયાં છે. ખાન સરની શિક્ષણ શૈલી એટલી સરળ અને રસપ્રદ છે કે જટિલ વિષયો પણ સરળ લાગે. તેઓ UPSC, BPSC, SSC, રેલવે, NDA,JEE, NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વિદ્યાર્થીઓને મદદ કરે છે. તેમની ખાસિયત એ છે કે તેઓ શિક્ષણને સસ્તું અને સૌ માટે સુલભ બનાવે છે, જેમ કે માત્ર 200 રૂપિયામાં 6 મહિનાના કોર્સ કરાવે છે.
ખાનસરની ઇન્સ્ટિટ્યૂટ કોઈપણ વિદ્યાર્થી નબળી આર્થિક સ્થિતિને કારણે ભણવાનું છોડી ના દે એ માટે પૂરતી કાળજી રાખી આવા શિક્ષણઇચ્છુક વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપે છે. પોતાના ડૉક્ટર બનતાં વિદ્યાર્થીઓ પોતાના દસ ટકા દર્દીઓની સારવાર નિઃશુલ્ક અથવા દર્દીની આર્થિક સ્થિતિ મુજબ દર્દી જે આપે તે રકમથી કરે એને જ ખાનસર સાચી ગુરુદક્ષિણા માને છે. યુટ્યુબ પર કોઇપણ વિષયના અટપટા એકમને ખૂબ જ સરળતાથી ચોટડૂક રીતે વિદ્યાર્થીને સમજાવી દેતાં ખાનસર એમનાં વર્તન અને વ્યવહાર દ્વારા આપણને સૌને આદર્શ નાગરિકત્વના પાઠ ભણાવી દે છે.
જહાંગીરાબાદ, સુરત -પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
જીવનું જોખમ
ગુજરાતમિત્ર તા. ૭-૭-૨૫ના રોજ કબૂતરને ચણ ખવડાવવા પર પ્રતિબંધ એક મહત્ત્વનું પગલું’ ભાઈશ્રી આશિષ ટેલરનું ચર્ચાપત્ર માનવ તંદુરસ્તીના હિતમાં વાંચ્યુ.સુરત બાકાત નથી. અડાજણ ગંગેશ્વર રોડ પર વાણિયાવાળા કોર્પોરેટરના બંગલાની દક્ષિણે મોટું સર્કલ છે. તેની સામે એક સ્ટેચ્યુ (અનામી) જેમાં બે પગની વચ્ચે રાષ્ટ્રધ્વજ રોપ્યો છે. આજુબાજુ અગણિત સંખ્યામાં દરરોજ કબૂતરોના કાફલા આવે, સહેજ અવાજ થતાં ઝૂંડમાં ઊડી આજુબાજુના ફ્લેટની છત પર બેસે. કપડાં સૂકવેલ હોય તેના પર ચરકે, ઘરમાં પીછાં પણ આવે. ચેલ્લા પાંચેક વર્ષોથી આ વિસ્તારના લોકો ત્રાસી ગયા છે. સત્વરે પોલીસ કમિશ્નર સાહેબ અને કોર્પોરેશન આ ન્યુસન્સ બંધ કરાવે. નિર્દોષ આજુબાજુ વસતા રહેણાંકના કુટુંબો બચાવે. જીવનું જોખમ દરરોજ સામે દેખાય.
સુરત – એ. આર. દેસાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે