કામરેજ: કામરેજ (Kamrej) તાલુકાની 51 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં (Gram panchayat election) સરંપચ અને વોર્ડ સભ્યોનાં પરિણામ (result) આવ્યા બાદ હવે ઉપ સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં બે દિવસમાં કુલ 33 ગ્રામ પંચાયતોની ઉપ સરપંચની ચૂંટણી પૂર્ણ થઈ હતી. બાકી 18 ગ્રામ પંચાયતની ચૂંટણી મંગળવારના રોજ યોજાશે.
કામરેજ તાલુકાની કુલ 51 ગ્રામ પંચાયત પૈકી એક ઘલા ગ્રામ પંચાયતમાં રવિવારો ઉપ સરપંચ પદ માટે બે મણીલાલ નાનુ પરમાર અને પ્રિતેશ પટેલે ઉમેદવારી કરતાં મણીલાલને સાત મળતાં ઉપ સરપંચ પદે વરણી થઈ હતી. જ્યારે સોમવારે 32 ગ્રામ પંચાયતોની ઉપ સરપંચની ચૂંટણી યોજાઈ હતી. ખોલવડ ગામમાં ઉપ સરપંચ પદે હારૂન અહમદ તૈલીની બિનહરીફ વરણી થઈ હતી. નવાગામ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ પદ માટે સરપંચ સુમિત્રા પરભુ પટેલ ચુંટાઈ આવ્યા હતા. અને તેમના પતિ પરભુ પટેલની ઉપ સરપંચ પદે બિનહરીફ વરણી થતાં ગામમાં પણ પતિ-પત્નીનું આગામી પાંચ વર્ષ માટે રાજ ચાલશે.
જ્યારે કામરેજ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ પદ માટે નિવૃત્ત તલાટી કમ મંત્રી સુરેશ પટેલની બનહરીફ વરણી થઈ છે. ઉંભેળ ગામના ઉપ સરપંચ પદે દર્શન પટેલની બિનહરીફ વરણી થઈ હતી. તો આંબોલીમાં ઉપ સરપંચ પદ માટે હારૂન અગવાન બિનહરીફ વરાયા છે. આમ કુલ 33 ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચની ચૂંટણી સંપન્ન થઈ હતી. જ્યારે 18 ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ માટેની ચૂંટણી મંગળવારે યોજાશે.
ભોલાવ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પદે કદાવર યુવા યુવરાજસિંહ પરમાર બિનહરીફ
ભોલાવ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે કદાવર યુવા યુવરાજસિંહ પરમાર બિનહરીફ વરણી કરવામાં આવી છે. ઉપ સરપંચ તરીકે યુવરાજસિંહ સામે કોઈ ફોર્મ ન ભરાતાં સર્વાનુમતે વિજેતા જાહેર થયા છે. સોમવારે સાંજે ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી માટે બેઠક મળી હતી, જેમાં ડેપ્યુટી સરપંચ પદે યુવરાજસિંહ પરમારે ફોર્મ ભર્યું હતું. તેની સામે કોઈપણ સભ્યએ ઉમેદવારી કરી ન હતી. જે બાબતે ભોલાવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ કરવામાં આવી હતી. ખાસ કરીને ભોલાવ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ યુવરાજસિંહ પરમારે બનાવેલી ખમતીધર પેનલના મોટા ભાગના સભ્યો વિજેતા થયા હતા. સોમવારે ડેપ્યુટી સરપંચ પદે યુવરાજસિંહ પરમાર બિનહરીફ થતાં તેમના સમર્થકોએ ખુશી વ્યક્ત કરી હતી.