સુરત : 12 વર્ષ ઉપરાંતથી હાઇપર ટેન્શનના મહિલા દર્દીને આડેધડ દવા લખી આપવાનું ડોક્ટરને ભારે પડ્યું હતું. આડેધડ દવાના ડોઝના કારણે મહિલા દર્દીને બ્રેઇન હેમરેજ થયા બાદ પેરાલીસીસ થયું હતું અને 9 મહિના સુધી મહિલા ખુબ જ હેરાન થયા હતા. ડોક્ટરની બેદરકારીની કોર્ટમાં થયેલી ફરિયાદ ગ્રાહક કોર્ટે મંજૂર રાખી હતી અને ડોક્ટરને આદેશ કરીને પાંચ લાખનો ક્લેઇમ ચૂકવી આપવા આદેશ કરાયો હતો.
આ કેસની વિગત મુજબ સુરત રહેતા ચેતનાબેન દેસાઇ, તેમના પતિ મનીષભાઇ દેસાઇએ અંજલી ક્લિનિકના નામે દવાખાનું ધરાવતા ડો. નિતીન શાહની પાસેથી સને-2007માં સારવાર લીધી હતી. ચેતનાબેનને હાઇપરટેન્શન હતું. સને-2018માં ચેતનાબેનને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. ડો. નિતીન શાહની સલાહ પ્રમાણે ચેતનાબેન અડાજણની હોસ્પિટલમાં એડમીટ થયા હતા. અહીં ડો. નિતીન શાહે જ ચેતનાબેનને ચેક કરીને તેઓને જરૂરી દવા આપ્યા બાદ રજા આપી દીધી હતી. હોસ્પિટલમાંથી રજા આપ્યાના પાંચમાં જ દિવસે ચેતનાબેનને માથામાં દુ:ખાવો થયો હતો. તેઓએ ઉધના દરવાજા પાસેની હોસ્પિટલમાં તપાસ કરતા બ્રેઇન હેમરેજ હોવાનું બહાર આવ્યું હતું, આ સાથે જ તેઓને પેરાલીસીસ થયું હોવાનું પણ નિદાન થયું હતું.
9 મહિના સુધીની સારવારમાં ચેતનાબેનને ખુબ જ મોટો ખર્ચ થયો હતો. આ માટે ચેતનાબેનએ વકીલ શ્રેયસ દેસાઇ મારફતે ડો. નિતીન શાહની સામે ગ્રાહક કોર્ટમાં કેસ કર્યો હતો. ડોક્ટરે આડેધડ ડોઝ આપીને અચાનક હાઇપરટેન્શનની દવા બદલી નાંખતા ચેતનાબેનની તબીયત વધુ ખરાબ થઇ હોવાની દલીલો કરાઇ હતી. આ સાથે ડોક્ટરે પણ દવા બંધ કરીને પોતાની ફરજમાં બેદરકારી રાખી હોવાનું જણાવી 5 લાખનો ક્લેઇમ માંગવામાં આવ્યો હતો. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ ચેતનાબેનની ફરિયાદ મંજૂર કરીને 5 લાખનો ક્લેઇમ આપવા ડો. નીતિન શાહને આદેશ આપ્યો હતો.
કેસની અંતિમ સૂનાવણીમાં ચેતનાબેન વ્હીલચેર ઉપર કોર્ટમાં આવ્યા હતા
સુરત : આ કેસની આખરી સુનાવણી થઇ રહી હતી તે દરમિયાન ઇજાગ્રસ્ત ચેતનાબેન વ્હીલચેર ઉપર કોર્ટમાં આવ્યા હતા. ચેતનાબેન બે વ્યક્તિની મદદથી કોર્ટમાં દલીલો સાંભળવા આવ્યા હતા. આ બાબતની સામે ડોક્ટર તરફે દલીલો કરાઇ હતી પરંતુ કોર્ટે આ વાતને પણ ગંભીરતાથી લઇને ડોક્ટરને કહ્યું હતું કે, દર્દી જાતે આવ્યા નથી, તેઓ બે વ્યક્તિની મદદથી કોર્ટમાં પહોંચ્યા છે.