નડિયાદ: ખેડા તાલુકાના વડાલા પાટીયાથી અંદર ગામ તરફ જવાના માર્ગ પર છેલ્લાં બે મહિનાથી મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. આ મામલે અનેકવારની રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા રસ્તાની મરામતની કામગીરી હાથ ધરવામાં ન આવતાં આખરે આ માર્ગ પર આવેલ પાંચ ગામના રહીશોએ મામલતદાર અને ટી.ડી.ઓને આવેદનપત્ર પાઠવી રસ્તો રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જેથી તંત્ર દોડતું થયું હતું અને તરત જ સ્થળ મુલાકાત કરી રસ્તાની મરામત કરવાની બાંહેધરી આપી હતી. જેથી ગ્રામજનોએ રસ્તો રોકો આંદોલન રદ્દ કર્યુ અને રસ્તાની મરામત માટે તંત્રને એક દિવસનું અલ્ટીમેટમ આપ્યું હતું.
ખેડા તાલુકાના વડાલા પાટીયાથી અંદર ગામ તરફ જવાના સિંગલ પટ્ટી માર્ગ ઉપર ભારત ગેસ, અંબિકા પોલીમર્સ, ફ્લિપકાર્ટ, ઈન્દ્રપથ સહિતની નાની-મોટી અનેક કંપનીઓ આવેલી છે. આ કંપનીઓમાં દરરોજ મોટી સંખ્યામાં ભારે વાહનોની અવરજવર હોય છે. ભારે વાહનોની સતત અવરજવરને પગલે આ સીંગલ પટ્ટી રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. એક કિલોમીટરના અંતરમાં ૪૦ થી ૫૦ જેટલાં મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે. રસ્તા પર કેટલાક ઠેકાણે તો ઢીંચણસમાં ખાડાઓ પડી ગયાં છે. જેને પગલે આ માર્ગ પર આવતાં વડાલા, ઢઢાલ, ભેરાઈ, નવાગામ, નાયકા જેવા ગામોના રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. જેથી આ પાંચેય ગામના આગેવાનોએ આ મુદ્દે જે તે કંપનીના સંચાલકોને જાણ કરી, રસ્તા પરના ખાડા પુરવા જણાવ્યું હતું. તે સમયે કંપનીના સંચાલકોએ માર્ગ પરના ખાડા પુરાવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને રજુઆત કરવા ગયેલાં આગેવાનો સાથે ગેરવર્તણુક કરી હતી. જેથી ગ્રામજનોએ આ મામલે આર.એન્ડ.બી પંચાયત વિભાગમાં મૌખિક તેમજ લેખિત રજુઆત કરી રસ્તાનું સમારકામ કરવા ઉગ્ર માંગ
કરી હતી.
જોકે, આર.એન્ડ.બી ના નઘરોળ તંત્રએ ગ્રામજનોની આ રજુઆતો ધ્યાને લીધી ન હતી. બીજી બાજુ માર્ગ પરના ખાડા વધુને વધુ જોખમી બનતાં હોવાથી ગ્રામજનોને આ રસ્તા પરથી અવરજવર કરવામાં ડર લાગી રહ્યો છે. રસ્તા પરના મસમોટા ખાડામાં અનેક વાહનચાલકો પટકાયાં હોવાના બનાવો પણ બન્યાં છે. જેથી રોષે ભરાયેલાં વડાલા, ઢઢાલ, ભેરાઈ, નાયકા અને નવાગામના રોષે ભરાયેલાં ગ્રામજનોએ મામલતદાર તેમજ ટી.ડી.ઓને આવેદનપત્ર આપી ગુરૂવારે સાંજે ચાર વાગ્યે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. જેને પગલે તંત્ર કુંભકર્ણની નીંદ્રામાંથી હુંફાળું જાગી ગયું હતું અને આવેદનપત્ર મળ્યાંની ગણતરીની મિનીટોમાં જ સ્થળ મુલાકાત કરી હતી.
સ્થળ મુલાકાતે પહોંચેલાં તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ રસ્તાની ખરાબ હાલત જોઈને શરમમાં મુકાઈ ગયાં હતાં અને તેઓએ વહેલીતકે રસ્તાની મરામત કરવાની ગ્રામજનોને બાંહેધરી આપી હતી. જેથી ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન રદ્દ કર્યું હતું અને આ રોડની મરામત કરવા માટે અધિકારીઓને એક દિવસનો સમય આપ્યો હતો. તેમજ જો એક દિવસમાં રસ્તાની મરામતની કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો શુક્રવારના રોજ બપોરે બે વાગ્યે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આ પાંચેય ગામના રહીશોએ ઉચ્ચારી છે.
કંપની બહાર આડેધડ વાહનપાર્કિંગને કારણે ગ્રામજનોને અવરજવર કરવામાં પરેશાની
વડાલા પાટીયાથી ગામ તરફ જવાના સિંગલ પટ્ટી માર્ગ પર અનેક નાની-મોટી અનેક કંપનીઓ આવેલી છે. જે પૈકી અંબિકા પોલીમર્સ પ્રાઈવેટ લિમીટેડ કંપનીમાં વાહનપાર્કિંગની યોગ્ય સુવિધા નથી. જેથી કંપનીમાં આવતાં ભારે વાહનો ઉપરાંત સ્ટાફબસો સહિતના વાહનો બહાર રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે. જેને પગલે વડાલા, ઢઢાલ, ભેરાઈ, નવાગામ, નાયકા ગામના રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકી વેઠવી પડી રહી છે. રસ્તા વચ્ચે પાર્ક કરેલાં વાહનોને પગલે કેટલીક વખતે સામેથી આવતાં વાહનો ન દેખાવાને કારણે અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
કંપનીમાંથી ડ્રેનેજ સહિતનું દુષિત પાણી જાહેર રસ્તા પર છોડવામાં આવી રહ્યું છે
વડાલા ગામ તરફ જવાના માર્ગ પર આવેલ અંબિકા પોલીમર્સ પ્રા.લિ કંપનીમાં ડ્રેનેજના ગંદા પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. જેથી કંપની દ્વારા ડ્રેનેજ તેમજ ખાળકુવાના ગંદા પાણીનો નિકાલ રસ્તા ઉપર જ કરવામાં આવી રહ્યો છે. આ ગંદુ પાણી રસ્તા પરના મસમોટા ખાડાઓમાં ભરાઈ રહે છે. જેને પગલે આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાય છે. રસ્તા ઉપર દિવસોના દિવસ સુધી ભરાઈ રહેતાં આ ગંદા પાણીને પગલે રોગચાળો ફેલાવાની દહેશત પણ વર્તાઈ રહી છે. ત્યારે આ મામલે પણ યોગ્ય કાર્યવાહી કરવા પાંચેય ગામના રહીશોની માંગ છે.
અમે મોટા હપ્તા આપતાં હોવાથી અમારૂ કંઈ બગડવાનું નથી : કંપનીના સંચાલકો
વડાલા રોડ પર ઉપર આવેલ કંપનીઓમાં સતત અવરજવર કરતાં ઓવરલોડ વાહનોને કારણે માર્ગ પર મસમોટા ખાડા પડી ગયાં છે. જેને પગલે આ માર્ગ પર આવેલ પાંચ ગામના રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકી પડી રહી છે. આ પાંચેય ગામના આગેવાનોએ આ મામલે કંપનીઓના માલિકો સાથે મુલાકાત કરી રસ્તાની મરામત કરાવવા જણાવ્યું હતું. જોકે, કંપનીના માલિકોએ ના પાડી દીધી હતી અને તમારે પોલીસ, કોર્ટ જ્યાં જવું હોય ત્યાં જાવ, અમારૂ કોઈ કશું જ બગાડી લેવાનું નથી. સરકારમાં અમારી મોટી લાગવગો છે, અમે બધે જ મોટા-મોટા હપ્તા આપીએ છીએ.
મસમોટા ખાડાને પગલે સ્કુલબસોએ ગામના વિદ્યાર્થીઓને લેવા-મુકવાનું બંધ કર્યું
વડાલા, ઢઢાલ, ભેરાઈ, નવાગામ, નાયકા ગામના અંદાજે ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ખેડા સહિતના અન્ય ગામોમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને લેવા-મુકવા માટે આ પાંચેય ગામોમાં નિયમીતપણે સ્કુલબસો દોડતી હતી. પરંતુ પાંચેક દિવસ અગાઉ માર્ગ પરના મસમોટા ખાડાઓમાં પટકાવાથી એક સ્કુલબસને ભારે નુકશાન પહોંચ્યું હતું. જે બાદથી સ્કુલબસોના ચાલકોએ આ પાંચેય ગામના વિદ્યાર્થીઓને લેવા-મુકવા જવાનું સદંતર બંધ કરી દીધું હતું. આ મામલે સ્કુલબસના ચાલકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે, રસ્તાની મરામત થયાં બાદ જ વિદ્યાર્થીઓને લેવા-મુકવા આવશે.