સુરત: (Surat) દેશમાં હાલ કાશ્મીરી પંડિતોના (Kashmirir Pandit) વિસ્થાપન અંગે વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ’ની (theKashmirFiles) ધૂમ મચી રહી છે. આ સ્થિતિ માટે જવાબદાર જે-તે વખતના શાસકો સામે દેશવાસીઓનો આક્રોશ આ ફિલ્મને (Movie) મળી રહેલા જબ્બર પ્રતિસાદથી વ્યક્ત થઇ રહ્યો છે. ત્યારે સુરતમાં ચૌટા બજારમાં (Chuata Bazar) પેઢીઓથી રહેણાક ધરાવતા મૂળ સુરતીઓને અહીંના માથાભારે દબાણકર્તાઓના ત્રાસને કારણે પોતાના બાપદાદાનાં મકાનો છોડીને અન્ય વિસ્તારમાં સ્થળાંતર કરવા મજબૂર થવું પડી રહ્યું છે. ત્યારે હવે એવી સ્થિતિ છે કે, જો હાલના તંત્રવાહકો જો સમયસર અહીંની સમસ્યા બાબતે કડક રૂખ અપનાવી ઉકેલ નહીં લાવે તો ચૌટા બજારના મૂળ સુરતીઓ અન્યત્ર સ્થળાંતર કરી જશે અને ઇતિહાસ (History) વર્તમાન શાસકોને ક્યારેય માફ નહીં કરે.
મનપાએ ઉદાસીનતા દાખવતા સ્થાનિકોએ જ ઝૂંબેશ ઉપાડી
છેલ્લા થોડા દિવસોથી ચૌટા બજારમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા માથાભારે દબાણકર્તાઓની દાદાગીરી સામે ઝુંબેશ ચલાવાઇ રહી છે. સ્થાનિક નગરસેવકોના સૂચક મૌન વચ્ચે લોકોએ પોતાની ગાડીઓ રસ્તા વચ્ચે પાર્ક કરી તેમજ બેનરો લગાવી દબાણો નહીં થવા દઇ ચૌટા બજારને બચાવી લેવા અપીલ પણ કરી છે. ત્યારે આ જ અરસામાં રજૂ થયેલી ધ કાશ્મીર ફાઇલ પણ અહીંના લોકોની વેદના સાથે અમુક અંશે સામ્ય ધરાવતી હોય તેવો અહેસાસ થઇ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે દબાણકર્તાઓ સાથે સ્થાનિક રહીશોની માથાકુટ બાદ લોકોએ રસ્તા પર વાહનો પાર્ક કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન નિતિન ભજીયાવાલાની રજુઆતના પગલે મનપાનું તંત્ર પણ જાગ્યુ હતું અને મંગળવારે પોલીસને સાથે રાખી દબાણો હટાવાયા હતા. જો કે કલાકોમાં જ ફરીથી દબાણો થઇ જતા લોકોનો રોષ બેવડાયો હોય સ્થાનિક લોકોએ ફરીથી રસ્તા વચ્ચે ગાડીઓ પાર્ક કરી તેમાં દબાણ હટાવી ચૌટા બજારને બચાવવા માટેના બેનર- પોસ્ટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન છેલ્લા ચાર પાંચ દિવસથી દબાણકર્તાઓ સામેનો સ્થાનિકોનો રોષ સપાટી પર આવી રહ્યો હોવા છતાં સ્થાનિક નગરસેવકો અને મનપા તેમજ પોલીસનું તંત્ર સુચક રીતે મૌન હોય લોકોમાં નારાજગી વધી રહી હોવાની ચર્ચા છે.
કેમકે ગેરકાયદે દબાણ કરનારા સામે સ્થાનિક રહીશો છેલ્લા ચાર દિવસથી લડત ચલાવી રહ્યાં છે. પરંતુ એક પણ ચૂંટાયેલા પ્રતિનિધિ સ્થાનિકોની મુશ્કેલી દૂર કરવા માટે આગળ આવ્યો નથી. આ વિસ્તારના લોકોના મતથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ તો ગેરકાયદે દબાણ દુર કરવા માટે આગળ આવ્યા નથી. તેની સાથે માત્ર સોશિયલ મીડિયા પર વિરોધ કરતા વિરોધ પક્ષના સભ્યો કે નેતાઓ પણ સ્થાનિકોની મદદે આવ્યા નથી. તેથી નેતાઓનો સાથ નહીં મળતાં આજે સ્થાનિકોએ ગેરકાયદે દબાણનો વિરોધ કરવા માટે રસ્તા વચ્ચે ગાડીઓ પાર્ક કરી છે. તેના પર ‘ચૌટા બજાર બચાવો’ બેનર લગાડી મદદની માગણી કરી છે. બેનરમાં લખ્યું છે કે ‘કરે કોઈને ભરે કોઈ, જુના વેપારી ચૌટા બજાર છોડવા માટે મજબૂર થઈ રહ્યા છે. ચૌટા બજારને બચાવવા સહકાર આપશો’