વેનેઝુએલા પર ગેરકાયદે કબજો જમાવ્યા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર હવે ગ્રીનલેન્ડ તેમ જ ક્યુબા પર છે. તેમણે ક્યુબાને વેપાર સોદો કરવા અથવા પરિણામોનો સામનો કરવાની ચેતવણી આપી છે અને ગ્રીનલેન્ડ ઉપર તો હુમલો કરવાની તૈયારી કરી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક માત્ર એવા અમેરિકન રાષ્ટ્રપતિ નથી કે જેમણે ક્યુબા પર કડક વલણ અપનાવ્યું છે. ક્યુબા અને અમેરિકા વચ્ચેની દુશ્મનાવટ દાયકાઓ જૂની છે. ૧૮૯૮માં અમેરિકાએ સ્પેનને હરાવ્યું, ત્યાર બાદ સ્પેને ક્યુબા પરના તમામ દાવાઓ છોડી દીધા અને તેને અમેરિકાને સોંપી દીધું હતું.
૧૯૦૨ માં ક્યુબાને સ્વતંત્રતા મળી હતી અને ટોમસ એસ્ટ્રાડા પાલ્મા તેના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા. જો કે, પ્લેટ સુધારાને કારણે આ ટાપુ અમેરિકાના રક્ષણ હેઠળ રહ્યો હતો, જેના કારણે અમેરિકાને ક્યુબાના મામલામાં હસ્તક્ષેપ કરવાનો અધિકાર મળ્યો હતો. થોડાં વર્ષો પછી એસ્ટ્રાડાએ રાજીનામું આપ્યું અને જોસ મિગુએલ ગોમેઝના નેતૃત્વમાં બળવાને પગલે અમેરિકાએ ક્યુબા પર કબજો કર્યો હતો.
૧૯૦૯માં અમેરિકાની દેખરેખ હેઠળ ચૂંટણીઓ યોજાઈ હતી અને જોસ મિગુએલ ગોમેઝ રાષ્ટ્રપતિ બન્યા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તેઓ ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાઈ ગયા હતા. ૧૯૧૨માં અમેરિકન સૈનિકો વંશીય ભેદભાવ સામે કાળા લોકોના વિરોધને દબાવવામાં મદદ કરવા માટે ક્યુબા પાછા ફર્યા હતા. ૧૯૩૩માં ક્યુબાના લશ્કરી અધિકારી ફુલજેન્સિયો બાતિસ્તાએ બળવાનું નેતૃત્વ કર્યું અને ગેરાર્ડો માચાડોને સત્તા પરથી દૂર કર્યા હતા.
૧૯૫૩માં ફિડેલ કાસ્ટ્રોએ બાતિસ્તા શાસન સામે નિષ્ફળ બળવાનું નેતૃત્વ કર્યું હતું. અમેરિકા અને ક્યુબા વચ્ચેની દુશ્મનાવટનો ઊંડો પાયો ૧૯૫૯ માં નંખાયો હતો, જ્યારે ફિડેલ કાસ્ટ્રોએ ક્યુબામાં અમેરિકા સમર્થિત સરકારને ઉથલાવી દીધી હતી. શરૂઆતમાં અમેરિકાએ નવી સરકારનો સ્વીકાર કર્યો, પરંતુ જ્યારે ક્યુબાએ તેના કટ્ટર હરીફ સોવિયેત યુનિયન સાથે ગાઢ સંબંધો વિકસાવવાનું શરૂ કર્યું અને વેપાર શરૂ કર્યો ત્યારે અમેરિકા ગુસ્સે થયું હતું. ક્યુબાએ અમેરિકન કંપનીઓની સંપત્તિ જપ્ત કરી હતી અને અમેરિકન માલ પર વધુ કર લાદ્યો હતો.
ફિડલ કાસ્ટ્રોના આગમન પછી ક્યુબામાં સમાજવાદની લહેર ફેલાઈ ગઈ હતી, જ્યારે અમેરિકા મૂડીવાદની નીતિને અનુસરી રહ્યું હતું. ઉપરાંત, એવી શક્યતા હતી કે ક્યુબા ચીન સાથે સારા સંબંધો વિકસાવી શકે છે. તેથી, અમેરિકાએ ક્યુબા સામે કડક વલણ અપનાવ્યું. અમેરિકાએ ક્યુબાને આર્થિક રીતે સજા કરવાનું શરૂ કર્યું. ક્યુબા પાસેથી ખાંડની ખરીદી ઘટાડ્યા પછી અમેરિકાએ લગભગ તમામ માલ ક્યુબા મોકલવાનું બંધ કરી દીધું. રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીએ આને સંપૂર્ણ આર્થિક પ્રતિબંધ સુધી વધારી દીધો અને કડક મુસાફરી પ્રતિબંધો લાદ્યા હતા.
૧૯૬૧ માં અમેરિકાએ ક્યુબામાં ફિડેલ કાસ્ટ્રોની સરકારને ઉથલાવી પાડવા માટે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી. જો કે, આ કાર્યવાહી નિષ્ફળ ગઈ હતી. બે ઓફ પિગ્સ આક્રમણ તરીકે ઓળખાતી આ ઘટનામાં અમેરિકાએ ક્યુબન બળવાખોરો અને નિર્વાસિતોને લશ્કરી તાલીમ અને ભંડોળ પૂરું પાડ્યું હતું. ક્યુબાની સરકારને ઉથલાવી પાડવા માટે હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ સ્થાનિક વસ્તીના સમર્થનના અભાવે અમેરિકાના અને ક્યુબાના બળવાખોરો નિષ્ફળ ગયા હતા. ક્યુબાએ માત્ર ત્રણ દિવસમાં બળવાને કચડી નાખ્યો, કારણ કે અમેરિકાની હવાઈ સહાય તેના સુધી પહોંચી શકી ન હતી. તે સમયે રાષ્ટ્રપતિ જોન એફ. કેનેડીના નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની છબીને નુકસાન થયું હતું.
ત્યાર બાદ ક્યુબાએ સોવિયેત યુનિયનને ગુપ્ત રીતે ક્યુબા પર પરમાણુ મિસાઇલો સ્થાપિત કરવાની મંજૂરી આપી. ઓક્ટોબર ૧૯૬૨ માં અમેરિકન વિમાન દ્વારા આ મિસાઇલો જોવા મળી હતી. આના કારણે અમેરિકા અને સોવિયેત યુનિયન વચ્ચે ૧૩ દિવસનો તીવ્ર તણાવ રહ્યો હતો. પરિસ્થિતિ પરમાણુ યુદ્ધના આરે પહોંચી ગઈ હતી. આખરે સોવિયેત નેતા નિકિતા ખ્રુશ્ચેવ મિસાઇલો દૂર કરવા સંમત થયાં હતાં. બદલામાં, કેનેડીએ ક્યુબા પર હુમલો ન કરવાનું અને તુર્કીમાંથી અમેરિકન મિસાઇલો દૂર કરવાનું વચન આપ્યું હતું.
જો કે, બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થયો નહીં. આગામી કેટલાક દાયકાઓ સુધી અમેરિકાએ ક્યુબાને આર્થિક અને રાજદ્વારી રીતે અલગ પાડ્યું હતું. ૧૯૮૨ માં તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને ક્યુબાને આતંકવાદીઓને ટેકો આપતો દેશ જાહેર કર્યો હતો. બાદમાં, જ્યોર્જ બુશ અને બિલ ક્લિન્ટને હેલ્મ્સ-બર્ટન એક્ટ લાગુ કર્યો હતો. આ કાયદા મુજબ જ્યાં સુધી ક્યુબામાં લોકશાહી સ્થાપિત ન થાય અને કાસ્ટ્રો પરિવાર સત્તામાંથી બહાર ન થાય ત્યાં સુધી પ્રતિબંધો હટાવવામાં આવશે નહીં. ઓબામા રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકાએ ક્યુબા પ્રત્યે થોડી હળવાશ દાખવી હતી. ઓબામાએ કહ્યું હતું કે ક્યુબાને અલગ પાડવાથી કોઈ ફાયદો થશે નહીં. ક્યુબાની મુસાફરી અને ત્યાં પૈસા મોકલવાના નિયમો હળવા કરવામાં આવ્યા હતા.
૨૦૧૪ માં બનેલી એક ઘટનાએ આખી દુનિયાને આંચકો આપ્યો, જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ક્યુબાના નેતા રાઉલ કાસ્ટ્રોએ અચાનક જાહેરાત કરી કે બંને દેશો રાજદ્વારી સંબંધો ફરીથી સ્થાપિત કરશે. આ પોપ ફ્રાન્સિસ દ્વારા સહાયિત ૧૮ મહિનાની ગુપ્ત વાટાઘાટોનું પરિણામ હતું. ત્યાર બાદ દૂતાવાસો ફરીથી ખોલવામાં આવ્યા હતા અને ક્યુબાને આતંકવાદને ટેકો આપનારા દેશોની યાદીમાંથી દૂર કરવામાં આવ્યું.
ઓબામાએ પોતે ૨૦૧૬ માં ક્યુબાની મુલાકાત લીધી હતી, જે ૧૯૨૮ પછી કોઈ અમેરિકન રાષ્ટ્રપતિની ક્યુબાની પહેલી મુલાકાત હતી. ત્યાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પહેલા કાર્યકાળમાં સત્તા પર આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે ઓબામા વહીવટીતંત્રના મોટા ભાગના નિર્ણયો ઉલટાવી દીધા હતા. તેમણે ક્યુબાની લશ્કરી કંપનીઓના વ્યવસાયો પર પ્રતિબંધ મૂક્યો, એકલા મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો અને ક્રુઝ જહાજો અને મોટા ભાગની ફ્લાઇટો અટકાવી દીધી હતી.
૨૦૧૯ માં તેમણે ફરીથી ક્યુબાને આતંકવાદીઓને ટેકો આપતો દેશ જાહેર કર્યો. આ દરમિયાન, ક્યુબામાં અમેરિકન અને કેનેડિયન દૂતાવાસના કર્મચારીઓમાં અસામાન્ય લક્ષણો જોવા મળ્યાં હતાં, જેમાં સાંભળવાની ખોડ અને માનસિક સમસ્યાઓનો સમાવેશ થાય છે. આને પાછળથી હવાના સિન્ડ્રોમ નામ આપવામાં આવ્યું હતું. આ ઘટના પછી અમેરિકાએ ક્યુબાની રાજધાની હવાનામાંથી તેના મોટા ભાગના દૂતાવાસનાં કર્મચારીઓને પાછાં બોલાવી લીધાં હતાં.
જો બિડેન સત્તા પર આવ્યા અને કેટલાક નિયમો હળવા કર્યા હતા. ત્યાર બાદ, ૨૦૨૧ માં ખોરાક, દવા અને વીજળીની અછતથી ત્રસ્ત ક્યુબનોએ સરકારનો વિરોધ શરૂ કર્યો હતો. સરકારે વિરોધીઓની ધરપકડ કરી અને ઇન્ટરનેટ બંધ કરી દીધું હતું. જો બિડેન વહીવટીતંત્રે ક્યુબા પર પ્રતિબંધો લાદ્યા હતા. આશરે પાંચ લાખ ક્યુબન લોકો અમેરિકન સરહદ પર પહોંચ્યા હતા. જો બિડેન વહીવટીતંત્રે માનવતાવાદી ધોરણે કેટલાકને પ્રવેશવાની મંજૂરી પણ આપી હતી.
૨૦૧૮ માં ડોનાલ્ડ ટ્રમ્પના પહેલા કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ક્યુબા, નિકારાગુઆ અને વેનેઝુએલાને સરમુખત્યારશાહીની ત્રિપુટી ગણાવી હતી. ટ્રમ્પ વહીવટીતંત્રે વેનેઝુએલાના તેલને ક્યુબામાં વહેતું અટકાવવા માટે શિપિંગ કંપનીઓ અને ક્યુબાની સરકારી તેલ કંપની પર પ્રતિબંધો લાદ્યા હતા. વેનેઝુએલામાં માનવાધિકાર ઉલ્લંઘનમાં સંડોવણીના આરોપ હેઠળ ક્યુબાના અધિકારીઓને અમેરિકાની મુલાકાત લેવાથી અટકાવવામાં આવ્યા હતા. હવે, ટ્રમ્પના ઇશારે વેનેઝુએલામાં કાર્યવાહી કરવામાં આવી છે અને ક્યુબા પણ જોખમમાં છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તેઓ ક્યુબા સામે પણ આવી જ કાર્યવાહી કરશે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.