Charchapatra

પ્રજાજનોને તો કટોકટી ખૂબ જ ગમેલી

અલ્હાબાદ હાઇકોર્ટના ચુકાદાની અવગણના કરીને તત્કાલીન વડાપ્રધાન શ્રીમતિ ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવી રાખવા માટે તા. 25-06-1974ના દિને રાષ્ટ્રમાં ‘કટોકટી’ લાદી દીધી હતી. ‘મીસા’ હેઠળ મોટા ભાગના તમામ વિરોધ પક્ષના આગેવાનોને જેલમાં મોકલી દેવામાં આવેલા. છાપાંઓ ઉપર સેન્સરશીપ આવી પડેલી. વડાપ્રધાનની કે સરકારની વિરુધ્ધ કશું જ બોલવા કે લખવાની કોઇ હિંમત કરી શકતું નહોતું. જાણે કે ભારતમાં લોકશાહીની જગ્યાએ તાનાશાહી આવી ગઇ હોય એવો માહોલ સર્જાઇ ગયેલો હતો પણ કટોકટીના ‘સાઇડ ઇફેકટ’ એવા પડવા લાગ્યા કે સરકારના તમામ નોકરિયાતો સીધા દોર થઇને કામ કરવા લાગેલા.

ઓવરટાઇમ લીધા પછી પણ કામ પૂરું કર્યા વગર વહેલા ઘર ભેગા થતા બેંક કર્મચારીઓ, જીવન વિમાના કર્મચારીઓ તથા તમામ સરકારી નોકરિયાતો વગર ઓવર ટાઇમે કામ પૂરું કરીને જ પોતાના કાર્યાલયો છોડતા હતા. પ્રજાના સરકારી કામો, લાંચ – રૂશ્વત વગર, સમયસર ટપોટપ થવા લાગ્યા હતા.  રેલ્વેના કર્મચારીઓ પણ સીધા દોર થઇ ગયા હતા. મોટાભાગની ગાડીઓ સમયસર દોડતી જ નહિ, લગભગ બધી જ ગાડીઓ લેટ જ પડતી હતી. તે બધી ગાડીઓ સમયસર દોડવા લાગેલી. મોંઘવારી સડસડાટ ઘટવા લાગેલી. દાદાઓ, ગુંડાઓ, ટપોરીઓ અને ચોરોના સરદારો અદ્રશ્ય થઇ ગયા હતા.

જાણે કે ચારે – બાજુ ‘રામરાજય’ આવી ગયું હોય એવી મોકળાશ આમ જનતા કટોકટીકાળમાં ફીલ કરતી હતી. એટલે કહેવાનું એ જ છે કે કટોકટીનો ફતવો ચોકકસ ભારતીય લોકશાહીના મૂલ્યો વિરુધ્ધનો હતો, પણ આમ પ્રજા ખરે જ સુખ, શાંતિ અને આનંદથી જીવતી હતી. કટોકટીની સમાપ્તિ બાદ પણ આજ લગી ભારતના લોકો વ્યંગમાં પણ કહે છે કે ‘ઇન્દિરાજીની કટોકટી ખરે જ સારી હતી.’ હાલના ભાજપના આગેવાનો ભલે કહેતા હોય કે લોકશાહીને કચડવા માટે કટોકટી લાદવામાં આવી હતી. એ જે હોય તે પણ પ્રજાને તો અનુશાસનનો જ સુખદ અનુભવ કટોકટી કાળમાં થતો રહેલો.
સુરત     – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top