Columns

પેરિસ ઓલિમ્પિક એિફલ ટાવરથીઉંચા ખેલ-કૂદકા સમાન પૂરવાર થશે

વિન્સી મરચન્ટ

આવી રહેલી 26 જુલાઈ અને શુક્રવારના રોજ ફ્રાન્સના ખૂબસૂરત અને પ્રાચીન તેમ જ અર્વાચીન પેરીસ શહેરમાં સેન નદીના કાંઠે, એફિલ ટાવરના સાંનિધ્યમાં ઓલિમ્પિકસ રમતોત્સવનો ભવ્ય ઉદ્દઘાટન સમારોહ યોજાશે. જેમ પેરીસ શહેર ભવ્ય અને અનોખું છે તેમ એ ઓપનિંગ સેરેમની પણ અદ્દભુત હશે. 11 ઓગસ્ટ, રવિવાર સુધી 2024નો આ પેરિસ ઓલિમ્પિકસ મહાકુંભ ચાલશે. સત્તાવાર રીતે આ 33મો ઓલિમ્પિયાડ હશે જેને ‘પેરિસ-2024’નામ આપવામાં આવ્યું છે. ઓલિમ્પિકસ માટે જે એમ્બ્લેમ અથવા પ્રતીક ચિત્ર અપનાવવામાં આવ્યું છે તે ઘણું અર્થસભર છે. તે એક જલતો દીપક પણ દર્શાવે છે, જેને ઓલિમ્પિક્સની મશાલ ગણાય. એ જ ચિત્રમાં એક ભોળા બાળકને જે ખેલદિલી અને નિખાલસતાનું પ્રતીક છે તેને પણ જોઈ શકાય છે.
આ પેરિસ રમતોત્સવની ઉદ્દઘાટન વિધિ ખરેખર અનોખી હશે. જેમણે પેરીસની વચ્ચેથી પસાર થતી સેન નદી અને તેના બન્ને કાંઠાનું પેરિસ જોયું છે તેઓ અભિભૂત થઇ ગયા છે. પ્રસિદ્ધ એફિલ ટાવર આ સેન નદીના કાંઠે આવેલો છે. પેરિસ એક જૂનું છતાં ખૂબ સુંદર શહેર છે. શહેરમાં સ્થાપત્યો અનેક છે. વર્સાઇલનો પ્રસિદ્ધ રાજમહેલ, શાન્ઝે લિઝીનો ચોક અને દરવાજો, નોટ્રેડેમનું ચર્ચ, લુવ્રનું મ્યુઝિયમ વગેરે અનેક સુંદર સ્થાપત્યો સેન નદીના કાંઠે આવેલાં છે. પેરિસ શહેરમાં સેન નદી 6km જેટલી લાંબી છે. નદીમાં સહેલગાહ માટેની સુંદર બોટો ફરતી હોય છે. નદીના બન્ને કાંઠે સદીઓથી પાકા પથ્થરોના ધક્કાઓનું બાંધકામ અને તેના પર દર્શકોની બેસવાની પથ્થરોની ગેલેરીઓ છે. નદીના કાંઠે લગભગ પાંચ-સાત માળની એક સરખી શૈલીથી બાંધેલી હારબંધ ઇમારતો છે જેના ઢોળાવ આકારના લીલા રંગના છજાઓ પેરિસની અલગ ઓળખાણ છે. બોટના 6 kmના પ્રવાસમાં સહેલાણીઓને સ્થાપત્યો અને સ્થળોનો પરિચય કરાવાય છે. ઓપનિંગ સેરેમની અનોખી, નવીન એટલા માટે હશે કે દરેક ઓલિમ્પિકસ રમતોત્સવ વખતે જેતે દેશની ટીમોના ખેલાડીઓ મેદાન પર ચાલીને પરેડ કરતાં હોય છે પરંતુ પેરિસ 2024માં ભાગ લેનારા દરેક દેશના ખેલાડીઓ બોટ પર સવાર થઇને સેન નદીમાં લગભગ 6 km લાંબી પરેડ યોજશે. ત્યાં બન્ને કાંઠે ગોઠવેલી વ્યવસ્થામાં બેસીને કોઇ પણ વ્યક્તિ પરેડ નિહાળી શકશે. દરેકને હાજર રહેવાની છૂટ છે. આ ભવ્ય નજારો ટેલિવિઝન પર અબજો લોકો દ્વારા નિહાળવામાં આવશે.
ઓલિમ્પિકસ સમર ગેમ્સના ઇતિહાસમાં આ પ્રથમ વખત ઓપનિંગ સેરેમની કોઇ સ્ટેડિયમમાં યોજાશે નહીં પણ બહાર એક સુંદર અને સ્વચ્છ નદી પર યોજાશે. સેન નદી પેરીસ (ફ્રેન્ચ લોકો જેને પારી કહે છે)ની ધમની સમાન છે અને શહેરના કેન્દ્ર, હાર્દ સમા ભાગમાં વહે છે. દરેક દેશના નેશનલ ડેલિગેશનને એક એક બોટ ફાળવવામાં આવશે. આ બોટસ પર ટેલિવિઝન કેમેરાઓ ગોઠવેલા હશે, જેથી તેના પર સવાર ખેલાડીઓને દુનિયાના લોકો દૂર અને નજીક બન્ને રીતે જોઈ શકશે. પરેડનાં રિહર્સલો શરૂ થઇ ગયાં છે. એથ્લીટો સાથેની બોટસ પૂર્વમાંથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે જયાં પશ્ચિમના છેડા નજીક એફિલ ટાવર આવેલો છે. આ રીતે પેરીસ શહેરના કેન્દ્રસ્થ ભાગમાંથી 10500 ખેલાડીઓ પસાર થશે. બોટ પરેડ 6kmનો રૂટ પૂરો કર્યા બાદ ટ્રોકાડીરો તરીકે ઓળખાતા સ્થળ પર સમાપ્ત થશે અને બાકીની પ્રોટોકલ મુજબની વિધિઓ આ સ્થળે યોજાશે. ફ્રેન્ચ પ્રમુખ ઇમાન્યુએલ મેકરોન રમતોત્સવને ખુલ્લો મૂકશે. કોઇ પણ પ્રવેશ ટિકિટ વગર જાહેર જનતા ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી શકે તેવો આ સર્વ પ્રથમ ઓલિમ્પિક મહોત્સવ છે. નદીથી દૂર પડતી અમુક બેઠકો પર જાહેર જનતા બેસી શકશે પણ નદીથી સાવ નજીકના કાંઠા પરની, અમુક સ્ટેશનથી અમુક સ્ટેશન સુધીની બેઠક વ્યવસ્થામાં બેસવું હશે તો ટિકિટ ખરીદવી પડશે. નદીના કાંઠે એ રીતની બેઠકવ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેવી કોઇ મોટા સ્ટેડિયમમાં હોય છે. સેન નદી પર અનેક નાના નાના સુંદર બ્રીજ છે. એક બ્રીજ માટે એવી માન્યતા છે કે નવપરિણીતો બ્રીજની રેલિંગ પર તાળું વાસીને (બંધ કરીને) રાખી દે તો તેઓનું લગ્નજીવન અને પ્રેમ આજીવન ટકે છે. ત્યાં લોકોએ નાનકડી રેલિંગો પર હજારોની સંખ્યામાં તાળાં વાસી દીધા હતા. રેલિંગ પર લોખંડનાં તાળાંઓનું વજન એટલું વધી ગયું કે આખો બ્રીજ જમીનદોસ્ત થઇ ગયો. જો કે સેન નદીના પટ ખાસ વિશાળ નથી. ભારતની કોઇક નાનકડી નદી જેવડી તે છે પણ ફ્રેન્ચ લોકોએ તેને સ્વચ્છ અને સુંદર બનાવીને જગમશહૂર બનાવી દીધી છે.
ઓસ્ટરલીઝ બ્રીજથી લેના બ્રીજ વચ્ચેના કાંઠા પર બેસવા માટે પ્રેક્ષકોએ ટિકિટો ખરીદવી પડશે. નદીના કાંઠાઓ પર બેસવા માટે પ્રેક્ષકોએ ટિકિટો ખરીદવી પડશે. નદીના કાંઠાઓ પર વિશાળ કદના 80 TV સ્ક્રીનો ગોઠવવામાં આવ્યાં છે. સ્પીકરો પણ ટેક્નિકલ ઢબે ગોઠવવામાં આવ્યા છે. આથી ઓપનિંગ સેરેમની વખતે કર્ણપ્રિય સંગીત અને અવાજથી પેરિસનો હૃદય સમાન વિસ્તાર ગુંજી ઊઠશે. ઓલિમ્પિકસના આજ સુધીના ઇતિહાસમાં પેરિસની ઓપનિંગ સેરેમની સૌથી વિશાળ હશે. વળી તે તમામને માટે ખુલ્લી હશે. બોટ પર સવાર થઇ રમતવીરો પસાર થતા હશે ત્યારે તેઓ કાંઠા પરનાં પ્રસિદ્ધ સ્પોર્ટસ વેન્યુઓ પણ નિરખી શકશે.
પેરિસ ઓલિમ્પિકસમાં ભારત માટે એક બીજી મહત્ત્વની વાત થવા જઇ રહી છે. 2036માં ભારતમાં ઓલિમ્પિકસ મહોત્સવ યોજવા માટે ભારત દાવો અથવા અરજી રજૂ કરશે. ભારતમાં ઓલિમ્પિકસ લઇ આવવા માટે ‘સ્પોર્ટસ્ ઓથોરિટી ઓફ ઇન્ડિયા’ દ્વારા ‘મિશન ઓલિમ્પિક સેલ’ (MOC)ની રચના કરવામાં આવી છે. એક સફળ અરજી અથવા બીડ માટે જે જે પ્રાવધાનો કરવા જરૂરી હોય તે કરીને તેનો એક વિગતવાર રિપોર્ટ રમતગમતખાતાના મંત્રી મનસુખ માંડવિયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ભારતે આ બીડ સફળ બને તે માટે ઘણી મથામણો અને લોબીંગ કરવું પડશે, જેની શરૂઆત થઇ ચૂકી છે. જો 2036ની રમતો ભારતને ફાળે આવે તો ભારત પોતાની સાંસ્કૃતિક ઓળખ સમાન ગણાતી રમતો અને વ્યાયામને ઓલિમ્પિકમાં સમાવવાનો આગ્રહ રાખશે. શ્રી માંડવિયાએ છ રમતોને 2036ની ઓલિમ્પિકમાં સમાવવા માટે રિપોર્ટમાં આગ્રહ રજૂ કર્યો છે. તે છમાં યોગ, ખોખો, કબડ્ડી ઉપરાંત ચેસ, T 20 ક્રિકેટ અને સ્ક્વોશનો સમાવેશ થાય છે.
ઓલિમ્પિક 2036ના બીડની વિધિ તો પેરીસ ઓલિમ્પિકની સમાપ્તિ બાદ યોજાશે પણ તે માટેનું લોબિંગ પેરિસ રમતોત્સવ દરમિયાન જ કરવું પડશે. MOCના એક સભ્યનું કહેવું છે કે ‘અમે પૂરેપૂરી તૈયારી કરી રાખી છે’ ગયા વરસે મુંબઇ ખાતે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની એક મીટિંગ મળી હતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2036માં ભારતમાં ઓલિમ્પિકસ યોજવાની મહેચ્છા જાહેર કરી હતી અને કહ્યું હતું કે ભારતમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાય તે માટે જરૂરી હોય તે પ્રયત્નો કરવામાં ભારત જરા પણ કચાશ રાખશે નહીં.
વરસ 2028ની ઓલિમ્પિક અમેરિકાના લોસ એન્જેલસ ખાતે અને 2032ની બ્રિસ્બેન, ઓસ્ટ્રેલિયા ખાતે યોજાશે. ઓલિમ્પિકસના ઇતિહાસમાં પેરીસમાં આ ત્રીજી વખત ઓલિમ્પિક રમતોત્સવ યોજાઈ રહ્યો છે. એ રીતે ત્રણ ત્રણ વખત ગેમ્સના યજમાન બનનાર પેરીસ બીજું શહેર બન્યું છે. પ્રથમ વખત સન 1900માં અને બીજી વખત 1924માં પેરીસમાં ઓલિમ્પિક કુંભ યોજાઈ ચૂકયો છે. ત્રણ વખત ગેમ્સના યજમાન બનનારું લંડન પ્રથમ શહેર છે. ત્યાં 1908, 1948 અને 2012માં ઓલિમ્પિકનું આયોજન થયું હતું. સમર ઓલિમ્પિકસ સ્પર્ધાઓ પૂરી થયા બાદ પેરિસમાં જ વિન્ટર ઓલિમ્પિકસ યોજાશે. પેરિસ શહેર વિન્ટર ઓલિમ્પિકનું યજમાન ત્રીજી વખત બની રહ્યું છે. આ રીતે બન્ને ગેમ્સ પૂરી થશે ત્યાં સુધીમાં પેરિસ કુલ છ ઓલિમ્પિકસનું યજમાન બની ચૂકયું હશે.(OK)પેરિસ ઓલિમ્પિકમાં ઓલિમ્પિક ઇવેન્ટ તરીકે બ્રેકડેન્સિંગને પ્રથમ વખત સ્થાન મળશે. પેરિસ 2024ના આયોજન પાછળ ફ્રાન્સની સરકારને 8.3 અબજ યુરો (લગભગ 750 અબજ રૂપિયા)નો ખર્ચ થશે. રમતોત્સવ પેરિસ ઉપરાંત ફ્રાન્સના અન્ય 12 જેટલા વેન્યુઓમાં યોજાશે. ફ્રાન્સે રમતોત્સવ માટે જે સ્લોગન પસંદ કર્યું છે તે છે, ‘ગેમ્સ વાઈડ ઓપન’. સર્ફિંગની ઇવેન્ટ (જેમાં લાકડાના એક પાટિયા પર ઊભા રહીને સમુદ્રનાં મોજાંઓ પર તરવાનું હોય છે) ફ્રાન્સના એક જૂના સંસ્થાન પફ્રેન્ચ પોલિનેશિયા (તાહિતી) ખાતે યોજાશે. ફ્રાન્સ ત્રાસવાદનો સામનો કરી રહ્યું છે.
ઉદ્દઘાટન સમયે કે રમતોત્સવ દરમિયાન કોઇ અજુગતી ઘટનાઓ ઘટે તો વૈકલ્પિક પ્લાન B પણ તૈયાર રાખવામાં આવ્યા છે. સલામતી બાબતમાં ફ્રાન્સને યુરોપોલ (યુરોપોલીસ) અને બ્રિટનનું પોલીસતંત્ર પણ મદદ કરી રહ્યા છે. TV કોમેન્ટેટરોની ભાષામાં કહીએ તો સાચા એફિલ ટાવરની પાશ્ચાદભૂ વચ્ચે ઉદ્દઘાટન વિધિનો ‘રંગારંગ’ કાર્યક્રમ યોજાશે પણ સલામતીની વ્યવસ્થા માટે અનેક ડ્રોન્સ ઊડતાં હતાં. સેન નદીમાં પણ એવા ખાસ અંતરાયો ઊભા કરવામાં આવ્યા છે જે બિનઅધિકૃત નાની હોડીઓને આગળ વધતા અટકાવી દેશે. હવાઈમાર્ગે, ડ્રોન્સ અથવા નાનકડા વિમાન દ્વારા કોઇ હુમલો ના આવી પહોંચે તેવી તકેદારી માટે બ્રિટિશ આર્મી દ્વારા સ્ટારસ્ટ્રીક નામની જમીન પરથી હવામાં માર કરતી મિસાઈલો મહત્ત્વનાં સ્થળોએ ગોઠવી દેવામાં આવી છે.
પોલીસે તપાસ તેમ જ બોમ્બ નિરર્થક બનાવવા માટેની કવાયતો યોજી છે. ગયા વરસે ફ્રાન્સમાં રગ્બી વર્લ્ડકપનું આયોજન થયું હતું. તે વખતનો સલામતી અને ચોકીદારી જાળવવાનો અનુભવ ફ્રાન્સની પોલીસને ઓલિમ્પિકમાં કામ આવી રહ્યો છે.
આ રમતોત્સવમાં ઘણા મહાનુભવો હાજર રહેશે. કતારના રોબ તમીમ બિન હમાદ અલથાની પણ આવવાના છે તેથી સલામતીનો જડબેસલાક બંદોબસ્ત કરાયો છે. પોલેન્ડ તરફથી સિકયોરિટી પોલીસ, પોલીસ શ્વાનો, તેના હેન્ડલરો વગેરે પૂરા પાડવામાં આવી રહ્યા છે. ઉદ્દઘાટન વિધિ પ્રસંગે અગાઉ છ લાખ લોકોની હાજરી ધારવામાં આવી હતી પણ હવે તે સંખ્યામાં ઘટાડો કરી મુખ્ય સ્થળ પર માત્ર ત્રણ લાખ લોકોને જ હાજર રહેવા દેવામાં આવશે. ગઇ 16 ફેબ્રુઆરીએ ઓલિમ્પિયા, ગ્રીસ ખાતે ઓલિમ્પિકની મશાલ પ્રજવલિત કરવામાં આવી હતી. રમતો શરૂ થવાને 100 દિવસની વાર હોય છે ત્યારે આ ટોર્ચ પેટાવવામાં આવે છે. ગ્રીકના રોવર ખેલાડી સ્ટેફાનોસ દોસ્કોસ પ્રથમ ટોર્ચ બેરર (મશાલચી) બન્યા હતા અને પ્રથમ ફ્રેન્ચ ટોર્ચબેરર તરીકે ફ્રાન્સના તરવૈયા લોર મનાદુ રહ્યા હતા. અનેક ખેલાડીઓના હાથમાં ફરતી ફરતી ટોર્ચ ઉદ્‌ઘાટન વિધિ સમયે ઓલિમ્પિક વિલેજ પર પહોંચશે. ત્યાં સુધીમાં કુલ 10000 ટોર્ચબેરરોએ તે ઉપાડી હશે અને ફ્રાન્સના 65 પરગણાના 400થી વધુ સ્થળોએ થઇને મશાલ ઓલિમ્પિક વિલેજ ખાતે આવશે. એ 400 સ્થળોમાંથી છ દરિયાપારનાં સ્થળો છે.
26 જુલાઇના રોજ સ્થાનિક સમય સાંજના સાડા સાત વાગ્યે ઉદ્‌ઘાટન સમારંભ યોજાશે. ભારત કરતાં ફ્રાન્સનો સમય સાડા ત્રણ કલાક પાછળ છે. તેનો અર્થ એ કે ભારતમાં ત્યારે રાત્રિના અગિયાર વાગ્યા હશે. આયોજકના દાવા પ્રમાણે ઉદ્‌ઘાટન વિધિ, એફિલ ટાવરના બેકડ્રોપમાં, ખૂબ જ શાનદાર હશે. સેન નદીના કાંઠા નજીકની ગેલેરી માટે ટિકિટ રાખવામાં આવી છે જેમાં મહત્તમ એક લાખ ટિકિટો ઇસ્યુ કરાશે. બાકીની કોઇ જગ્યા માટે ટિકિટ નહીં ખરીદવી પડે અને તેથી પેરીસ 2024ને ‘પિપલ્સ ઓલિમ્પિકસ’ તરીકે ઓળખાવવામાં આવી રહી છે. જો કે સલામતીનાં કારણો આગળ રાખી સેન નદી પરના કેટલાક અપર લોકેશન્સ પર માત્ર આમંત્રિતોને જ બેસવા દેવામાં આવશે.
પેરીસ 2024માં 32 રમતગમતો માટે 329 ઇવેન્ટસ યોજાશે. આ વખતે, અગાઉ લખ્યું તે મુજબ બ્રેકડેન્સિંગ અથવા બ્રેકિંગને પ્રથમ વખત વૈકલ્પિક સ્પોર્ટ તરીકે સ્થાન મળી રહ્યું છે. બ્રેકડાન્સિંગની વિવિધ મુદ્રાઓ જેમ કે માથા પર ઊલટા રહીને ગોળ ગોળ ફરવું વગેરેની રમત થોડાં વરસોથી પશ્ચિમના દેશોમાં ખૂબ લોકપ્રિય બની છે. બ્રેકિંગની સ્પર્ધાઓ પણ અનેક સ્થળે અનેક સ્તરે યોજાતી રહે છે. તે ડાન્સ (નૃત્ય) પણ છે અને કૌશલ્ય તેમ જ ઊર્જાની જરૂર પડતી હોવાથી એક સ્પોર્ટ (રમત) પણ છે. આથી તેનો સમાવેશ ‘ડેન્સ-સ્પોર્ટ’ કેટેગરીમાં કરવામાં આવ્યો છે. તેમાં દુનિયાની વિધવિધ ડેન્સ સ્ટાઇલો જેવી કે લેટિન ડેન્સિંગથી માંડીને કુંગ ફૂ વગેરેનાં તત્ત્વો સામેલ કરવામાં આવતાં હોય છે.
છેલ્લા કેટલાક ઓલિમ્પિકસ રમતોત્સવોમાં ભાગ લેનારા ભારતીય રમતવીરોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે તે ગર્વ લેવા જેવી બાબત છે. ટોકિયો 2020માં ભારતે ત્યાર સુધીના સૌથી વધુ 124 એથ્લીટો મોકલ્યા હતા. કોરોના સંકટને કારણે ટોકિયો ઓલિમ્પિકસનું શેડયુલ ખોરવાઇ ગયું હતું પણ હવે રાબેતા મુજબ બની ગયું છે. એ ઓલિમ્પિકસમાં ભારત સૌથી વધુ સાત ચન્દ્રકો જીત્યું હતું. પુરુષોની ભાલા ફેંક (જેવલીન થ્રો)માં ભારતના નીરજ ચોપડાએ રંગ રાખ્યો હતો. વિશ્વકક્ષાએ ભારતની આબરૂ વધારી હતી. આ વખતે પણ નીરજ ચોપડા સુવર્ણચન્દ્રક પ્રાપ્ત કરશે એવી દરેકને ખાતરી સાથે આશા છે. આ વખતે 20 kmની રેસ વોક, રેસલિંગ શૂટિંગ વગેરે રમતોમાં નવા ભારતીય આશાસ્પદ ચહેરાઓ જોડાઇ રહ્યા છે. રેસવોકર તરીકે પ્રિયન્કા ગોસ્વામી અને અક્ષદીપ સિંહ પેરિસ 2024માં પ્રથમ વખત ભાગ લેશે. મહિલાઓની 57 Kg બોકિસંગની સ્પર્ધામાં જસ્માન લેમ્બોરીઆ ભારત તરફથી ભાગ લેશે. આ અમુક ઉદાહરણો છે. યાદી લાંબી છે. ભગવાન કરે કે તેઓ જે મેડલ્સ જીતી લાવે તેની યાદી પણ ખૂબ લાંબી હોય! રમતગમતના કે અન્ય કોઇ ને કોઇક મહત્ત્વના પ્રસંગોએ ત્રાસવાદીઓ દ્વારા ધમકીઓ મળતી રહે છે. ફ્રાન્સને ઇસ્લામિક અસંતોષની મોટી સમસ્યા નડી રહી છે. ગયા માર્ચ મહિનામાં ક્રોકસ સિટી હોલ પર હુમલો થયો હતો અને એપ્રિલમાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા તેની જવાબદારી લેવામાં આવી હતી. આ અગાઉ UEFA ચેમ્પિયન્સ લીગની કવાર્ટર ફાઇનલ યોજાઇ ત્યારે પણ ઘણી ધમકીઓ મળી હતી. ફ્રેન્ચ પ્રમુખ ઇમાન્યુઅલ મેક્રોને ઇશારો આપ્યો છે કે જરૂર પડશે તો ઉદ્‌ઘાટન વિધિનું કદ નાનું કરવામાં આવશે અથવા વિધિનું સ્થળ બદલવામાં આવશે.


Most Popular

To Top