Charchapatra

દર્દી અને ડોક્ટર એકબીજાના પૂરક બને

ડોક્ટર્સ પર સારવાર દરમ્યાન થતા હુમલાના સતત વધતા જતા આંકડાએ એક ભયજનક રાષ્ટ્રીય રૂપ આપી દીધું છે. મેડિકલ લાઈનમાં ભણતા ૮૦ ટકા વિદ્યાર્થીઓનો ઉદ્દેશ પૈસા ઉપરાંત મહદ્ અંશે સેવાભાવના હોય છે. જે વધતી જતી સ્પર્ધામાં ધીમેધીમે ઘટતો જાય છે. આજે સેવાભાવી ડોક્ટરોની સંખ્યા ઘટતી જાય છે. એ સમાજને દુઃખદ પરિસ્થિતિ તરફ લઈ જાય છે. આવા ભયજનક વાતાવરણમાં સૌથી ચિંતિત હોય તો નવા ઉભરતા ડોક્ટર્સ.

તેઓ વિચારે છે કે આટલી બધી મહેનત કરીને પોતાની યુવાનીના કિંમતી સમયને ચોપડામાં પૂરી ડોક્ટર બનીએ છીએ, પૈસા અને નામ કમાવા માટે.  કેટલીક સરકારી હોસ્પિટલોમાં સાધનોની અછત હોય છે છતાં ડોક્ટર સેવા કરે છે. દર્દી માટે ડોક્ટર જ ભગવાન છે. સગાંવહાલાં પોતાના દર્દીને ડોક્ટરના વિશ્વાસે મૂકી દે છે, જ્યારે કોઈ કેસ ડોક્ટરથી નિષ્ફળ જાય ત્યારે તેઓ માત્ર ડૉક્ટરને જ દોષિત ઠેરવી તેમના પર  હુમલો કરે છે, મારામારી કરે છે, તેની નોકરીને જોખમમાં મૂકે છે અને થોડા સમય પછી દર્દીનાં સગાંવહાલાં સાચી હકીકત જાણે છે કે ડોક્ટરની ભૂલ ન હતી, પણ પછી શું?

તેથી દર્દીનાં સગાંએ હંમેશા દર્દી વિશેની પૂરેપૂરી જાણકારી મેળવવી હિતાવહ છે તેમજ ડોક્ટરે પણ દર્દીનાં સગાંવહાલાંને દર્દીના રોગ વિશે, તેની ગંભીરતા વિશે અને તેના ઉપાય વિશેની પૂરેપૂરી માહિતી આપવી જરૂરી છે તેમ જ તેઓને સાચું માર્ગદર્શન આપવાની ફરજ પણ ડોક્ટરની છે. તેવી જ રીતે દર્દી અને સગાએ ડોક્ટરમાં વિશ્વાસ મૂકવો ખૂબ જ જરૂરી છે.  દુનિયામાં મનુષ્ય માટે માનવદેવ ડોક્ટર જ છે.  કોરોના કાળમાં ડોક્ટરોએ આપેલી સેવાનું મૂલ્ય આંકી શકાય તેમ નથી. છતાં આવા બનાવો બને છે જે શરમજનક છે. ડોક્ટર અને દર્દી એકબીજાના પૂરક બને તો સારવાર સરળ અને આનંદદાયક બને અને આવા બનાવો ન બને.
સુરત     – નીરુબેન બી. શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top