Comments

માનવીય ક્રૂરતાની પરાકાષ્ઠા: નેતન્યાહુ, ટ્રમ્પ અને ખામેનીના અહંકારનો ભોગ બનતું વિશ્વ

મહાન સમાજશાસ્ત્રી આન્દ્રે બેતેઇલ, જેમનું તાજેતરમાં નિધન થયું છે, તેમણે એક વાર મને પત્રમાં લખ્યું હતું: ‘‘તમારે માનવીય બાબતોના વ્યવહારમાં ‘બુરાઈ’ અથવા ‘દુષ્ટતા’ના સ્થાન વિશે થોડું વધુ ચિંતન કરવું જોઈએ.’’તેમને લાગતું હતું કે હું ગાંધી જેવા સદ્ભાવના ધરાવતા રાજકારણીઓ વિશે લખવા પર વધુ ધ્યાન આપું છું. પરંતુ ઇતિહાસ જેટલો સજ્જન માણસો દ્વારા રચાયો અને ભૂંસાયો છે, તેટલો જ અને ઘણી વાર તેનાથી પણ વધુ દુષ્ટ ઈરાદા ધરાવતાં લોકો દ્વારા પણ ઘડાયો છે. જ્યારે પશ્ચિમ એશિયામાં વર્તમાન સંઘર્ષ ફાટી નીકળ્યો ત્યારે મને પ્રોફેસર બેતેઈલની એ ચેતવણી યાદ આવી.

આ સંઘર્ષ એક તરફ યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયેલ અને બીજી તરફ ઈરાનને સામસામે રાખે છે, પરંતુ આ યુદ્ધ જે રીતે આગળ વધ્યું છે તેમાં આ દેશોનું નેતૃત્વ કરનારા (અથવા હજી પણ કરી રહેલા) ત્રણ માણસોનાં વ્યક્તિત્વ અત્યંત નિર્ણાયક છે. ચાલો, આપણે એ નેતાથી શરૂઆત કરીએ, જે હવે જીવિત નથી, સ્વર્ગસ્થ અલી ખામેની. બોમ્બ પડવા લાગ્યા ત્યારે છુપાઈ જવાનો ઇનકાર કરીને સ્વેચ્છાએ મૃત્યુને ભેટવામાં ખામેનીએ નિઃશંકપણે બહાદુરી બતાવી હતી. તેમના અંતિમ દિવસોમાં તેમણે જે હિંમત બતાવી – તેમના મૃત્યુની રીત આપણને તેમના જીવનની રીત અને સૌથી ઉપર, તેઓ જ્યારે જીવતા હતા ત્યારે ઈરાનમાં તેમણે સત્તાનો ઉપયોગ કેવી રીતે કર્યો તે ભૂલવા માટે મજબૂર ન કરવી જોઈએ.

ઈરાનના સર્વોચ્ચ નેતા તરીકે ખામેની પાસે ત્રણ વિકલ્પો હતા. પ્રથમ એ હતો કે, રાજકીય પ્રક્રિયામાંથી પાદરીઓને ધીમે ધીમે પાછા ખેંચીને અને મુક્ત સમાજને પ્રોત્સાહન આપીને તેમનાં લોકોની લોકશાહી આકાંક્ષાઓને પ્રતિસાદ આપવો. આ માર્ગમાં ઈરાની મહિલાઓ પર લાદવામાં આવેલા દમનકારી ડ્રેસ કોડને દૂર કરીને લિંગ સમાનતા પર ભાર મૂકવો જોઈતો હતો, જેથી તેઓ દેશના આર્થિક, સામાજિક અને રાજકીય જીવનમાં સંપૂર્ણ ભાગ ભજવી શકે.

આર્થિક વૃદ્ધિ સાથે લોકશાહી એ પ્રથમ માર્ગ હતો જે સ્વર્ગસ્થ અલી ખામેની તેમના સત્તાના લાંબા વર્ષોમાં અપનાવી શક્યા હોત. લોકશાહી વિના આર્થિક વૃદ્ધિ (સિંગાપોર મોડેલ પર) એ તેમની પાસે ઉપલબ્ધ બીજો માર્ગ હતો. તેના બદલે, તેમના નેતૃત્વ હેઠળના ઈરાની શાસને ત્રીજો માર્ગ પસંદ કર્યો – દેશમાં વધતું દમન અને વિદેશમાં અવિચારી વિસ્તરણવાદ. લેબનોન અને યમનમાં સશસ્ત્ર જૂથોની તેની સ્પોન્સરશિપ અને સીરિયામાં બશર અલ-અસદના ક્રૂર શાસનને લશ્કરી સમર્થને તે દેશોને તોડી પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ખામેની હેઠળના ઈરાને અહંકારપૂર્વક પોતાને ઇસ્લામિક વિશ્વના નેતા તરીકે સ્થાપિત કર્યું, જેણે યહૂદી રાજ્ય ઇઝરાયેલ પ્રત્યે ખાસ દુશ્મનાવટ દર્શાવી, જેના પર તેણે તેના પ્રોક્સી હિઝબુલ્લાહ દ્વારા નિયમિતપણે હુમલા કર્યા છે. હવે ઇઝરાયેલ પર આવીએ, જેના લાંબા સમયના નેતા બેન્જામિન નેતન્યાહુ ખામેની જેટલા જ કટ્ટર વિચારધારા ધરાવે છે અને કદાચ તેનાથી પણ વધુ ઠંડા કલેજાના છે. નેતન્યાહુનો કટ્ટરપંથી ઝિઓનિઝમ તેમના પારિવારિક પૃષ્ઠભૂમિમાંથી આવે છે – તેમના પિતા પ્રખ્યાત જમણેરી યહૂદી ઇતિહાસકાર હતા અને તેમના ભાઈ એક સૈન્ય અધિકારી હતા, જેમનું ૧૯૭૯માં એન્ટેબે એરપોર્ટ પર આતંકવાદીઓ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલીઓને બચાવવા જતાં મૃત્યુ થયું હતું.

વડા પ્રધાન તરીકેનાં તેમનાં ઘણાં વર્ષોમાં નેતન્યાહુએ વેસ્ટ બેંકમાં ગેરકાયદે વસાહતોના મોટા પાયે વિસ્તરણની દેખરેખ રાખીને પેલેસ્ટિનિયન રાજ્યના નિર્માણની કોઈ પણ શક્યતાને વ્યવસ્થિત રીતે નબળી પાડી છે. પેલેસ્ટિનિયન ઓથોરિટી પ્રત્યેની તેમની નફરત એટલી ઊંડી હતી કે એક તબક્કે તેમણે તેમને નબળા પાડવા માટે હમાસને પણ પ્રોત્સાહન આપ્યું હતું. ૭૫,૦૦૦થી વધુ નાગરિકોને મારી નાંખ્યાં અને દસ લાખથી વધુ લોકોને બેઘર કરી દીધાં. તેમનાં આ કાર્યો માટે નેતન્યાહુને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ દ્વારા યુદ્ધ ગુનેગાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને ખરેખર તેમને તે રીતે જ જોવામાં આવવા જોઈએ.

ખરેખર, નેતન્યાહુનો સતત યુદ્ધ પ્રત્યેનો પ્રેમ એ તેમની સામેના ભ્રષ્ટાચારના કેસોને ટાળવાનો એક પ્રયાસ હોઈ શકે છે. આથી જ ઈરાન સાથેના આ વર્તમાન સંઘર્ષને શરૂ કરવા અને ટકાવી રાખવાનો તેમનો આગ્રહ છે. ન્યાયથી બચવા અને સત્તામાં રહેવાના તેમના પ્રયાસોમાં નેતન્યાહુને યુનાઇટેડ સ્ટેટ્સના ક્રમિક પ્રમુખો અનિવાર્ય સાથી તરીકે મળ્યા છે, જેમણે તેમના ગુનાઓ અને તેમના ભ્રષ્ટાચાર તરફ આંખ આડા કાન કર્યા છે અને ખાસ કરીને સાર્વભૌમ પેલેસ્ટિનિયન રાજ્યની કોઈ પણ શક્યતાને ખતમ કરવા બાબતે સાથ આપ્યો છે.

તમામ રાજકીય નેતાઓ સત્તા મેળવવા અને ટકાવી રાખવાની ઇચ્છા રાખતા હોય છે; નહીંતર તેઓ રાજકારણમાં પ્રવેશ્યા જ ન હોત. જો કે, ખામેની અને નેતન્યાહુના કિસ્સામાં વિચારધારાએ પણ તેમના રાજકારણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી; પ્રથમ કિસ્સામાં ઇસ્લામિક ધર્મશાહીની વિચારધારા અને બીજા કિસ્સામાં ઝિઓનિસ્ટ ઈરેડેન્ટિઝમ (ભૂપ્રદેશ પુનઃપ્રાપ્તિ)ની. તો પછી આ સંઘર્ષના ત્રીજા મુખ્ય અભિનેતા ડોનાલ્ડ ટ્રમ્પનું શું? તેઓ પણ ચોક્કસપણે સત્તા દ્વારા સંચાલિત છે, પરંતુ તેમની પાસે કોઈ પ્રકારની સુસંગત વિચારધારા છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. ટ્રમ્પ પ્રેક્ટિસિંગ ખ્રિસ્તી હોવાનો દાવો કરે છે, છતાં તેમના અંગત જીવનમાં તેમણે દસ આજ્ઞાઓમાંની મોટા ભાગની અથવા તમામનું ઉલ્લંઘન કર્યું છે.

સ્પષ્ટપણે યુદ્ધવિરોધી પ્લેટફોર્મ પર સત્તામાં પાછા ફર્યા પછી ટ્રમ્પે નાઇજીરિયા અને સોમાલિયા પર બોમ્બ ફેંક્યા છે, વેનેઝુએલા પર હુમલો કર્યો છે અને ઈરાન સામે બે મોટાં લશ્કરી ઓપરેશન શરૂ કર્યાં છે. એટલે કે, ટ્રમ્પ બિલકુલ વિચારધારા ધરાવતા વ્યક્તિ નથી. માન્યતા નહીં, પણ તકવાદ જ તેમનાં કાર્યોને માર્ગદર્શન આપે છે. સત્તા સિવાય, જે બાબત તેમને સૌથી વધુ ઉત્તેજિત કરે છે તે છે અહંકાર અને લોભ. અમેરિકાએ ઈરાન પર આ તાજેતરનો વગર ઉશ્કેરણીએ હુમલો શા માટે કર્યો તેના તર્કસંગત, લોજિકલ અને વિશ્વસનીય કારણો શોધવા, જો અશક્ય નહીં તો મુશ્કેલ છે.

મેં સાંભળ્યું છે કે બરાક ઓબામાના વહીવટીતંત્રે ઓસામા બિન લાદેનને ખતમ કર્યો હોવાથી તેઓ તેનાથી એક કદમ આગળ વધીને ખામેનીને ખતમ કરવા માંગતા હતા. અન્ય લોકોનો દાવો છે કે ગાઝામાં ‘રિવિએરા’ બનાવીને નસીબ અજમાવવાનો વિચાર તેમને નેતન્યાહુના માર્ગને અનુસરવા માટે વિશેષ રીતે સંવેદનશીલ બનાવે છે. ત્રીજી શક્યતા એ છે કે ઈરાન અને ઈરાનીઓને નુકસાન પહોંચાડવાનો આનંદ મેળવવાની ઇચ્છા, જે વિશ્વની સૌથી શક્તિશાળી સેનાના જીવલેણ શસ્ત્રાગાર દ્વારા કરી શકાય છે. ચોથી શક્યતા ઈરાનના તેલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કબજે કરી અને તેને તેમના નજીકના સાથીઓને સોંપવાની છે.

કારણ ભલે અહંકાર હોય, લોભ હોય કે અન્યના દુઃખમાં મળતો આનંદ હોય – અથવા આ પરિબળોનું મિશ્રણ હોય – ટ્રમ્પના ઈરાન પર મિસાઇલ અને બોમ્બમારો કરવાના નિર્ણયથી શાસનને ટેકો આપતા અને ન આપતાં બંને નાગરિકોને ભારે વેદના થઈ છે. રહેણાંક વિસ્તારો, દુકાનો, ઓફિસો અને હેરિટેજ ઇમારતો પર આડેધડ બોમ્બમારો થવાને કારણે હજારો ઈરાનીઓ માર્યા ગયાં છે અને લાખો લોકો વિસ્થાપિત થયાં છે. દરમિયાન, ઇઝરાયેલ દ્વારા લેબનોનનાં શહેરો અને નગરો પર બોમ્બમારો કરવાથી તે દેશનાં દસ લાખ લોકોએ તેમનાં ઘરો ગુમાવ્યાં છે અને છોડવા પડ્યાં છે. આ પ્રચંડ માનવીય પીડા સિવાય, પ્રદેશમાં અને તેલનાં બજારોમાં વ્યાપક અસ્થિરતાને કારણે શીત યુદ્ધના અંત પછીનું આ સૌથી મોટું વૈશ્વિક સંકટ સર્જાયું હોય તેમ લાગે છે.

મારે ફરી એક વાર ભારપૂર્વક કહેવું જોઈએ કે, આ સંઘર્ષના પક્ષકારોમાં કોઈ સારા માણસો નથી. ઈરાન, ઇઝરાયેલ અને યુનાઇટેડ સ્ટેટ્સના નેતાઓ બધા જ દુષ્ટ છે, જેઓ હત્યાઓ કરવા અને વેદના પહોંચાડવા માટે ભારે હિંસાનો ઉપયોગ કરવા સક્ષમ અને તૈયાર છે. તેમ છતાં કોઈએ તેમની સાથે સમાન વ્યવહાર ન કરવો જોઈએ. કારણ કે,આ દરેક દેશો પાસે રહેલાં વિનાશક સાધનો સમાન નથી.

ઈરાન પાસે ઇઝરાયેલ કરતાં ઘણો ઓછો સજ્જ લશ્કરી શસ્ત્રાગાર છે અને અમેરિકા પાસે માનવજાતના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી સૈન્ય છે. અંદરના દમન અને ખાસ કરીને વિદેશમાં દખલગીરીને કારણે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનને આ સંઘર્ષમાં સંપૂર્ણપણે નિર્દોષ ભોગ બનનાર ગણી શકાય નહીં. છતાં નેતન્યાહુનું ઇઝરાયેલ અને ટ્રમ્પનું અમેરિકા ઘણા મોટા પ્રમાણમાં ગુનેગાર છે. કારણ કે,તેમની પાસે વિનાશનાં વધુ શક્તિશાળી સાધનો છે અને લાચાર તેમજ નિર્દોષ મનુષ્યો પર તેનો ઉપયોગ કરવાની ઇચ્છાશક્તિ પણ છે.
         – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top