National

કોરોનાના કપરા કાળમાં કેન્દ્રિય મંત્રીઓની કામગીરી

કોરોના ( corona) થી દેશની સ્થિતિ દિવસે ને દિવસે બદતર થઈ રહી છે. કોરોનાનો કહેર અને પ્રશાસનનાં અણધડ આયોજનથી લોકો મૃત્યુ પામી રહ્યાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ( pm narendra modi) દર બીજા દિવસે ટેલિવિઝન પર કોન્ફરન્સ કરે છે, તેમ છતાં ગ્રાઉન્ડ પર તેની અસર દેખાતી નથી. ઑક્સિજન ( oxygen) અને વેક્સિન ( vaccine) માટેની માંગ હવે મોટાં શહેરોમાંથી જ નહીં; પરંતુ નાનાં નાનાં ટાઉનમાંથી પણ આવી રહી છે. દેશના ગ્રામિણ હિસ્સામાં પણ કોરોના ઝડપથી પ્રસરી રહ્યો છે અને તેના મોતના આંકડા કલ્પી ન શકાય એટલાં ભયાવહ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ તેઓનું આશ્વાસન એક્શનમાં આવતું હોય તેમ દેખાતું નથી. જે હદે ઑક્સિજનની માંગ વધી રહી છે તે પ્રમાણમાં પ્રયાસ થતાં નથી. હાલની સ્થિતિ એવી છે કે પૂરા દેશે એકજૂટ થઈને કાર્ય કરવાનું છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોને ટ્રેક કરીએ તો ખ્યાલ આવી શકે દેશના સર્વોચ્ચ આગેવાનોમાં સંકલનનો અભાવ છે. આ અભાવના કારણે જ રોજેરોજ સ્થિતિ વધુ બગડી રહી છે.


લીડર હંમેશાં ટીમ વર્કથી કામ લે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધી પોતાની લીડરશીપ એ રીતે ખીલવતા રહ્યા છે પણ કોરોના સિચ્યુએશનમાં તેમની ટીમ વર્કની પ્રતિભા અદૃશ્ય થઈ ચૂકી છે. કોરોનાની મોટા ભાગની કોન્ફરન્સમાં તેઓ મુખ્યમંત્રીઓ સાથે જોડાયા છે, પરંતુ કેન્દ્રિય મંત્રીઓ સાથે તેમણે વિસ્તારથી મસલત કરી હોય તેમ દેખાયું નથી. જો મસલત કરી હોય તો પણ તેનું પરિણામ દેખાઈ રહ્યું નથી. કોરોનાની કટોકટીભરી સ્થિતિમાં પણ વડા પ્રધાન જ ફ્રન્ટ પર દેખાઈ રહ્યા છે; અમુક વખતે જ ક્યાંક ગૃહમંત્રી દેખા દે છે.
મોદી મિનિસ્ટ્રીમાં પછી બીજા ક્રમે આવનારા રક્ષામંત્રી રાજનાથ સિંહ ( rajnathsingh) કોરોના સમયમાં એલર્ટ જોવા મળ્યા છે. તેઓએ કોરોનાના કેસ વધતાં જ સેનાપ્રમુખો સાથે વાત કરીને સ્થિતિને કાબૂમાં લેવા સેનાની મદદનો તુરંત નિર્ણય લીધો હતો. અને દેશમાં શક્ય હોય ત્યાં સેના દ્વારા હોસ્પિટલ ઊભી કરવાની પહેલ પણ કરી છે. આ ઉપરાંત ભારતીય નૌસેનાના સાત જહાજોને પણ ઓક્સિજન અને અન્ય મેડિકલ સુવિધા વિદેશથી લાવવા અર્થે તૈયાર કરવામાં તેમણે ભૂમિકા ભજવીછે. રાજનાથે સેનાની તમામ સવલતો નાગરિકો અર્થે ખુલ્લી મૂકી છે. આ સિવાય તેમણે પોતાના સંસદીય ક્ષેત્ર લખનઉમાં પણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા 250 બેડની હોસ્પિટલ પણ શરૂ કરી છે. કોરોનાથી જે સ્થિતિ આવી છે, તેમાં કરીએ એટલું ઓછું છે. બધી જ બાજુએ મેડિકલ સુવિધા, દવા, ડોક્ટર અને સ્ટાફની કમી વર્તાઈ રહી છે. આ માટે રક્ષામંત્રી દ્વારા સેનાના 600 નિવૃત્ત ડૉક્ટરોને પણ કોરોના સામેની લડાઈમાં ઉતાર્યા છે. આ ઉપરાંત સેનાનો નર્સિંગ સ્ટાફ અને એનસીસીના કેડેટ પણ સેવામાં છે. રાજનાથ સિંહની છેલ્લાં બે અઠવાડિયામાં પ્રવૃત્તિ જોઈએ તો તેઓનું કાર્ય ઠીકઠીક જણાય છે અને તેમણે પોતાના પ્રયાસ દ્વારા આ કટોકટી દરમિયાન સેના પાસેથી કામ લેવાના નિર્ણય યોગ્ય સમયે લીધા છે. જો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે વન ટુ વન મીટિંગ કરી હોય તેવા અહેવાલ મળતા નથી. વડા પ્રધાને વ્યાપક સમીક્ષા કરી હોય ત્યારે અન્ય મંત્રીઓની સાથે રક્ષામંત્રી ઉપસ્થિત રહ્યા છે.


વિદેશ મંત્રી એસ. જયશંકરની ( s jayshankar) કોરોના દરમિયાન પ્રવૃત્તિ જોઈએ તો તે ખૂબ મર્યાદિત છે. હાલ તેઓ જી-7 વાર્તા માટે લંડન પહોંચ્યા છે અને ત્યાં પોઝિટિવ ( corona positive) અધિકારીના સંપર્કમાં આવીને અત્યારે આઇસોલેશનમાં છે. વિદેશમંત્રી હોવાના નાતે તેમનો પોર્ટફોલિયો વિદેશી બાબતો સંભાળવાનો છે અને તે જ કાર્ય તેઓ કરી રહ્યા છે. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે એસ. જયશંકર રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે. વિદેશમાં હાલ વેક્સિન અને અન્ય મેડિકલ સુવિધા માટે એસ. જયશંકર માંગ કરી રહ્યા છે; તેની પ્રતિક્રિયારૂપે ભારતમાં મદદ આવી પણ પહોંચી છે. અમેરિકા જેવા દેશોએ દવાઓના કાચા માલ પર પ્રતિબંધ હટાવ્યો તેની ક્રૅડિટ જયશંકરના ખાતામાં જમા થઈ છે. છતાં કોરોના જે ઝડપે પ્રસરી રહ્યો છે તેના મુકાબલે એસ. જયશંકર ધીરેધીરે આગળ વધી રહ્યા છે.
ગૃહમંત્રી અમિત શાહનો કોરોના કાળનો રિપોર્ટ કાર્ડ ખૂબ નિરાશાજનક છે. કોરોનાની આ સ્થિતિમાં તેઓ વડા પ્રધાનની બેઠકોમાં સામેલ દેખાય છે, પણ તેમના ગૃહમંત્રીના નાતે તેઓ કોઈ ઠોસ કાર્ય કરતા હોય તેમ દેખાતું નથી. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ( serum institute) ના સર્વેસર્વા આદર પૂનાવાલા પણ તેમને મળી રહેલી ધમકીના કારણે દેશ છોડીને ગયા છે, તે અંગે પણ ગૃહમંત્રી કોઈ નક્કર પગલાં લેવામાં નાકામિયાબ રહ્યા. તદ્ઉપરાંત હાલમાં અમિત શાહ અંગેના મોટાભાગના ન્યૂઝ ચૂંટણી બાબત અંગેના જ છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદ ખાતે આવેલી કોવિડ હોસ્પિટલનું ઉદઘાટન જરૂર થયું, પણ તે હોસ્પિટલ અપૂરતી ક્ષમતા સાથે કામ કરી રહી છે. દેશમાં કોરોનાની સ્થિતિમાં અમિત શાહની ભૂમિકા ક્યાંય નથી. વ્યક્તિગત રીતે પણ તેઓ કોરોના સામે લડવાના પ્રયાસમાં ઓછા દેખાય છે.

આર્થિક બાબતોના મંત્રી નિર્મલા સિતારમન ( nirmala sitaraman) ને મેડિકલ સુવિધા અને દવાઓ પરના કરમાં રાહત જરૂર આપી છે; પણ આ નિર્ણયો લેતાં અગાઉ અનેક લોકો કોરોનામાં આર્થિક રીતે ખુવાર થઈ ચૂક્યા હતા. આ ઉપરાંત કોરોનાના દરદીઓને કેશલેસ સુવિધા મળે તે માટે પણ વિત્તમંત્રીએ પગલાં લીધાં છે. આવા કેટલાક નિર્ણયોને બાદ કરતાં નાણાંમંત્રીએ લોકડાઉન ( lockdown) ની સ્થિતિમાં દેશના ગરીબ વર્ગને રાહત મળે તેવું કશું કર્યું નથી. કોરોનાના સમયમાં દીર્ઘ દૃષ્ટિથી કોઈ પગલાં નિર્મલા સિતારમને લીધાં નથી. નિર્મલા સિતારમનનો અને તેમની સરકારનો રિપોર્ટ કાર્ડ નબળો છે તે સૂર તેમના પરિવારમાંથી જ ઊઠ્યો છે. તેમના પતિ પરકલ પ્રભાકર દ્વારા વર્તમાન સરકારની દરેક નીતિની ટીકા કરતો લેખ લખ્યો છે, અને તેમાં એક-એક નિષ્ફળતાને વિસ્તૃત રીતે મૂકી આપી છે.


રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મિનિસ્ટર નીતિન ગડકરી ( nitin gadkari) કુશળ વહીવટી ક્ષમતા ધરાવે છે. તેઓએ મોટા મોટા પ્રોજેક્ટ પાર પાડ્યા છે અને હાલમાં જે મિનિસ્ટ્રીનું તેઓ સુકાન સંભાળી રહ્યા છે, તેમાં પણ ઝડપભેર કામ કરી દેખાડ્યું છે પરંતુ હાલ કોરોનાની કામગીરીમાં તેમની ભૂમિકા નહિવત્ દેખાય છે. ઇવન, તેમના સંસદીય ક્ષેત્ર નાગપુરમાંથી પણ પ્રજાએ તેમના પર સવાલ ઉઠાવ્યા હતા. નાગપુરમાં કોરોના જીવલેણ બન્યો છે, પરંતુ નીતિન ગડકરી જરાસરખા પણ એક્ટિવ થયા નહોતા. જો કે હાલમાં તેમની મદદથી ભુવનેશ્વરથી નાગપુરને રોજ 60 મેટ્રિક ટન ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા થઈ છે. તેઓએ સરકારમાંથી મળેલાં આદેશો મુજબ કોરોનાના સમયમાં મર્યાદિત કાર્યો કર્યાં છે, પણ ફૂલફ્લેજ્ડ તેઓ ગ્રાઉન્ડ પર નથી.રેલવે, કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પીયૂષ ગોયલ સરકારની કોરોના સામેની લડતમાં ખૂબ એક્વિટ છે. તેઓ વડા પ્રધાનની મીટિંગોમાં ઉપસ્થિત હોય છે. તેમના ફેસબુક પેજ પરથી પણ તેમની વર્તમાન પ્રવૃત્તિઓનું આકલન થઈ શકે. હાલ ઓક્સિજન દરેક રાજ્યમાં પહોંચાડવાનું કાર્ય ભારતીય રેલવે કરી રહ્યું છે અને એ રીતે પીયૂષ ગોયલ ચાવીરૂપ ભૂમિકામાં છે.

દેશભરમાં દોડી રહેલી ‘ઓક્સિજન એક્સપ્રેસ’ને તેઓ પળેપળે ટ્રેક કરી રહ્યા છે. મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઇરાની પૂરા કોરાનાકાળમાં કોઈ જ નોંધપાત્ર કાર્યમાં જોવાં મળતાં નથી. વર્તમાન સરકારમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન છે અને તેઓ તેમના પદના રૂહે કોરોનામાં સરકાર તરફથી થઈ રહેલાં તમામ કાર્યોમાં ઉપસ્થિત છે. તેમ છતાં જે વ્યવસ્થા તેમણે કરવી જોઈતી હતી તે ન થઈ શકી. ન કોરોનાના ઇલાજની ન તો રસીકરણની. આ ઉપરાંત કેટલાક મંત્રી એવા છે જેઓ કોરોનાનાં કાર્યોમાં જરાસરખા પણ પ્રવૃત્ત નથી. તેમાં ગિરિરાજ સિંઘ, પ્રહલાદ જોશી, ગજેન્દ્રસિંઘ શેખાવત, મુખ્તાર અબ્બાસ નકવી અને નરેન્દ્રસિંઘ તોમર જેવાં નામો છે. આ ઉપરાંત મિનિસ્ટર્સ ઑફ સ્ટેટ(સ્વતંત્ર હવાલો) અને મિનિસ્ટર્સ ઑફ સ્ટેટનું પણ આકલન થઈ શકે.
આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમનાં મંત્રીમંડળ હજુ ફૂલફ્લેજ્ડ કામગીરીમાં ગૂંથાયા હોય તેમ લાગતું નથી. ખરેખર તો આવા સમયે અન્ય પક્ષોના સંસદસભ્યોને પણ જવાબદારી સોંપીને પ્રજાની વહારે આવવું જોઈએ પરંતુ હજુ આપણા આગેવાનો એટલા ઉદાર થઈ શક્યા નથી અને તે જ કારણે કોરોના વધુ ને વધુ દેશને ગ્રસી રહ્યો છે.

Most Popular

To Top