વડોદરા : આફમી ચેરિટેબલ ટ્રસ્ટના કાળા ચિઠ્ઠાના હિસાબ કિતાબની મનાતી પેનડ્રાઈવ મોહંમદ હુસેન મન્સુરીએ તોડીને કાંસમાં ફેંકી દીધી હતી. જે પેનડ્રાઈવ કબજે કરવા સીટની ટીમે ફાયર બ્રિગેડની મદદ લઈને કાંસમાંથી પેનડ્રાઈવ મેળવવા ત્રણ કલાક કવાયત આદરી હતી પરંતુ અંધારુ થઈ જવાના કારણે કામગીરી પડતી મૂકી હતી. સીટની ચૂનંદી ટીમના સકંજામાં આવી ગયેલા મોહંમદ હુસેન ગુલામરસુલ મન્સુરીએ પાંચ દિવસના રિમાન્ડના પ્રથમ દિવસે જ પોલીસની આકરી પૂછપરછમાં વટાણા વેરી નાંખ્યા હતા. ટ્રસ્ટના ફન્ડીંગ અને ઉચાપતના હિસાબ-કિતાબ સેવ કરેલી પેન ડ્રાઈવ તોડીને આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલી કાંસમાં ફેંકી દીધી હોવાની ચોંકાવનારી કબુલાત કરી હતી.
ગુના અંતર્ગત અત્યંત મહત્ત્વના પુરાવા સમાન મનાતી પેનડ્રાઈવ કબજે લેવા પોલીસ કાફલો કાંસ પાસે ઉતરી પડ્યો હતો. અત્યંત દુર્ગંધયુક્ત કાંસને ઉલેચવા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. લાશ્કરોએ આશરે ત્રણ વાગ્યાથી કાંસ ઉલેચવાની જહેમતભરી કામગીરી હાથ ધરી હતી. અત્યંત દુર્ગંધયુક્ત કચરાને વેર-વિખેર કરીને પોલીસ સતત પેનડ્રાઈવ શોધવા મીટ માંડીને શોધખોળ કરતી હતી. પરંતુ ત્રણથી ચાર કલાકની મહેનત બાદ પણ પેનડ્રાઈવ હાથલાગી ન હતી. અંધારુ થઈ જતાં આવતીકાલે પણ કામગીરી યથાવત રાખવામાં આવશે.
સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના અધ્યક્ષ એસીપી ડી.એસ.સોલંકીએ સ્ફોટક વિગત આપતા જણાવેલ કે, એસઓજી પીઆઈ એસ.જી,સોલંકી સહિતના વધુ એક ટીમને ઉત્તરપ્રદેશ તાત્કાલિક રવાના કરાઈ છે. આરોપી સલાઉદ્દીનના અનેક કનેકશનો યુપીના અનેક િજલ્લામાં હોવાના પુરાવા સાંપડતાં ટીમને તપાસાર્થે રવાના કરી હતી.
જ્યારે બીજીતરફ દેશની 100 ઉપરાંત મસ્જિદોને સમારકામ અને નવી મસ્જિદના બાંધકામ અર્થે જે ભંડોળ ટ્રસ્ટ દ્વારા પુરુ પડાયું છે તેવી મસ્જિદ ભૂજ સહિત અનેક િજલ્લામાં છે. ટ્રસ્ટના કાયદા કાનૂનની ઐસી તૈસી કરીને કટ્ટરવાદી સલાઉદ્દીન આણિ મંડળીના મસ્જિદની ફન્ડિંગ બાબતે ભૂજ સહિત અલગ અલગ િજલ્લામાં ટીમો રવાના કરીને રજરજની વિગતો એકત્ર કરવા સૂચના આપી હતી. સલાઉદ્દીન શેખ સહિતના આરોપીઓને લઈને એક ટીમ મંગળવાર સુધીમાં આવી પહોંચવાની આશા પોલીસ સેવી રહી છે.