નડિયાદ: નડિયાદ નજીક દંતાલી ગામ પાસે લઇ જઇને સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને નડિયાદ કોર્ટ દ્વારા ૧૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આણંદના વહેરાખાડી ખાતે મુખીવાળું ફળિયુંમાં રહેતા ગોપાલ બાબુભાઇ ચોકેકર (મરાઠી) એ ગત તા. ૨3 જાન્યુઆરી 2021ના રોજ સગીરાને બાઇક પર નહીં બેસે તો તારો અથવા મારો અકસ્માત કરીશ તેવી ધમકી આપી હતી. ગોપાલની ધમકીથી ગભરાયેલી સગીરા તેની પાછળ બેસી ગઇ હતી. ગોપાલે દંતાલી ગામની સીમમાં નેશનલ હાઇવે પાસે અવઢ રસ્તાએ થઇને દંતાલી સીમમાં આવેલી ઝાડી-ઝાંખરાવાળી જગ્યાએ લઇ ગયો હતો.
જ્યાં ગોપાલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ગોપાલના વર્તનથી ડઘાઇ ગયેલી સગીરાએ સઘળી હકીકત પરિવારજનોને જણાવતાં, ગોપાલ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલો ગુરૂવારે નડિયાદના સ્પે. જજ (પોક્સો) ડી.આર.ભટ્ટની કોર્ટમાં ચાલવા પર આવ્યો હતો. જેમાં સરકારી વકીલ પી.આર.તિવારીની દલીલો, ૮ સાહેદો અને ૧૪ દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લઇને ન્યાયાધિશે ગોપાલને ૧૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો.