AHEMDABAD : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મનપાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસ ( CONGRESS) દ્વારા વ્હલા-દવલાની નીતિ અપનાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના આંતરિક નિરીક્ષક દીપક બાબરીયાએ ( DIPAK BABRIYA) લગાવ્યો હતો.
સિનિયર આગેવાન અને નિરીક્ષક એવા દીપક બાબરીયાએ કહ્યું હતું કે ટિકિટ ફાળવણી માટે નક્કી કરાયેલા નિયમો મુજબ ટિકિટ આપવામાં આવી નથી. અમદાવાદમાં નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી પેનલો રાતોરાત બદલાઈ ગઈ હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. સાથે જ આ તમામ બાબતોની રજૂઆત પ્રદેશ કમાન્ડના નિરીક્ષકો સામે કરવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા નક્કી કરાયેલા ઉમેદવારોની પેનલો બાદ કોંગ્રેસના સિનિયર આગેવાનો દ્વારા પોતાના મળતિયાઓને ટિકિટ આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, અને રાતોરાત ઉમેદવારોના નામ બદલાઈ ગયા હતા.
20 લાખમાં ટિકિટ વેચાતી હોવાનો આક્ષેપ કરનારા સોનલ પટેલ ( SONAL PATEL) ની પક્ષમાંથી હકાલપટ્ટી
મનપાની ટિકિટોને લઈને કોંગ્રેસમાં ભારે વિવાદનો વંટોળ ઊભો કર્યો છે. ગઈકાલે મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ સોનલ પટેલે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય ઉપર ૨૦ લાખમાં ટિકિટ વેચી હોવાનો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. જેના પગલે આજે મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ સોનલ પટેલને સસ્પેન્ડ કરી દીધા છે.
મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલ પટેલની હકાલપટ્ટી કરાયા બાદ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે દરેક પાર્ટીના નીતિ નિયમો હોય છે, આ નીતિનિયમોમાં રહીને પોતાનો વિરોધ કે વાત રજુ કરવાની હોય છે. સોનલ પટેલ સારા નિષ્ઠાવાન કાર્યકર્તા છે, એટલા માટે જ તેમની પસંદગી મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આટલા સિનિયર મહિલા આગેવાન હોવાને નાતે તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો હતો, તે ન કરવો જોઈતો હતો. ક્યાંક ટિકિટ વહેચણીમાં અન્યાય થયો હોય તો તેની રજૂઆત ચોક્કસ પ્લેટફોર્મમાં, ઘરની વાત ઘરમાં કરવી જોઈએ.